ગર્ભગૃહ : મંદિરના જે ભાગમાં આરાધ્ય (સેવ્ય) પ્રતિમા, પ્રતીક કે ધર્મગ્રંથની સ્થાપના કરવામાં આવે છે તે ‘ગર્ભગૃહ’ કહેવાય છે. મુખ્ય પ્રતિમાની સંખ્યા એક કરતાં વિશેષ હોય તો એકથી વધુ ગર્ભગૃહ રચવામા આવે છે. ગર્ભગૃહ ગભારો કે મૂલસ્થાન તરીકે પણ ઓળખાય છે. એક ગર્ભગૃહવાળા મંદિરને એકાયતન, બે ગર્ભગૃહવાળા મંદિરને દ્વયાતન કે દ્વિપુરુષપ્રાસાદ, ત્રણ ગર્ભગૃહવાળા મંદિરને ત્ર્યાયતન કે ત્રિપુરુષપ્રાસાદ કહેવામાં આવે છે. પંચાયતન પ્રકારના મંદિરને પાંચ ગર્ભગૃહ હોય છે. મધ્યમાં મુખ્ય મંદિર અને ચારે ખૂણામાં ચાર ગૌણ મંદિરો હોય છે. કેટલાંક મંદિરોમાં ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ હોય છે. પ્રદક્ષિણાસહિતનું મંદિર સાંધાર પ્રાસાદ અને પ્રદક્ષિણાપથ વિનાનું મંદિર નિરંધાર પ્રાસાદ કહેવાય છે. મુખ્ય ગર્ભગૃહની ઉપર મુખ્ય શિખર હોય છે. ગર્ભગૃહનું દ્વાર ઉદુમ્બર (ઉંબરો) દ્વારશાખાઓ અને ઉત્તરાંગનું બનેલું હોય છે. દક્ષિણ ભારતના વૈષ્ણવ મંદિરોમાં ઉદુમ્બર(ઉંબરો)ને કુલ શિખરપ્યડિ (કુલ શિખર પગથિયું) કહે છે.
થોમસ પરમાર