ગવર્નર-જનરલ ઇન કાઉન્સિલ
January, 2010
ગવર્નર-જનરલ ઇન કાઉન્સિલ (1773) : ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટમાં કેન્દ્રીકરણ સ્થાપવા માટે અમલમાં આવેલી વ્યવસ્થા. ઈ. સ. 1599માં લંડનના કેટલાક વ્યાપારીઓએ પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવા એક કંપની સ્થાપવા નિર્ણય કર્યો અને ઈ. સ. 1600ના ડિસેમ્બરની 31 તારીખે ઇંગ્લૅન્ડની રાણી ઇલિઝાબેથે તેમને પૂર્વના દેશો અને હિંદુસ્તાન સાથે વ્યાપાર કરવાનો પરવાનો આપતો ચાર્ટર આપ્યો. ત્યારપછી ધીમે ધીમે કંપનીએ પોતાની રાજસત્તા હિંદુસ્તાનમાં સ્થાપી. કંપનીના વહીવટમાં અરાજકતા વગેરે ખામીઓ દૂર કરવા અને સંગીન વ્યવસ્થાતંત્ર સ્થાપવા તેમજ તેના વહીવટનું યોગ્ય નિયંત્રણ કરવા પાર્લમેન્ટે ઈ. સ. 1773માં નિયામક ધારો પસાર કર્યો. આ નિયામક ધારાથી ઇંગ્લૅન્ડ અને હિંદુસ્તાનમાં કંપનીના વહીવટમાં ફેરફારો થયા. આથી એમ કહેવાય છે કે નિયામક ધારો એ પાર્લમેન્ટના કાયદાઓ દ્વારા બ્રિટિશ હિંદમાં કંપનીના વહીવટમાં બંધારણીય વિકાસનો પ્રારંભ સૂચવે છે. નિયામક ધારાથી કંપની-શાસિત હિંદુસ્તાનના વહીવટમાં કેટલાક અગત્યના ફેરફારો થયા. તે પ્રમાણે ઈ. સ. 1773 પહેલાં કંપનીના મુલકને ત્રણ પ્રાંતોમાં વહેંચી નાખવામાં આવ્યો : મુંબઈ, ચેન્નાઈ અને બંગાળ. આ પ્રાંતોમાં વ્યવસ્થા કરવા માટે ગવર્નર હતો અને તેને મદદ કરવા માટે 12થી 16 સભ્યોની એક કાઉન્સિલ પણ હતી; પરંતુ મહત્વની બાબત એ હતી કે આ ત્રણેય પ્રાંતો એકબીજાથી તદ્દન સ્વતંત્ર હતા અને પોતપોતાના વહીવટ માટે વ્યક્તિગત રીતે ઇંગ્લૅન્ડના ડિરેક્ટરોને જવાબદાર હતા, પરંતુ નિયામક ધારાથી ઉપર્યુક્ત દર્શાવેલી વ્યવસ્થામાં એક ખૂબ જ અગત્યનો ફેરફાર થયો. તે પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર-જનરલ બનાવવામાં આવ્યો અને તેને મદદ કરવા માટે ચાર સભ્યોની એક કાઉન્સિલ આપવામાં આવી. ગવર્નર-જનરલ અને તેની કાઉન્સિલના સભ્યોની મુદત પાંચ વર્ષની ઠરાવવામાં આવી અને તે સમય દરમિયાન તેમને બરતરફ કરવા માટે ડિરેક્ટરોની સભા જો બ્રિટિશ રાજાને વિનંતી કરે તો જ રાજા તેમને બરતરફ કરે તેમ નક્કી કરવામાં આવ્યું. પહેલા ગવર્નર-જનરલ અને તેની કાઉન્સિલના સભ્યોનાં નામ કાયદામાં જ આપવામાં આવ્યાં, જે પ્રમાણે ગવર્નર-જનરલ તરીકે વૉરન હેસ્ટિંગ્ઝ તથા કાઉન્સિલના સભ્યો તરીકે ક્લેવરિંગ, મૉન્સન, બેચ્વેલ અને ફિલિપ ફ્રાન્સિસની નિમણૂક કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ જેમ જેમ જગ્યા ખાલી પડે તેમ તેમ નિમણૂક કરવાની સત્તા ડિરેક્ટરોને આપવામાં આવી.
ગવર્નર-જનરલ ઇન કાઉન્સિલને મુંબઈ અને ચેન્નાઈની સરકારો પર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા આપવામાં આવી. મુંબઈ અને ચેન્નાઈની સરકારોએ યુદ્ધ, શાંતિ અને સંધિની વાટાઘાટોમાં ગવર્નર-જનરલ ઇન કાઉન્સિલના હુકમોને તાબે થવાનું હતું. આમ પ્રાંતીય સરકારોને ગવર્નર-જનરલના સીધા અંકુશ નીચે રાખવામાં આવી. ગવર્નર-જનરલ ઇન કાઉન્સિલને વહીવટ તથા વ્યવસ્થાને લગતા કાયદાઓ અને હુકમો બહાર પાડવાની સત્તા આપવામાં આવી. જોકે આવા હુકમો વરિષ્ઠ અદાલતની મંજૂરીને આધીન હતા. ગવર્નર-જનરલે પોતાની કાઉન્સિલની મદદથી જ બધો વહીવટ ચલાવવાનો હતો અને બધી સત્તા ગવર્નર-જનરલ અને કાઉન્સિલમાં સંયુક્ત રીતે મૂકવામાં આવી હતી. બધા નિર્ણયો કાઉન્સિલની બહુમતીથી કરવાના હતા અને જ્યારે સરખા મતો પડે ત્યારે ગવર્નર-જનરલે નિર્ણાયક મત (casting vote) વાપરવાનો હતો. એટલે કે ગવર્નર-જનરલને કાઉન્સિલની ઉપરવટ જવાની સત્તા હતી નહિ. પ્રાંતીય સરકારોને યુદ્ધ, શાંતિ, સંધિ વગેરે સંજોગોમાં ગવર્નર-જનરલ ઇન કાઉન્સિલના હુકમોને આધીન રહેવાનું હતું; પરંતુ અસાધારણ સંજોગોમાં કે કટોકટીના સમયે પ્રાંતોના ગવર્નરોને ગવર્નર-જનરલની જાણ બહાર ઇંગ્લૅન્ડના ડિરેક્ટરોનો સંપર્ક સાધવાની છૂટ હતી, એ બાબત નોંધપાત્ર છે. બાકી સામાન્ય પરિસ્થિતિ-સંજોગોમાં પ્રાંતોના ગવર્નરો અને તેની કાઉન્સિલોએ સલાહસૂચના અને માર્ગદર્શન મુજબ વર્તવાનુ હતું. કંપનીને લગતી બધી જ બાબતોથી તેને માહિતગાર કરવાનો હતો. ગવર્નર કાઉન્સિલમાં જે નિયમો – હુકમો ઘડે તે ગવર્નર-જનરલને મોકલવાના હતા. આ બાબતોમાં જો કોઈ પણ ગવર્નર ભૂલ કરે અથવા તો વિરોધી વલણ અખત્યાર કરે તો તેને બરતરફ કરવાની સત્તા ગવર્નર-જનરલ ઇન કાઉન્સિલને હતી. આમ, ગવર્નર-જનરલ ઇન કાઉન્સિલથી હિંદમાં વહીવટી કેન્દ્રીકરણની શરૂઆત થઈ અને વહીવટી એકતાનાં બીજ રોપાયાં.
ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા