ગાંધી સ્મારક સંગ્રહાલય, અમદાવાદ : ગાંધીજીના જીવનકાર્ય સાથે સંકળાયેલું મહત્વનું રાજકીય સંગ્રહાલય. 1918થી 1930 સુધી ગાંધીજી અને કસ્તૂરબાનું સાબરમતી નદીના તટ ઉપરનું નિવાસસ્થાન અને પ્રાર્થનાભૂમિ તથા દાંડીકૂચની પવિત્ર ભૂમિ. તે પાછળથી સત્યાગ્રહ આશ્રમ તરીકે જાણીતી થઈ. તેમના સ્મરણાર્થે રચાયેલું આ ઐતિહાસિક સ્થળ રાષ્ટ્રીય સ્મારક તરીકે આજે મહત્વ ધરાવે છે. આ સ્થળને સુરક્ષિત રાખવા 1951માં એક ટ્રસ્ટની સ્થાપના થઈ અને

ગાંધી સ્મારક સંગ્રહાલય, અમદાવાદ
સ્મારકની સુરક્ષા, સંગ્રહ વગેરે કામગીરી શરૂ થઈ. તેમાં સંગ્રહાલયનો પણ સમાવેશ થાય છે. ત્યારપછી આ જ સ્થળે આ વાતાવરણને અનુરૂપ સ્થાપત્યવાળા મકાનમાં 1963માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે સંગ્રહાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. ગાંધીજીને લગતા આ મોટામાં મોટા અને અમૂલ્ય સંગ્રહમાં તેમના જન્મથી અવસાન સુધીના 100 ઉપરાંત ફોટા, સત્ય, અહિંસા, અપરિગ્રહ, સત્યાગ્રહ, અસ્પૃશ્યતા-નિવારણ, રાષ્ટ્રીય એકતાના તેમના જીવનને સ્પર્શેલા સૂચક પ્રસંગોનાં પૂરા કદનાં તૈલચિત્રો, તેમનાં અસલ લખાણો, દસ્તાવેજો, પત્રો, પુસ્તકો, ચબરખી તથા રેંટિયો જેવી રોજ વપરાતી વસ્તુઓ, ફોટા, ફિલ્મો વગેરેનો સમાવેશ થાય છે. પુસ્તકાલયમાં આશરે 17,000 પુસ્તકો છે. આ મ્યુઝિયમે પિક્ચર પોસ્ટકાર્ડ, રંગીન ચિત્રો, માર્ગદર્શિકા જેવાં પ્રકાશનો પણ કર્યાં છે. ગાંધીજીના જીવન ઉપરની ફિલ્મ પણ ત્યાં બતાવવામાં આવે છે. મ્યુઝિયમના સંચાલન અને દેખરેખ માટે મ્યુઝિયમ નિયામક તેના વડા છે. આ મ્યુઝિયમ કોઈ દિવસ બંધ રહેતું નથી અને વિના મૂલ્યે જોવા દેવામાં આવે છે. દેશપરદેશના મુલાકાતીઓ માટે આ સ્થળ યાત્રાધામ સમું છે.
જ. મૂ. નાણાવટી