ગાંગુલી, અર્ધેન્દુકુમાર
January, 2010
ગાંગુલી, અર્ધેન્દુકુમાર (જ. 1 ઑગસ્ટ 1881, બુરાબજાર; અ. 9 ફેબ્રુઆરી 1974) : બંગાળી કલાસંશોધક અને વિવેચક. તેમના પિતાનું નામ અર્કપ્રકાશ અને માતાનું નામ પ્રભાવતી હતું. તેમના પિતા હાઈકોર્ટમાં હેડક્લાર્ક હતા. તેઓ ધનિક પરિવારમાં ઊછર્યા. 1896માં તેમણે મેટ્રૉપૉલિટન સ્કૂલમાંથી એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી. પછી તેઓ 1900માં કૉલકાતા પ્રેસિડેન્સી કૉલેજમાંથી અંગ્રેજીમાં ઑનર્સ સાથે ગ્રૅજ્યુએટ થયા. તેમનાં માતા અને નાના શ્રીનાથ ઠાકુર તરફથી તેમને કલાનો વારસો મળ્યો હતો ને અવનીન્દ્રનાથ ટાગોરના કલાવર્ગોમાં જતા. ચિત્રપ્રદર્શનમાં ચિત્રો મોકલાવતા. કાયદાનો અભ્યાસ કર્યા પછી તેઓ 1943માં કૉલકાતા હાઈકોર્ટમાં સૉલિસિટર થયા.
તેઓ કૉલકાતામાં ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિયેન્ટલ આર્ટના મંત્રી અને વર્ષો સુધી ઉપપ્રમુખ રહ્યા. 1920થી 1930 ‘રૂપમ્’ નામનું ભારતીય કલાની પ્રતિષ્ઠા દાખવતું એશિયાનું ઉત્તમોત્તમ ત્રૈમાસિક ચલાવ્યું. તેના અંકો આજે દુર્લભ છે અને કીમતી ગણાય છે.
તેમણે જીવનભર કલાના સંશોધનનું કામ કર્યું. 1915માં કલાના ઇતિહાસકાર તરીકે જાણીતા થયા. મૅટ્રિક તથા યુનિવર્સિટીની પરીક્ષામાં ચિત્રને ઐચ્છિક વિષય તરીકે દાખલ કરાવ્યો. તે માટે તેમણે પાઠ્યપુસ્તક તૈયાર કર્યું. તેમણે કલાવિવેચન પર પણ ખૂબ કામ કર્યું. 1945માં ‘બૌદ્ધયુગની કલાઓ’ પર ચીન અને શ્રીલંકા યુનિવર્સિટી તરફથી વ્યાખ્યાનો આપ્યાં હતાં. ભારતીય કળાનું પુનરુત્થાન એ તેમનું મુખ્ય અને આજીવન કાર્ય હતું. પરિણામે તેઓ ભારત તેમજ વિદેશમાં ખ્યાતનામ બન્યા.
તેમણે ભારતીય કલાના અગ્રેસર તરીકે ખૂબ તાત્ત્વિક કામ કર્યું છે અને તેમણે લખેલાં પુસ્તકોમાં મુખ્ય છે : ‘કે. એન. મજુમદાર ઍન્ડ હિઝ આર્ટ’ (1926), ‘કોણાર્ક’, ‘લિટલ બુક ઑવ્ એશિયાટિક આર્ટ્સ’, ‘ઇન્ડિયન આર્કિટેક્ચર’, ‘સાઉથ ઇન્ડિયન બ્રૉન્ઝિસ’, ‘આર્ટ ઑવ્ જાવા’, ‘લવ પોએમ ઇન હિન્દી’ તથા ‘માસ્ટરપિસિઝ ઑવ્ રાજપૂત પેન્ટિંગ્ઝ’ (1926), ‘રાગઝ ઍન્ડ રાગિણીઝ’ (1935), ‘આર્ટ ઑવ્ ઇન્ડિયન ટેરાકોટાઝ’ (1955), ‘યુરપ આધુનિક ચિત્રકલાર પ્રગતિ’ (1956) ઉપરાંત તેમણે બંગાળીમાં ‘ભારતેર શિલ્પ ઓ અમર કથા’ નામક તેમની આત્મકથા આપી છે. ‘રાગિણી’ નામના બે ચિત્રસંપુટો પણ પ્રગટ થયા છે.
તેમનું જીવન તદ્દન સાદગીભર્યું અને શાકાહારી હતું. તેમણે મધ્યકાલીન અને અદ્યતન ભારતીય પેઇન્ટિંગ પથ્થર અને ધાતુનાં શિલ્પો અને ટેરાકોટા તથા સચિત્ર હસ્તપ્રતોનું ખાનગી સંગ્રહાલય ઊભું કર્યું હતું. આમ તેમનું સાહિત્ય, કલા અને સંગીત ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન રહ્યું હતું. 1946માં તેમણે હિંદીમાં પ્રણયકાવ્યો અને 18મી સદીનું ઊડિયા ઊર્મિકાવ્ય ‘દાસ પોઈ’ પ્રગટ કર્યાં હતાં. તેઓ કંઠ્ય અને વાદ્ય સંગીતમાં રુચિ ધરાવતા હતા તેમજ નાટ્યપ્રયોગોમાં ભાગ લેતા હતા. 1945માં ચીનના પ્રવાસ વખતે તેમણે 64 વર્ષની વયે ટાગોરનું ગીત રજૂ કર્યું હતું.
1943–44માં કેટલાક મહિના માટે તેમણે કૉલકાતા યુનિ. ઇન્ડિયન આર્ટનું બાગેશ્વરી અધ્યક્ષપદ શોભાવ્યું હતું. તેઓ એશિયાટિક સોસાયટી, કૉલકાતા અને લલિતકલા અકાદમી, નવી દિલ્હીના ફેલો હતા. આનંદ કુમારસ્વામી તેમના ગુરુ અને પ્રેરણામૂર્તિ હતા. ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિએન્ટલ આર્ટના મંત્રી તરીકે તેમણે ભારતના જુદા જુદા ભાગમાં તેમજ જાવા, બ્રહ્મદેશ અને શ્રીલંકા, યુરોપ અને અમેરિકન દેશોમાં સમકાલીન કલાકારોની કૃતિઓનાં પ્રદર્શનો યોજ્યાં. ઘણી ભારતીય યુનિવર્સિટીઓ અને વિદ્યાકીય સંસ્થાઓમાં આવી કૃતિઓનાં મ્યુઝિયમો અને કલા-વીથિઓ તેમના આગ્રહને આભારી છે.
નટુભાઈ પરીખ
બળદેવભાઈ કનીજિયા