ગદ્દી, ઇલયાસ અહમદ (જ. 24 એપ્રિલ 1934, ઝારખંડ; અ. 27 જુલાઈ 1997, ઝરિયા) : બિહારના જાણીતા ઉર્દૂ નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ફાયર એરિયા’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
તેઓ એક વેપારી હતા. તેમણે નવલકથાઓ અને વાર્તાસંગ્રહો પ્રગટ કર્યા છે. તેમણે ફણીશ્વરનાથ રેણુની ચૂંટેલી વાર્તાઓનો ઉર્દૂમાં અનુવાદ કર્યો છે. તેમની આત્મકથા ‘અવધપુરી કા દાસ્તાનગો’ નામે પ્રગટ થઈ છે. ‘આંખ’ જેવી તેમની કૃતિ પરથી ટેલિફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તેમને પ. બંગાળ ઉર્દૂ અકાદમી પુરસ્કાર, બિહાર ઉર્દૂ અકાદમી પુરસ્કાર અને યુ.પી. ઉર્દૂ અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ફાયર એરિયા’ બિહારના કોલસા-ક્ષેત્રમાં વસનારાઓના રાજનૈતિક અને આંતરિક સંઘર્ષનું ચિત્રાંકન કરતી નવલકથા છે. બિહારની માટી સાથેની ભારે લગન, ત્યાંના સ્થાનિક રૂઢિપ્રયોગોનો પ્રભાવશાળી વિનિયોગ અને સામાજિક તથા માનવીય ન્યાય માટેના પ્રબળ પ્રતિપાદનને કારણે આ કૃતિ ભારતીય નવલકથાસાહિત્યમાં આગવું સ્થાન પામી છે.
બળદેવભાઈ કનીજિયા