ગળજીભી : આયુર્વેદિક વનસ્પતિ. સં. खरपर्णी, गोजिहवा; હિં. गोजिया, तितली; મ. गोजीम, पाथरी; ગુ. ગળજીભી, ભોંપાથરી; ફા. કલમરૂમી; ક. યલુન લગે; લૅ. Elephantopas scaber Linn.
આ વનસ્પતિ ગુજરાત અને ભારતમાં સર્વત્ર ખડકાળ, પડતર, ભીની અને છાંયાવાળી જમીનમાં ભોંયસરસા થતા છોડ જેવી હોય છે. તેનાં પાન ગાયની જીભ જેવા આકારનાં, મૂળમાંથી ચારે તરફ ફેલાતા જરા નરમ, બરછટ, લીલા રંગનાં અને 10 સેમી.થી 17.5 સેમી. લાંબા અને 3.75થી 5.0 સેમી. પહોળાં થાય છે. જૂના છોડ ઉપર વેંતભર ઊંચાઈનો તોરો આવે છે તેમજ તેની ઉપર ઘંટા આકૃતિનાં જરા પીળા રંગનાં 2થી 5 જેટલાં પુષ્પો થાય છે. ગુજરાતમાં તે ગળજીભી કે ભોંપાથરી નામે ઓળખાય છે. ગામડાના લોકો ભેંસનું દૂધ વધારવા, તેને ખાસ ખવડાવે છે. ગરીબ લોકો તેનાં પાનની ભાજી બનાવી ખાય છે.
ગળજીભી સ્વાદે મધુર, તીખી, કડવી; ગુણમાં શીતળ, હળવી, સ્નિગ્ધ, વાયુ તથા પિત્તશામક, મધુર વિપાકી, જઠરાગ્નિવર્ધક, મૃદુરેચક, વાયુની ગતિ સવળી કરનાર, જંતુનાશક, દાહ શાંતકર્તા, વ્રણ-જખમ શુદ્ધકર્તા અને રૂઝવનાર, મગજને શક્તિ દેનાર, હૃદયને બળ દેનાર, લોહી શુદ્ધ કરનાર, બળવર્ધક અને પેશાબ જન્માવી સાફ લાવનાર છે. તે તાવ, કોઢ, મંદાગ્નિ, અજીર્ણ, ઉદાવર્ત, કમળો, સોજા, વ્રણપાક, મુખપાક, ગાંડપણ, વાઈ, હિસ્ટીરિયા, માનસ રોગી, હૃદયની નબળાઈ, લોહીવિકાર, આમવાત, સંધિવા, રક્તસ્રાવ, કમરની પીડા, શરદી, ખાંસી, શ્વાસ, છાતીનો દાહ, પડખાનું શૂળ, પેશાબની અલ્પતા, પ્રમેહ, પરમિયો, તરસ તથા હરસ જેવા અનેક રોગો મટાડે છે. દવા તરીકે તેનાં પાન અને પુષ્પ વપરાય છે.
(1) પેશાબની અટકાયત તથા અલ્પતા : ગળજીભીના પંચાંગનો ઉકાળો કરી, ગાળીને તેમાં જીરાની ભૂકી અર્ધી ચમચી તથા છાશ 1 કપ મેળવી દિનમાં 2 વાર પીવાથી લાભ થાય છે. (2) દંતશૂળ : સડવાથી દુ:ખતી દાઢ ઉપર ગળજીભીનાં પાન, મરી તથા નમક મેળવી વાટીને, દાઢ પર મૂકવા કે ઘસવાથી પીડા શમે છે. (3) ત્વચા તથા લોહીવિકારમાં – ગળજીભીના 4-5 પાનનો રસ કાઢી, તેમાં સાકર ઉમેરી સવાર-સાંજ રોજ પીવો. પરેજીમાં મીઠું (નમક) તથા ખાટું, તીખું ન ખાવું. (4) પેશાબ તથા આંખની ગરમીમાં – ગળજીભીનાં પાનના અર્ધા કપ રસમાં સાકર કે શેરડીનો રસ મેળવી સવાર-સાંજ લેવાથી લાભ થાય છે. (5) કૂતરાના ઝેર ઉપર – ગળજીભીનો અર્ધો કપ રસ કાઢી તેમાં 1 ચમચી ઘી ઉમેરીને દર્દીને 7 દિન દિવસમાં 3 વાર પિવડાવાય છે. (6) શીતજ્વર (ટાઢિયો તાવ) : ગળજીભી અને અરણીનાં મૂળનું ચૂર્ણ ગરમ પાણી કે ચોખાના ધોવરામણના પાણી સાથે સવાર-સાંજ અપાય છે.
બળદેવપ્રસાદ પનારા