ગરબી-ગરબો : ઊર્મિકાવ્યના પેટાપ્રકારમાં સમાવિષ્ટ અને મધ્યકાળમાં પ્રચલિત બનેલું ગુજરાતી ગેય કાવ્યસ્વરૂપ. તેમાં કાવ્ય ઉપરાંત નૃત્ત અને સંગીત પણ ભળેલાં છે.
પંદરમા શતક પહેલાંના જૈન રાસાસાહિત્યમાં દોહરા, ચોપાઈ, ઝૂલણા વગેરે માત્રામેળ છંદોના બંધ વપરાયેલા છે. આ રચનાઓ ગાવાની હોવાથી તેમાં ગેયતાસાધક પ્રયોગવૈવિધ્ય હતું. તેમાંથી દેશીઓ બની અને ટૂંકી દેશીઓમાંથી પદ બન્યાં. પદોમાંથી ગરબી અને ગરબા આવ્યાં. આમ ગરબી-ગરબાનું મૂળ દેશીઓમાં છે.
માત્રામેળ છંદો ગરબી-ગરબાને અનુકૂળ છે. નરસિંહ, ભીમ, જનાર્દન, ભાલણ, કેશવદાસ વગેરેનાં પદો મિશ્ર બંધોમાં છે. તે જુદા જુદા રાગમાં ગાઈ શકાય છે.
‘ગરબો’ શબ્દ સમૂહમાં વર્તુળાકારે ફરતાં દેવીની સ્તુતિમાં ગીતો ગાતી વખતે દીપ પ્રગટાવેલા માટીના ઘડા માટે વપરાતો. તે જ રીતે ‘ગરબી’ એટલે દીવા પ્રગટાવેલી લાકડની ઘોડી. તેને માંડવી પણ કહે છે. આમ, ‘ગરબો’ અને ‘ગરબી’ બંને શબ્દો મૂળમાં વસ્તુસૂચક નામ હતાં અને પછીથી અર્થમાં રૂપાંતર થતાં તે ગીતના પ્રકારનાં સૂચક નામો બન્યાં.
ગરબો શબ્દ गर्भदीप ઉપરથી વ્યુત્પન્ન થયો હોવાનું નરસિંહરાવ દિવેટિયાનું મંતવ્ય હતું. અન્ય મત એવો છે કે આ શબ્દનો સંબંધ કોઈ પણ પ્રકારના સમૂહનૃત સાથે છે. શ્રીકૃષ્ણના ગોપીજનો સાથે ખેલાયેલા रास શબ્દનું મૂળ ચોથી સદીના વિષ્ણુપુરાણમાં જોવા મળે છે. દ્રવિડ પ્રદેશમાં પણ રાસલીલાનું નિરૂપણ છે. સં. हल्लीषक શબ્દનું ર્દશ્ય રૂપ हळ्ळीसअ છે. એક બીજો શબ્દ कूरवई कूट्ट દ્રવિડ ભાષામાં છે. भयवन શ્રીકૃષ્ણ અને नप्पिनई રાધાને લગતા સમૂહનૃત્તનો આ રૂઢ શબ્દ છે. સંસ્કૃત ગૌરી શબ્દનું દ્રવિડી રૂપ कावेरी છે. એની ઊલટી પ્રક્રિયાથી कूरवईનું गरवई થઈ ગુજરાતીમાં ‘ગરબી’ શબ્દ મળે છે. કર્ણાટકની રાજકન્યા મીનળદેવી ગુજરાતમાં આવી ત્યારે આ પ્રકારનું સમૂહનૃત્ત લાવી અને તે લોકાદાર પામ્યું હોવાનો સંભવ છે. ગરબામાં શૃંગાર, વીર, કરુણ, શાન્ત અને અદભુત રસમાંથી કોઈનું પણ નિરૂપણ થતું હોય છે. ગરબીમાં ભક્તિભાવના, ધર્મને લગતાં નિરૂપણો ઓછાં હોય પણ મુખ્યત્વે કુટુંબજીવન અને સમાજજીવનનાં વિવિધ પાસાંઓનું આલેખન એમાં થાય. રસની ર્દષ્ટિએ એમાં શૃંગાર અને કરુણની ઊર્મિઓ હોય, કોમળ મધુર ભાવો વિશેષ હોય.
સત્તરમા શતકના ભાણદાસે ‘ગરબી’ શબ્દથી પોતાનાં ઘણાં કાવ્યોને ઓળખાવ્યાં છે. તેણે એ શબ્દનો પ્રથમ પ્રયોગ કરેલો એટલે તે સમયની આસપાસથી ‘ગરબી-ગરબો’ શબ્દની વપરાશ થઈ હશે. તેણે કુંભના રૂપક તરીકે ગરબી શબ્દ પ્રયોજ્યો છે.
‘ગગનમંડળની ગાગરડી ગુણ ગરબી રે,
એણે રમે ભવાની રાસ, ગાઉં ગુણ ગરબી રે.’
ભાણદાસ પછી માતાજીનો મહિમા ગાતા ગરબા વલ્લભ મેવાડાએ અને રણછોડજી દીવાને પણ લખ્યા છે. વલ્લભના માતાજીની સ્તુતિના ગરબા વિસ્તારવાળા અને વર્ણનાત્મક છે. ‘આનંદનો ગરબો’માં શક્તિની ભક્તિ અને બહુચરાજીનું સંકીર્તન છે. ‘મહાકાળીનો ગરબો’માં પાવાગઢની મહાકાળીના કોપનું કથાગીત છે. ‘આરાસુરનો ગરબો’માં ભવાનીની સ્તુતિ છે અને ‘અંબાજીના શણગારનો ગરબો’માં વર્ણન છે. આ રીતે ત્રણેય શક્તિપીઠોનો ઉલ્લેખ છે. ‘કળિકાળનો ગરબો’, ‘કજોડાંનો ગરબો’ વગેરે સમાજસ્થિતિ વર્ણવે છે.
વલ્લભ ધોળા વગેરેના નવરાત્રિમાં ગવાતા ગરબા અને જૂનાગઢના રણછોડજી દીવાનના ચંડીપાઠના ગરબા સુપ્રસિદ્ધ છે.
‘ગરબી’ સ્વરૂપ સાથે દયારામનું નામ જોડાઈ ગયું છે. તેની ગરબીઓ લોકપ્રિયતાની સાથે સાથે સાહિત્યિક પ્રતિષ્ઠા પણ પામી છે. વિષયની ર્દષ્ટિએ ગરબીમાં કૃષ્ણલીલા, રાધાકૃષ્ણ વગેરેનાં ભાવકથન હોય છે, જ્યારે ગરબામાં માતાજી, શક્તિની પ્રાર્થના, મહિમાગાન ઇત્યાદિ હોય છે. નરસિંહ, મીરાં, ભાલણ વગેરેનાં પદોનો વિષય ગરબીનો છે. રણછોડજી દીવાન અને વલ્લભના ગરબા શક્તિપૂજાના છે. કનૈયાલાલ મુનશીએ ભાલણનાં પદોને ગરબી જ કહ્યાં છે. આમ ગરબીનો સંબંધ વૈષ્ણવ પંથ સાથે અને ગરબાનો સંબંધ શક્તિપૂજા સાથે જોવા મળે છે.
પ્રારંભમાં ગરબી-ગરબા દેવીભક્તિ સાથે સંકળાયેલાં હતાં, પછીથી વૈષ્ણવ કવિઓએ આ સ્વરૂપમાં રાધાકૃષ્ણના મનોભાવો આલેખવા માંડ્યા. દયારામે સંખ્યાબંધ ગરબીઓ લખી છે. તેની પહેલાં પણ એવી જ રચનાઓ પ્રીતમ, રાજે, રણછોડ, ગિરધર વગેરેની છે. દયારામની કેટલીક ગરબીઓ કૃષ્ણકીર્તનાત્મક છે અને કેટલીક નાટ્યાત્મક ઊર્મિકાવ્યો જેવી છે. એ ગરબીઓ બેસીને ગાવાનાં પદો છે. તેમાં આવતો ભક્તિશૃંગાર ભાગવત અને ગીતગોવિંદની ઉચ્ચ પ્રણાલીનો છે.
ગરબી અને ગરબો બેઉ ગેય રચનાઓ છે. નાની આત્મલક્ષી રચનાઓ ‘ગરબી’ છે અને મોટી વર્ણનાત્મક પરલક્ષી રચનાઓ ‘ગરબા’ છે. ‘શ્યામ રંગ સમીપે ન જાવું’, ‘શોભા સલૂણા શ્યામની’ વગેરે પાત્રોક્તિઓ આત્મલક્ષી પ્રકાર બતાવે છે અને તેમાં પાંચ સાત કડીથી વધારે નથી હોતી, જ્યારે ‘ગરબે ઘૂમવાને ગોરી નીસર્યાં રે લોલ’ જેવી દસથી વધુ કડીઓ ધરાવતી રચનાઓ વર્ણનાત્મક અને પરલક્ષી હોઈ ‘ગરબા’ છે. ઊર્મિકવિતાના પેટા પ્રકાર તરીકે દીર્ઘ, કથનાત્મક, વર્ણનાત્મક ‘ગરબા’ કરતાં ટૂંકી, એકભાવકેન્દ્રી અને કલાત્મક અભિવ્યક્તિવાળી ‘ગરબી’ ઉત્કૃષ્ટ છે એમ કહી શકાય.
ગરબી ટૂંકી, લાલિત્યપૂર્ણ અને નાજુક રચના છે. તેમાં ઊર્મિગીતનાં લક્ષણો છે. ગરબો લાંબો અને વર્ણનાત્મક અંશો ધરાવતો હોવાથી કથાગીતના પ્રકારમાં આવી શકે. આ ભેદ સ્વરૂપલક્ષી છે.
ગરબી-ગરબા સમૂહમાં ચક્રાકારે પગના ઠેકા સાથે અને તાલીઓ સાથે ગવાય છે. સર્વથા એ હીંચના તાલમાં જ હોય છે. હમચી ગરબાનો જ પ્રકાર છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નવરાત્રિમાં ગરબી પુરુષો ગાતા હોય છે. સ્ત્રીઓ ગરબા ગાતી હોય છે.
મધ્યકાળમાં જે ઢાળો અને રાગ પ્રચલિત હતા તેમાં જ તે ગવાય છે. નવા ઢાળ કે રાગને વર્જ્ય ગણવામાં આવ્યા છે. અર્વાચીન યુગમાં ન્હાનાલાલ પાસેથી સ્ત્રી-પુરુષપ્રેમ-વિષયક, બોટાદકર પાસેથી કુટુંબજીવનના ભાવોને વ્યક્ત કરતી અને ઝવેરચંદ મેઘાણી, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, બાલમુકુન્દ દવે વગેરે પાસેથી સમાજજીવનના વિભિન્ન ભાવોને નિરૂપતી ગરબીઓ જેવી રચના મળી છે. વળી અર્વાચીન સમયમાં તેના વિષયની સાથે સાથે તેની ચક્રાકાર ગતિમાં પણ કેટલુંક પરિવર્તન આવ્યું છે. ચાલની ગતિ આરંભે મંદ, પછી ત્વરિત અને અંતે દ્રુત બની જતી હોય છે.
કે. કા. શાસ્ત્રી
પ્રસાદ બ્રહ્મભટ્ટ