ગણેશોત્સવ : હિંદુઓના ઉપાસ્યદેવતા ગણપતિને કેન્દ્રમાં રાખીને ભારતભરમાં ઊજવાતો સાર્વજનિક ઉત્સવ. ગણપતિ બુદ્ધિદાતા, વિઘ્નહર્તા દેવ છે એવી શ્રદ્ધા લોકોમાં રૂઢ થયેલી છે. ગણેશોત્સવની શરૂઆત મહારાષ્ટ્રમાં પેશવાના શાસનકાળ દરમિયાન થઈ હતી. ત્યાં તે સાત દિવસ સુધી ઊજવાતો અને તેમાં ગણેશની મૂર્તિની પૂજાઅર્ચના અને આરતી ઉપરાંત કીર્તન, સ્તોત્રપાઠ અને ધર્મગ્રંથોના પારાયણ જેવા માત્ર ધાર્મિક સ્વરૂપના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું.
લોકમાન્ય ટિળક અને અન્ય સમકાલીન અગ્રણીઓની પ્રેરણા અને પહેલથી 1893માં પુણેમાં ગણેશોત્સવને સામાજિક અને સાંસ્કૃતિક સ્વરૂપ આપવામાં આવ્યું. આ ઉત્સવને સામાજિક એકતા તથા રાજકીય જાગૃતિનું પ્રખર સાધન બનાવવામાં આવ્યો. સમય જતાં જ્યાં જ્યાં મરાઠીભાષી પ્રજા નોંધપાત્ર પ્રમાણમાં વસતી હતી તે બધાં જ નગરો અને વિસ્તારોમાં સાર્વજનિક ગણેશોત્સવો શરૂ થયા, જેમાં ગુજરાતનાં નગરોનો પણ સમાવેશ થાય છે. ગણેશચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશી સુધીના દસ દિવસ સુધી યોજાતા સાર્વજનિક ગણેશોત્સવમાં શરૂઆતમાં ધાર્મિક ઔપચારિકતા અને કાર્યક્રમો ઉપરાંત બૌદ્ધિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને પ્રમુખ સ્થાન આપવામાં આવતું અને તેને પરિણામે ભારતીય પ્રજાને સમાન મંચ પર સંગઠિત કરી રાષ્ટ્રીય અસ્મિતા જાગ્રત કરવા ઉપરાંત દેશની આઝાદીની લડતને પ્રોત્સાહન આપવાનું મહત્વનું કાર્ય સાર્વજનિક ગણેશોત્સવોએ હાંસલ કર્યું.
પરંતુ છેલ્લા લગભગ બે દાયકા દરમિયાન આ ઉત્સવોનું બૌદ્ધિક અને સાંસ્કૃતિક સ્વરૂપ મંદ પડ્યું છે અને વધુ પડતા મનોરંજન તરફ ઢળતું રહ્યું છે.
ગુજરાતમાં ગણેશોત્સવની શરૂઆત ઉત્તર ગુજરાતના પાટણ નગરમાં વર્ષ 1878માં થઈ હતી. આથી સાબિત થાય છે કે લોકમાન્ય ટિળકની હાંકલ પર 1893માં પુણે નગરમાં ગણેશોત્સવની શરૂઆત થઈ તે પહેલાથી જ પાટણ ખાતે દર વર્ષે શ્રી ગજાનન મંડળીના નેજા હેઠળ ગણેશોત્સવની ઉજવણીની શરૂઆત થઈ હતી અને વર્ષ 2009માં પાટણ નગરમાં આ ઉજવણીના 131 વર્ષ પૂરાં કર્યાં હતાં. ત્યારબાદ જે જે સ્થળે મરાઠીભાષી લોકોની વસ્તી નોંધપાત્ર હતી ત્યાં ત્યાં દર વર્ષે સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન થવા લાગ્યું. તેમાં વડોદરા, અમદાવાદ, સૂરત, રાજકોટ જેવાં શહેરો અગ્રેસર હતાં. શરૂઆતમાં સાર્વજનિક ગણેશોત્સવમાં ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત વિદ્વાન વક્તાઓનાં વ્યાખ્યાનો, જુદા જુદા વર્તમાન વિષયો પર પરિસંવાદ, શાસ્ત્રીય સંગીતના જલસા, જુદા જુદા પ્રકારની બૌદ્ધિક સ્પર્ધાઓ યોજાતાં હતાં. સમયાંતરે હવે જે જે નગરોમાં સાર્વજનિક ગણેશોત્સવ યોજાય છે તેમાં ધાર્મિક કે બૌદ્ધિક કાર્યક્રમો કરતાં મનોરંજનના કાર્યક્રમો પર વધુ ભાર મૂકવામાં આવે છે. એક જમાનામાં સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન અને સંચાલન ઉંમરલાયક કે પીઢ કાર્યકર્તાઓના હાથમાં રહેતું; પરંતુ હવે તે યુવાવર્ગના હાથમાં કેન્દ્રિત થયેલું દેખાય છે, જેને પરિણામે તેમની રુચિને અનુકૂળ હોય તેવા કાર્યક્રમોનું આયોજન થાય તે સ્વાભાવિક છે.
અમદાવાદ નગરમાં જ્યાં જ્યાં મરાઠીભાષી લોકોની વસ્તી કેન્દ્રિત થયેલી ત્યાં ત્યાં સાર્વજનિક ગણેશોત્સવની સર્વપ્રથમ શરૂઆત થયેલી. તે શહેરના રાયપુર વિસ્તારમાં 1905માં થઈ હતી, જ્યાં તે આજે પણ ઉત્સાહપૂર્વક યોજવામાં આવે છે. શહેરના ભદ્ર વિસ્તારમાં સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત 1923માં; દક્ષિણી સોસાયટી, મણિનગરમાં 1935માં; મહારાષ્ટ્ર સોસાયટી, એલિસબ્રિજ વિસ્તારમાં 1948માં અને આંબાવાડી વિસ્તારમાં 1974માં ક્રમશ: થઈ હતી. મહારાષ્ટ્ર સોસાયટી બાદ કરતાં આ બધા જ વિસ્તારોમાં આ ઉત્સવની ઉજવણી આજે પણ થયાં કરે છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે લગભગ બધાં જ નગરોમાં સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણીની પહેલ ભલે મરાઠીભાષી લોકોએ કરી હોય છતાં જે તે વિસ્તારના ગુજરાતીભાષી અને પારસી જ્ઞાતિના લોકોએ તેને હરહંમેશ સક્રિય ટેકો આપ્યો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે