ગણેશવેલ : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક નયનરમ્ય વેલ. તેનું વૈજ્ઞાનિક નામ Asparagus plumosus Baker. (અં. Asporagus fern) છે. તે સદાહરિત આરોહી વનસ્પતિ છે અને શતાવરી સાથે સામ્ય ધરાવતી છતાં વધારે લાંબી વેલ છે. તેનું પ્રકાંડ લીસું હોય છે અને અસંખ્ય ફેલાતી શાખાઓ ધરાવે છે. તેનાં સુંદર સોયાકાર આભાસી પર્ણો (pseudo leaves) વિભાજિત થઈ ગુચ્છ બનાવે છે અને હંસરાજનાં પર્ણો સાથે સામ્ય દર્શાવે છે. પુષ્પો લાંબાં, ચળકતાં અને ઘાટા ગુલાબી રંગનાં હોય છે. પુષ્પનિર્માણ સમગ્ર વર્ષ દરમિયાન થાય છે. તે દક્ષિણ આફ્રિકાની મૂલનિવાસી છે. તેનો ભારતીય ઉદ્યાનોમાં કૂંડાઓમાં ઉછેરવા માટે પ્રવેશ કરાવાયો છે. તેનો ઉપયોગ જાળીઓનાં, પુષ્પોના હાર કે ગુલછડી અથવા ફૂલદાનીઓનાં સુશોભનમાં પણ થાય છે.
A. plumosus var. nanus વામન જાત છે અને કૂંડાંઓમાં, જમવાના મેજને સુશોભિત કરવા તથા કટ સ્પ્રે બનાવવા પુષ્પો સાથે મિશ્ર કરવામાં આવે છે. તે હલકી ફળદ્રૂપ અને સારા નિતારવાળી મૃદા પસંદ કરે છે. તેનું પ્રસર્જન કટકારોપણ દ્વારા થાય છે. તેની ગાંઠામૂળીમાં હેકોજેનિન અને ડાયોસ્જેનિન હોય છે.
મ. ઝ. શાહ