ગણેશન્, જૈમિનિ (જ. 17 નવેમ્બર 1920, પદુકોટ્ટાઈ; અ. 27 માર્ચ 2005, ચેન્નાઈ) : તમિળ ફિલ્મોના વિખ્યાત અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક. નાનપણમાં પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર. રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં વ્યાખ્યાતા નિમાયા. આકર્ષક શરીરસૌષ્ઠવ અને ખુશમિજાજને કારણે લોકપ્રિય બન્યા. 1945માં તમિળ ચલચિત્રજગતના વિખ્યાત દિગ્દર્શક કે. રામનાથન્ સાથે નિર્માણ વ્યવસ્થાપક તરીકે જોડાયા. હોલિવુડ દ્વારા સર્જિત અત્યંત લોકપ્રિય ચલચિત્ર ‘લા મિઝરેબલ’ના તમિળ સંસ્કરણ ‘ઈસાઈ પડુમ પાડ’(ગરીબ માણસનું દુ:ખ)ના દિગ્દર્શક તરીકે રામનાથન્ ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકેલા. મૂળ અંગ્રેજી ચલચિત્રમાં પોલીસ અમલદારની ભૂમિકા તે જમાનાના વિખ્યાત અમેરિકન અભિનેતા ચાર્લ્સ લાફ્ટને ભજવી હતી. તે જૈમિનિ ગણેશનના પ્રેરણાસ્રોત બન્યા. તે પછી તેમણે અનેક તમિળ ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી. 1973માં નિર્માણ થયેલ તમિળ ચલચિત્ર ‘નાન અવન ઇલ્લાઇ’(હું તે નહિ)માં તેમણે એકસાથે નવ ભૂમિકાઓ ભજવી હતી. તેમણે નિર્માણ કરેલ આ ફિલ્મનું દિગ્દર્શન તમિળ દિગ્દર્શક કે. બાલચંદ્રને કર્યું હતું. આ કથાચિત્રને ‘ફિલ્મફેર’ ઍવૉર્ડ એનાયત થયો હતો. જૈમિનિ સ્ટુડિયો દ્વારા નિર્મિત ઘણી લોકપ્રિય ફિલ્મોમાં ગણેશને અભિનય કર્યો હતો. તેમાંની ‘વંચી કોટ્ટઈ વાલિબન’(વંચી કોટનો છોકરો)નું ‘રાજતિલક’ નામથી અને ‘વાળકઈ પડગ’(જીવનરક્ષક નૌકા)નું ‘જિંદગી’ નામથી હિંદી સંસ્કરણ થયું હતું. જૈમિનિ સ્ટુડિયોની ઘણી ફિલ્મોમાં ગણેશને અભિનય આપી લોકપ્રિયતા સંપાદન કરેલ હોવાથી તેમના નામ સાથે ‘જૈમિનિ’ શબ્દ કાયમ માટે જોડાઈ ગયો છે.
ચાર્લ્સ લાફ્ટન ઉપરાંત તેમના અન્ય પ્રેરણાસ્રોતોમાં ગણેશન્ હોલિવુડના વિખ્યાત અભિનેતા–દિગ્દર્શક–નિર્માતા ચાર્લી ચૅપ્લિન તથા ભારતીય ચલચિત્ર અભિનેતા અશોકકુમારનો ગૌરવ સાથે ઉલ્લેખ કરે છે.
ભારત સરકારે જૈમિનિ ગણેશનને ‘પદ્મશ્રી’ (1971)ના ખિતાબથી અને તામિલનાડુ સરકારે તેમને ‘કલાઈ મણિ’ ઍવૉર્ડથી સન્માન્યા હતા.
કુંદનલાલ સહગલ તેમના માનીતા ગાયક કલાકાર હતા. સુમધુર કંઠ ધરાવતા ગણેશન્ કર્ણાટક સંગીતના નિષ્ણાત ગાયક કલાકાર ગણાતા હતા.
હિંદી ચલચિત્ર જગતની લોકપ્રિય અભિનેત્રી રેખા તેમની પુત્રી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે