ગધેડું : માનવને ભારવાહક તરીકે અત્યંત ઉપયોગી એવું સસ્તન પ્રાણી. ઘોડો અને ગધેડું બંને Perriso-dectyla શ્રેણી અને Equas પ્રજાતિનાં પ્રાણીઓ છે. ગધેડાનું શાસ્ત્રીય નામ : Equas asinus. તેના પૂર્વજો આફ્રિકાના જંગલમાં વાસ કરતા હતા.

તેના કાન લાંબા હોય છે. તેની પીઠની બંને બાજુએ લાંબા વાળ, ડોક પર ઊંચી કેશવાળી અને પૂંછડીને છેડે વાળનું ઝૂમખું હોય છે. તેની પીઠ પર ઘેરા રંગની પટ્ટી હોય છે. કેટલાંક ગધેડાંને પગ પર પણ આવી ઘેરી પટ્ટી જોવા મળે છે. તેના હોંચી…હોંચી કર્કશ અવાજથી સર્વે પરિચિત છે. કદાચ આ એક જ પ્રાણી એવું છે જે શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા વખતે પણ અવાજ કાઢે છે. તેના પગ ઘણા મજબૂત હોય છે અને તે પીઠ પર ઘણો બોજો ઉપાડી ધીમે ધીમે ચાલે છે. આમ છતાં તેના પગ જમીન પર સરકી જતા નથી. ઘણો માર ખાવા છતાં તે પોતાની હઠીલાઈ કે સુસ્તી છોડતું નથી. ગધેડું સમજદાર અને આજ્ઞાંકિત પ્રાણી છે અને માલિકના મૃદુ વ્યવહાર પ્રત્યે લાગણીશીલ પ્રતિભાવ દર્શાવે છે. 20થી 25 વર્ષનું આયુષ્ય ધરાવે છે.

એશિયામાં જોવા મળતાં જંગલી ગધેડાં Equas hemionusની પાંચ ઉપજાતિ છે. સીરિયાના રણમાં મળતાં ગધેડાં સીરિયન, તુર્કસ્તાનમાં ઓનેગર અને તિબેટના પહાડી વિસ્તારમાં મળતાં ગધેડાં કિયાંગ તરીકે જાણીતાં છે.

ગધેડું

ભારતમાં અને ખાસ કરીને કચ્છના રણમાં મળતું જંગલી ગધેડું ખર, ઘુડખર કે ખચ્ચર તરીકે જાણીતું છે. ખર દેખાવે ટટ્ટુ જેવું હોય છે. 1.25 મી. ઊંચાઈ અને 180–210 કિગ્રા. વજનવાળા ખરની ગ્રીવા અને શરીર પર બદામી રંગના વાળ હોય છે. પીઠ પર આવેલી પટ્ટી પૂંછડી સુધી લંબાયેલી હોય છે. ડૉ. સલીમ અલીએ 1946માં કરેલ નોંધ મુજબ ખરની સંખ્યા 3000થી 4000 જેટલી હતી. આજે આ સંખ્યા ઘટીને 2000 કરતાં પણ ઓછી થઈ છે, જેથી 1973માં કચ્છના રણને જંગલી ગધેડાનું અભયારણ્ય (sanctuary) જાહેર કરવામાં આવ્યું છે. નર્મદા યોજનાના ભાગરૂપ નહેરથી જંગલી ગધેડાને મુશ્કેલી અનુભવવી પડે નહિ તેની તકેદારી લેવા સૂચવાયું છે.

ખર રણપ્રદેશમાં ઊગતા ઘાસ પર જીવે છે. જોકે તે રણની આસપાસના ખેતીલાયક વિસ્તારમાં ઊગતા બાજરા, ઘઉં કે જુવાર જેવા પાક ખાવા લલચાય છે. તેથી ખેડૂતોમાં ખર અપ્રિય છે. પ્રતિકૂલ પર્યાવરણ અને ખેડૂતોના અણગમાના કારણે રણનાં જંગલી ગધેડાંની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે.

જંગલી ગધેડાં (ઘુડખર)

જંગલી તેમજ પાલતુ ગધેડાં બરછટ ખોરાક પર નભી શકતાં હોય છે અને પ્રતિકૂલ સંજોગોનો સામનો સહેલાઈથી કરી શકે છે. ખચ્ચર ગધેડા અને ઘોડાની સંકરિત પ્રજા છે. તે વંધ્ય હોય છે.

દિલીપ શુક્લ