ગતિજન્ય અસ્વસ્થતા (motion sickness) : હવા, પાણી કે જમીન પર ચાલતા વાહનમાં મુસાફરી કરતી વખતે ચક્કર આવવા જેવી થતી બેચેની (dizziness). તે એક સામાન્ય દેહધાર્મિક (physiological) સ્થિતિ છે. મુસાફરી કરતી વ્યક્તિને ક્યારેક તે પોતે અથવા તેની આસપાસની વસ્તુઓ ગોળ ગોળ ફરતી, વાંકી વળતી (tilting) કે ફંગોળાઈ જતી (swaying) લાગે છે. આ પ્રકારની ભ્રાંતિ(illusion)ને ચક્કર આવવાં (vertigo) કહે છે. ઘણી વખત તેની સાથે ઊબકા, ઊલટી, અજંપો (apprehension), શ્વાસોચ્છવાસની ગતિ વધવી (hyperventilation), વધુ પડતી લાળ ઝરવી તથા લાળ ગળેથી ઉતારવી, માથું દુખવું, બગાસાં આવવાં, પરસેવો થવો, ઓડકાર આવવા, અસમતોલન (disequilibrium) અનુભવવું તથા આંખો લોલકની પેઠે હાલ્યા કરવી (nystagmus) વગેરે થાય છે.
દેહધાર્મિક પ્રક્રિયાની ર્દષ્ટિએ, ચાલતા વાહનમાં શરીરને સીધી લીટીમાં કે વક્રાકારે મળતો અસાધારણ પ્રવેગ (acceleration) કે આંખ તથા સમતોલનના અવયવોમાંથી ઉદભવતી વિસંવાદી (mismatch) સંવેદનાઓને કારણે ગતિજન્ય અસ્વસ્થતાની સ્થિતિ ઉદભવે છે. કાનના સૌથી અંદરના ભાગમાં આવેલા સમતોલન માટેના યંત્ર(vestibular system)માં ઉદભવતી વિષમ (abnormal) સંવેદનાઓ (sensations) તેમાં મુખ્ય ભાગ ભજવે છે. તેથી અંત:કર્ણના વિકારને કારણે બહેરી થયેલી વ્યક્તિઓમાં ગતિજન્ય અસ્વસ્થતા જોવા મળતી નથી. વળી આગબોટની બંધ કૅબિનમાં કે બસની પાછલી સીટ પર બેઠેલી વ્યક્તિને તે વધુ થાય છે, જ્યારે બસમાં આગળની બાજુ બેઠેલી અને બારી બહાર જોતી વ્યક્તિ આવી વિષમ સંવેદના દબાવી શકે છે. આંખની સંવેદનાઓ તથા સમતોલનની સંવેદનાઓ વચ્ચેની વિસંવાદિતા જેટલી વધુ, તેટલી ગતિજન્ય અસ્વસ્થતા વધુ હોય છે અને પૂરતા પ્રમાણમાં આજુબાજુ નજર ફેરવવાથી તે ઘટે છે.
ગતિજન્ય અસ્વસ્થતાને થતી અટકાવવી વધુ સહેલી છે અને તેથી આવી વ્યક્તિને મુસાફરીના એક કલાક પહેલાં સ્કોપોલેમાઇન (0.4થી 0.8 મિગ્રા.) તથા મિથાયલફૅનિડેટ (5 મિગ્રા.) અથવા મૅક્લેઝિન (25 મિગ્રા.) મોં વાટે લેવાની સલાહ અપાય છે. જો ગતિજન્ય અસ્વસ્થતાનાં લક્ષણો ઉદભવ્યાં હોય તો ટ્રાઇમિથોબેન્ઝામાઇડ હાઇડ્રોક્લોરાઇડની ગોળી અથવા નિસ્થાપિકા(suppository)નો ઉપયોગ કરવાનું સૂચવાય છે. વ્યક્તિ પોતે પણ લક્ષણોને દબાવવાનો તથા વિષમ સંવેદનાઓને અટકાવવાનો પ્રયત્ન કરી શકે છે. આ માટે તેણે બસની આગળની સીટ પર બેસીને અથવા આગબોટમાં બહાર ડેક ઉપર જઈને બહારના ર્દશ્ય સાથે મેળ (co-ordination) બેસાડવો જરૂરી ગણાય છે. તેઓ આંખો બંધ કરીને ચત્તા સીધા સૂઈ જાય તોપણ વિષમ સંવેદનાઓ ઘટે છે. જોકે મોટા ભાગના મુસાફરો આવી પરિસ્થિતિમાં સરળતાપૂર્વક ગોઠવાઈ જાય છે. ચાલતા વાહનમાંથી નીચે ઊતર્યાની થોડીક જ ક્ષણોમાં અસ્વસ્થતા સંપૂર્ણપણે શમી જાય છે.
ગતિજન્ય અસ્વસ્થતા ખૂબ અગવડ ઊભી કરે છે પરંતુ તે જીવનને હાનિરૂપ હોતી નથી. વિમાનચાલક વ્યક્તિમાં જો આ પ્રકારની તકલીફ હોય તોપણ તેણે ઉપર જણાવેલી દવા લેવી સલાહભર્યું ગણાતું નથી, કેમ કે તેનાથી તેની સાવધતા (alertness) તથા પરિસ્થિતિ સાથેનો મેળ ઘટે છે.
અવકાશી મુસાફરી (space travel) સમયે વજનવિહીનતાની સ્થિતિમાં અંત:કર્ણનો કર્ણાશ્મરી (otolith) ભાગ બિનકાર્યશીલ બને છે અને તેથી રૈખિક પ્રવેગો અને સામાન્ય દાબની સંવેદનાઓ ઘટે છે. તેને કારણે ગતિજન્ય સંવેદનાઓ અચૂક થાય છે; પરંતુ 3થી 6 દિવસમાં અવકાશયાત્રી પરિસ્થિતિ સાથે ગોઠવાઈ જાય છે, પરંતુ જ્યારે તે ફરીથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પ્રવેશે છે ત્યારે ગતિજન્ય અસ્વસ્થતા થઈ આવે છે.
સુધીર શાહ
શિલીન નં. શુક્લ