ગન્સ ઑવ્ નેવેરોન, ધ : નિર્માણવર્ષ : 1961. રનિંગ ટાઇમ : 157 મિનિટ. નિર્માતા : કાર્લ ફોરમૅન. દિગ્દર્શક : જે. બી. થૉમ્પ્સન. પટકથા : કાર્લ ફોરમૅન. ઍલિસ્ટર મેક્લીનની નવલકથા ઉપર આધારિત. છબીકલા : ઓસ્વાલ્ડ મૉરિસ. સંગીત : દમિત્રિ ટીઓમ્કિન. મુખ્ય કલાકારો : ગ્રેગરી પેક, ડેવિડ નિવેન, સ્ટેન્લી બેકર, ઍન્થની ક્વીન, ઍન્થની ક્વાઇલ, રિચાર્ડ હેરિસ.
આ ભવ્ય અને ખર્ચાળ ફિલ્મનું વિતરણ થતાં જ તે બૉક્સ ઑફિસ ઉપર સુપરહિટ પુરવાર થઈ હતી. ફિલ્મની કથાનો સમય બીજા વિશ્વયુદ્ધનો છે. બ્રિટિશ ફોજના નૌકાકાફલાનો નાશ કરતી બે જંગી જર્મન તોપોનો વિનાશ કરવા એક ખાસ ટુકડીને ગ્રીસ મોકલવામાં આવે છે. જાનના જોખમે આ લશ્કરના જવાંમર્દ અધિકારી ત્યાં પ્રવેશીને તોપોનો નાશ કરે છે. ફિલ્મમાં કથાની ગતિ તેજ છે. પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખે છે. આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ પટકથા, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ સંગીત માટે ઑસ્કાર ઍવૉર્ડનાં નૉમિનેશનો પ્રાપ્ત થયાં હતાં.
પીયૂષ વ્યાસ