ગણરાજ્ય : લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્યવ્યવસ્થા તથા શાસનપદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. જોકે ગણરાજ્યોનું સ્વરૂપ દરેક સમયે એક જ પ્રકારનું ન હતું. સમય અને પરિસ્થિતિ પ્રમાણે ગણરાજ્યોનાં નામ, સ્થાન, બંધારણ, કાર્યશૈલી વગેરેમાં ફેરફારો થતા રહ્યા છે. ગણનો સામાન્ય અર્થ ‘સંખ્યા’ થાય છે. એક કરતાં વધારે સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય તે ગણરાજ્ય કહી શકાય. જૈન ગ્રંથ આચારાંગસૂત્રમાં दारज्जाणि અને गणरायाणि શબ્દો વપરાયા છે. दारज्जाणि એટલે બે રાજાઓ દ્વારા શાસિત રાજ્ય અને गणरायाणि એટલે સંખ્યા દ્વારા ચાલતું રાજ્ય એમ અર્થ થઈ શકે. ઉત્તર ભારતનાં અમુક રાજ્યોમાં તથા બૌદ્ધકાલીન ભારતમાં ગણરાજ્યો હતાં. બૌદ્ધ સાહિત્યના વર્ણન મુજબ બુદ્ધ ભગવાનના આદેશ અનુસાર ભિક્ષુકોની ગણતરી ‘શલાકા’ એટલે કે લાકડાની પટ્ટીઓથી થતી હતી. ભિક્ષુકોનો આ ગણ પોતાના તંત્રવાહકોને ચૂંટતો. ગણ શબ્દ સંખ્યા કે જૂથના રાજ્યનું સૂચન કરે છે.
ગણરાજ્યો બિનરાજાશાહી રાજ્યો હતાં. ગણરાજ્યમાં એક જ વ્યક્તિનું શાસન હતું નહિ, પણ તેમાં એક કરતાં વધુ લોકોના હાથમાં શાસનતંત્ર હતું. ગણરાજ્યની શાસનપદ્ધતિ, ન્યાયતંત્ર-વ્યવસ્થા, રાજ્યનીતિ વગેરેના ચોક્કસ નિયમો હતા જે અનુસાર વહીવટકર્તાઓ વહીવટી તંત્ર ચલાવતા. પ્રાચીન ભારતમાં માલવ, શૂદ્રક, આર્જુનાયન, અંધકવૃષ્ણી, યૌધેય, શાક્ય, કોલિય, મલ્લ, મોરિય, કઠ, શિબિ, વૃજ્જિ, મગધ, લિચ્છવી વગેરે અગત્યનાં ગણરાજ્યો હતાં. મધ્યયુગ સુધી લગભગ સમગ્ર વિશ્વના તમામ દેશોમાં ગણરાજ્યો હતાં. પ્રાચીન ભારતનાં ગણરાજ્યો પ્રાચીન ગ્રીસ કે રોમનાં નગરરાજ્યો સમાન હતાં. તેમનો વિસ્તાર પણ મર્યાદિત હતો. ઉપલા વર્ણના બધા પ્રજાજનો, ધનિક વર્ગ, અધિકારીઓ, જાગીરદારો, ધર્મગુરુઓ નાગરિકો ગણાતા હતા; જ્યારે નીચલો વર્ગ કે નીચલા ગણાતા વર્ણના લોકો આવો હક ધરાવી શકતા નહિ. આ પ્રમાણે આધુનિક ર્દષ્ટિએ ઉપલા વર્ણના લોકો નાગરિકો તરીકે ગણાતા જ્યારે નીચલો વર્ગ માત્ર પ્રજાજનો તરીકે ગણાતો. આ ઉપરાંત ઉપલા વર્ગને રાજકીય હકો સહિતના તમામ હકો હતા, જ્યારે નીચલા વર્ગોને રાજકીય સિવાયના હકો હતા. સ્પાર્ટા, ઍથેન્સ, રોમ, ગ્રીસ વગેરેનાં નગરરાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવેલું છે તે જ રીતે પ્રાચીન ભારતનાં ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય; એટલું જ નહિ, પણ ભારતનાં આ ગણરાજ્યો પ્રાચીન યુગની પ્રત્યક્ષ લોકશાહીના અર્થમાં લોકતંત્ર ગણી શકાય.
ભારતનાં ગણરાજ્યોનો ઇતિહાસ ઘણો જૂનો છે. જૂનાં ગણરાજ્યો જેમ જેમ વિલીન થતાં ગયાં તેમ તેમ નવાં ગણરાજ્યો ઉદભવ પામતાં ગયાં. પાણિનિ, ગ્રીક ઇતિહાસકારો, બૌદ્ધગ્રંથો-સૂત્રો, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, મહાભારત અને અન્ય પૌરાણિક ગ્રંથો, શિલાલેખો, તામ્રપત્રો, સિક્કા વગેરેમાં જુદાં જુદાં ગણરાજ્યોના ઉલ્લેખ કરવામાં આવેલા છે. વળી આ ગણરાજ્યોનાં બંધારણ, કાર્યો, શાસનપદ્ધતિ વગેરેની વિગતો આપવામાં આવી છે. આ ઉપરાંત ગણરાજ્યોનો અભ્યાસ કરતાં જણાય છે કે અમુક ગણરાજ્યો લશ્કરી ઢબનાં હતાં તો અમુક ગણરાજ્યો લોકતાંત્રિક હતાં. કેટલાંક ગણરાજ્યોની શાસનપદ્ધતિ વ્યવસ્થિત અને સુંદર હતી. કેટલાંક ગણરાજ્યો લોકોનાં શારીરિક બંધારણ, સૌષ્ઠવ અને શારીરિક વિકાસ અંગે ખાસ ધ્યાન આપતાં હતાં. કેટલાંક ગણરાજ્યો લડાયક અને બહાદુર હતાં અને તે શિસ્તબદ્ધ સૈન્યદળ ધરાવતાં હતાં. મોટે ભાગે ગણરાજ્યોમાં એક, બે કે થોડી સંખ્યામાં મુખ્ય વહીવટકર્તાઓ રહેતા, જે પ્રમુખ કે રાજા કહેવાતા. તેમની ચૂંટણી મોટે ભાગે નાગરિકોની બનેલી સભા કરતી હતી. તેમના હોદ્દાની નિશ્ચિત મુદત હતી. ચૂંટાયા બાદ તેમનો અભિષેકવિધિ થતો, જેને આધુનિક સમયની હોદ્દાની સોગંદવિધિ સાથે સરખાવી શકાય. સામાન્ય રીતે ઊંચા કુળનો, પ્રતિભાવંત, હોશિયાર અને શૂરવીર નાગરિક પ્રમુખના હોદ્દા માટે લાયક ગણાતો. ઉપરાંત તેનામાં લશ્કરી આવડતની પણ અપેક્ષા રાખવામાં આવતી હતી. તેનાં મુખ્ય કાર્યોમાં યોગ્ય રીતે શાસન ચલાવવાનું અને અશાંતિ-યુદ્ધના સમયમાં લશ્કરને યોગ્ય માર્ગદર્શન આપવાનું હતું. આંતરિક મતભેદો – ઝઘડાનો નિકાલ લાવવાનું પણ તેનું કાર્ય હતું. અમુક ગણરાજ્યોમાં પ્રમુખપદ વારસાગત પણ હતું. પ્રમુખની સાથોસાથ તેને રાજકાજમાં મદદ કરવા માટે એક કાર્યવાહક મંડળ પણ રહેતું, જેની ચૂંટણીપદ્ધતિ, લાયકાતો, તેના સભ્યોની સંખ્યા, મુદત, કાર્ય કરવાની પદ્ધતિ વગેરે નિશ્ચિત હતાં. ગણરાજ્યોમાં એક નાગરિક સભા કે સામાન્ય સભા પણ હતી. તેમાં મધ્યમ વર્ગ, નીચલા વર્ગ અને મજૂર વર્ગને બેસવાનો અધિકાર હતો નહિ; પણ તેમાં ઉચ્ચ કુળના લોકો, બ્રાહ્મણો, ધનપતિઓ વગેરે બેસતા. સામાન્ય સભાનું કામકાજ ચોક્કસ નીતિનિયમો દ્વારા ચાલતું. સામાન્ય સભા કે ગણસભા પોતાના આગેવાન સભ્યોમાંથી એક ન્યાયસભાની પણ રચના કરતી હતી.
આ ગણરાજ્યોનું શાસનતંત્ર તથા નાગરિક જીવન કેટલાક પ્રશંસાપાત્ર સિદ્ધાંતો પર રચાયેલું હતું અને સંઘના નિયમોનું વ્યવસ્થિત પાલન થતું. લોકોમાં લશ્કરી શિસ્ત નોંધપાત્ર હતી. સાથોસાથ નાગરિક ગુણો અને ટેવોનો નોંધપાત્ર વિકાસ થયેલો હતો. જોકે આંતરિક ઝઘડા-વિખવાદ, પક્ષીય ભાવના, ઉગ્ર વક્તવ્ય, નાનો વિસ્તાર, ગુપ્તતાનો અભાવ, પૈસાદાર વર્ગ, અમીર વર્ગનું વૈભવી જીવન અને આમજનતાની અવહેલના, વારસાગત શાસનપ્રથા વગેરે કારણોસર આ ગણરાજ્યોનું પતન થયું; છતાં પણ આ ગણરાજ્યો પોતાનો વૈભવ, વારસો, ઇતિહાસ તથા લોકતંત્રની નમૂનેદાર પ્રણાલિકાઓ પોતાની પાછળ મૂકતાં ગયાં છે.
ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા