ગાંધી, લાલચંદ્ર ભગવાનદાસ (જ. 23 ઑગસ્ટ 1894, દાઠા, ગોહિલવાડ; અ. 29 માર્ચ 1976) : પ્રસિદ્ધ જૈન પંડિત. પ્રાથમિક શિક્ષણ વતનમાં, પછી વારાણસીની યશોવિજય જૈન સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળામાં આશરે આઠ વર્ષ સુધી સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ તથા વ્યાકરણ, ન્યાય, કાવ્ય આદિનો ઊંડો અભ્યાસ કર્યો. પાછા ફરી ચારેક વર્ષ અધ્યાપન-સંશોધનની છૂટક નોકરીઓ કરી. થોડો સમય બિકાનેરમાં ઇટાલિયન વિદ્વાન ડૉ. ટેસિટોરીના સહાયક રહ્યા અને તેમના અતિસુંદર પ્રમાણપત્રના આધારે ઑક્ટોબર 1920માં વડોદરાના મધ્યવર્તી પુસ્તકાલયના સંસ્કૃત વિભાગમાં જૈન પંડિતની કાયમી નોકરી મળી. આ વિભાગ 1927માં ‘પ્રાચ્યવિદ્યા મંદિર’ બન્યો. ત્યાંથી 22 ઑગસ્ટ 1952ના રોજ નિવૃત્ત થયા.
આ દરમિયાન તેમણે ઘણા સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું સંશોધન-સંપાદન કર્યું, જેની પાંડિત્યપૂર્ણ સંસ્કૃત પ્રસ્તાવનાઓ તથા સૂક્ષ્મ વિગત-સભર પરિશિષ્ટોએ ઘણી ખ્યાતિ અપાવી. વિશ્વવિખ્યાત ગાયકવાડ પ્રાચ્યવિદ્યા ગ્રંથમાળામાં પ્રકાશિત થયેલ જેસલમેરના તથા પાટણના જૈન ગ્રંથભંડારોની સૂચિઓ દ્વારા તેમણે સંશોધનની પુષ્કળ સામગ્રી પ્રથમવાર પ્રગટ કરી. તેમના અન્ય સંપાદિત ગ્રંથો છે ‘નલવિલાસનાટક’, ‘નાટ્યદર્પણ’, ‘અપભ્રંશકાવ્યત્રયી’, ‘અલંકારમહોદધિ’, ‘દ્વાદશારનયચક્ર’, ‘પ્રાકૃતધર્મોપદેશમાલા વિવરણ’, ‘સ્યાદિશબ્દસમુચ્ચય’, ‘સંબોધસપ્તતિ’ અને ‘અર્હદભિષેકવિધિ’, ‘યોગશાસ્ત્ર’ જેવા કેટલાક ગ્રંથોના તે સહસંપાદક પણ રહેલા.
મુખ્ય ગુજરાતી ગ્રંથો છે : ‘પંચમી-માહાત્મ્ય’ (અનુવાદ), ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ (અનુવાદ), ‘તેજપાલનો વિજય’, ‘પાવાગઢથી વડોદરામાં પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ’ અને ‘ભરતબાહુબલિરાસ’. તેમના પચાસેક સંશોધનસભર લાંબા ગુજરાતી લેખોએ ભારતના અને વિશેષત: ગુજરાત-રાજસ્થાનના ઇતિહાસ ઉપર ઘણો પ્રકાશ પાડ્યો. તેમનો ‘ઐતિહાસિક લેખસંગ્રહ’ તો ઇતિહાસરસિકો તથા જૈન ધર્મ અને સાહિત્યના વિદ્વાનો માટે સંદર્ભગ્રંથ બની ગયો છે.
સ્પષ્ટ વક્તૃત્વ, ચોકસાઈ, પૂર્ણતાની ચીવટ, પ્રામાણિકતા, પ્રમાણપુર:સરતા તથા અન્યને મદદ કરવાની તત્પરતા તેમના નોંધપાત્ર ગુણો હતા. તેમનાં સંશોધનોની કદર કરીને 1972માં ભારત સરકારે તેમને ‘સર્ટિફિકેટ ઑવ્ મેરિટ’ દ્વારા નવાજ્યા હતા અને જૈનસમાજે પણ ‘શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચન્દ્રક’ અર્પણ કરેલો.
જયન્ત પ્રે. ઠાકર