ગાંધી, રામચંદ્ર (જ. 9 જૂન 1937, ચેન્નાઇ; અ. 13 જૂન 2007, નવી દિલ્હી) : અગ્રણી દાર્શનિક અને આજન્મ શિક્ષક. પિતાનું નામ દેવદાસ (ગાંધી) અને માતાનું નામ લક્ષ્મી જે ચક્રવર્તી રાજગોપાલાચારીનાં પુત્રી હતાં. તેમનું સ્નાતક સુધીનું શિક્ષણ દિલ્હીમાં અને ઉચ્ચ શિક્ષણ સેન્ટ સ્ટીવન્સ કૉલેજ, દિલ્હી અને ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં થયેલું. તેમણે તેમની અનુસ્નાતક સ્તરની પ્રથમ પદવી ભૌતિકશાસ્ત્ર વિષયમાં દિલ્હીની કૉલેજમાંથી મેળવી હતી જે દિલ્હી યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી. ત્યાર બાદ તેમણે અનુસ્નાતક સ્તરની પદવી દિલ્હીની સેન્ટ સ્ટિવન્સ કૉલેજમાંથી દર્શનશાસ્ત્ર વિષયમાં અને ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફીની પદવી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. ડૉક્ટરેટની પદવી માટેના તેમના માર્ગદર્શક હતા વર્તમાન સમયના વિખ્યાત દર્શનશાસ્ત્રી પ્રોફેસર પી. એફ. સ્ટ્રૉસન.
‘રામુ’ આ હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતા બનેલા આ દાર્શનિકની દર્શનશાસ્ત્ર વિષયની ખોજ એટલી બધી વ્યાપક અને વિસ્તૃત હતી કે તેમાં પશ્ચિમના દાર્શનિકો જેવા કે વ્હાઇટહેડ અને લુડવિગ વિટેન્સ્ટેન ઉપરાંત ભારતીય દર્શનશાસ્ત્રના માંધાતાઓ જેવા કે મહર્ષિ અરવિંદ અને રમણ મહર્ષિ સુધી પહોંચી ગઈ હતી. તેમણે ઉપનિષદોનો ઊંડો અને તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. તેમની એવી ર્દઢ માન્યતા હતી કે સાત્વિક અને નૈતિક જીવનનો આધારસ્તંભ તે આત્મા (self) હોય છે જેમાં આપણા અસ્તિત્વનાં મૂળિયાં શોધવાં જોઈએ. અંગ્રેજી અને હિંદી આ બંને ભાષાઓ ઉપર એમનું એટલું બધું પ્રભુત્વ હતું કે તેમને દર્શનશાસ્ત્ર જેવા જટિલ વિષય પર સાંભળનારા પણ દિઙમૂઢ થઈ જતા, એ પછી જૂથચર્ચા હોય કે અંગત મુલાકાતીઓ સાથે સંવાદ કે પ્રશ્નોત્તરી હોય કે જાહેર વ્યાખ્યાન હોય. ઉંમરના પાંચમા દશકમાં તેમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો જેને કારણે તેઓ ઉપનિષદોની બારીકાઈના ઊંડાણમાં પણ વિહાર કરી શક્યા. તેમણે પુરાણોની શૈલીમાં લખેલો ગ્રંથ ‘આઇ ઍમ ધાઉ’ વાંચનારને તેમાંથી અવનવા વિચારો અને ખ્યાલોનો પરિચય થતો, નવી ર્દષ્ટિ પણ પ્રાપ્ત થતી. અત્યંત સંવેદનશીલ અને સર્વધર્મસમભાવમાં શ્રદ્ધા રાખનારા રામચંદ્ર ગાંધીને બાબરી મસ્જિદના વિધ્વંસની ઘટનાએ હચમચાવી મૂક્યા હતા. તેના પ્રાયશ્ચિત્ત રૂપે તેમણે ‘સિતાઝ કિચન’ શીર્ષક હેઠળનું પુસ્તક લખી કાઢેલું. બાબરી મસ્જિદ જે સ્થળે બાંધવામાં આવેલી તે સ્થળનું ધાર્મિક પાવિત્ર્ય પુન:સ્થાપિત કરવાની હાકલ તેમણે આ પુસ્તક દ્વારા કરી હતી. પારસ્પરિક સંવાદમાં તે અત્યંત કુશળ અને સાથોસાથ વિનોદી હતા.
રામચંદ્ર ગાંધીએ દિલ્હી યુનિવર્સિટી ઉપરાંત ઇંગ્લૅન્ડની સાઉધમ્પટન યુનિવર્સિટી, અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટી, રવીન્દ્રનાથ ઠાકુરે સ્થાપેલી શાંતિનિકેતન યુનિવર્સિટી અને હૈદરાબાદ ખાતેની કેન્દ્રીય યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું.
‘આઇ ઍમ ધાઉ’ અને ‘સિતાઝ કિચન’ ઉપરાંત તેમણે ‘ધ અવલેબિલિટી ઑવ્ રિલિજસ લૅંગ્વેજ’ જેવાં પુસ્તકો પણ લખ્યાં છે.
છેલ્લા ઘણા દાયકાઓથી તેઓ દિલ્હી ખાતેના ઇન્ડિયા ઇન્ટરનૅશનલ સેન્ટરમાં નિવાસ કરતા હતા જ્યાં નિદ્રાધીન અવસ્થામાં જ તેમનું અવસાન થયું હતું. તેઓ મહાત્મા ગાંધીના પૌત્ર અને પશ્ચિમ બંગાળના વર્તમાન (2007) રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીના મોટા ભાઈ હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે