ગણેશન્, શિવાજી (જ. 1 ઑક્ટોબર 1928, વિલ્લપુરમ્, તામિલનાડુ; અ. 21 જુલાઈ 2001, ચેન્નાઇ, તામિળનાડુ) : દક્ષિણ ભારતીય અને ખાસ કરીને તમિળ ચલચિત્રજગતના વિખ્યાત અભિનેતા. પિતા ચિનૈયા પિલ્લાઈ અને માતા રાજમણિ. બાળપણથી અભિનય પ્રત્યે વિશેષ અભિરુચિ. નાની ઉંમરમાં પોતાના ગામમાં ધાર્મિક કે સામાજિક પ્રસંગે તથા શાળાના ઉત્સવોમાં નાનાંમોટાં નાટકો અને પ્રદર્શનોમાં અભિનય કરતા અને પારિતોષિકો મેળવતા. કેટલીક વાર આજુબાજુનાં ગામોમાં પણ નાટકો ભજવતા. ઈ. સ. 1952માં ‘પરાશક્તિ’ નામક તમિળ ચલચિત્રમાં અભિનય કરીને ફિલ્મક્ષેત્રમાં પ્રવેશ્યા. આ ચલચિત્રમાંના તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ. પછીના ગાળામાં તે તમિળ ચલચિત્રજગત પર છવાઈ ગયા. 1952–92ના ચાર દાયકામાં આશરે 250 ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. તેમની જાણીતી ફિલ્મોમાં ‘વીરપાંડ્ય કટ્ટબોમ્મન’, ‘પાસમલર’, ‘પાવમન્નિપ’, ‘પાલુમ પયામુમ’, ‘કપ્યલોટિય તમિયન’, ‘વિયટનામ વીડુ’, ‘પટ્ટિકાડ પટ્ટિણમ’, ‘વસંત માલિગૈ’, ‘તંગ પદકમ્’ અને ‘નવરાત્રી’ વિશેષ ઉલ્લેખનીય છે. ‘નવરાત્રી’ ચલચિત્રમાં તેમણે એકસાથે નવ જુદાં જુદાં પાત્રોનો અભિનય કર્યો છે, જે એક અનોખી બિના ગણાય છે. તે ‘શિવાજી નાટક મનરમ’ નામની નાટ્યસંસ્થાનું સંચાલન કરે છે. સાઉથ ઇન્ડિયન આર્ટિસ્ટ ઍસોસિયેશનના પ્રમુખ તરીકે તેમણે સેવા આપી છે.

શિવાજી ગણેશન્

છેલ્લા લગભગ દોઢ દાયકા(1980–93)થી તે રાજકારણમાં સક્રિય બન્યા છે. શરૂઆતમાં તે કૉંગ્રેસ(ઇ)માં દાખલ થયા હતા, પરંતુ ઇન્દિરા ગાંધીના અવસાન પછી તમિળનાડુના કૉંગ્રેસ નેતાઓ સાથે લોકસભાની ચૂંટણી(1991)માં ઉમેદવારોની પસંદગીના પ્રશ્ન પર મતભેદ થતાં તેમણે ઇન્દિરા કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ઇન્દિરા ગાંધી દેશનાં પંતપ્રધાન હતાં ત્યારે છ વર્ષની મુદત માટે તે રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.

1960માં કૅરો ખાતે આયોજિત આફ્રો-એશિયન ચલચિત્ર મહોત્સવમાં ‘વીરપાંડ્ય કટ્ટબોમ્મન’ ચલચિત્રમાં તેમણે ભજવેલ ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત, અભિનય માટેના રાજ્યકક્ષાના ઍવૉર્ડ પણ તેમને મળેલા છે.

ચલચિત્ર ક્ષેત્રની તેમની સિદ્ધિઓની કદર રૂપે ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ (1966), પદ્મભૂષણ (1984)થી સન્માનિત કર્યા છે. માનદ્ ડોક્ટરેટ (1986), દાદાસાહેબ ફાળકે ઍવોર્ડ (1996) અને એનટીઆર નેશનલ ઍવોર્ડ (1998) તેમને એનાયત થયા  છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે