ગણપતિ : હિંદુઓના વિઘ્નહર્તા દેવ. ગણપતિ એ શિવ-પાર્વતીના પુત્ર છે અને શિવપરિવારના દેવોમાં તે એક પ્રધાન દેવ છે. શિવના ગણ મરુતોના તે અધિપતિ છે, તેથી તે ગણપતિ કહેવાયા છે. મરુત્ દેવો તેમની ઉદ્દામ શક્તિને લીધે પ્રમથ કહેવાયા હશે. ગણપતિ આ પ્રમથ ગણના અધીશ્વર છે.

ગણપતિના જન્મ વિશે વિવિધ પુરાણકથાઓ છે. એક કથા અનુસાર શિવ અને પાર્વતી હસ્તી-હસ્તિની સ્વરૂપે વનવિહાર કરતાં હતાં ત્યારનું તેમનું સંતાન તે ગજાનન ગણપતિ. અન્ય એક કથા અનુસાર શિવે તપપ્રભાવથી એક સુંદર કુમારનું સર્જન કર્યું. પોતાના સાહચર્ય વિના જ શિવે આ કુમારનું સર્જન કર્યું, તેથી મત્સરવશ પાર્વતીએ તેને કુરૂપ બનાવ્યો. તેનું મસ્તક ગજશીર્ષ થઈ ગયું. એક બીજી કથા પ્રમાણે શિવની અનુપસ્થિતિમાં એકલાં પડેલાં પાર્વતીએ એકલવાયાપણું ટાળવા સારુ પોતાના અંગમલમાંથી એક કુમારમૂર્તિ ઘડી, સજીવ કરી. એક વખત પાર્વતી સ્નાનગૃહમાં હતાં અને કુમાર ઘરનું ધ્યાન રાખતો હતો તેવામાં શિવ આવ્યા. કુમારે તેમને ઘરમાં પ્રવેશતા રોક્યા. તેમાંથી યુદ્ધ થઈ પડ્યું અને ક્રોધવશ શિવે ત્રિશૂલનો પ્રહાર કરી કુમારનું મસ્તક ઉડાવી દીધું. આથી અત્યંત શોકાકુલ થયેલાં પાર્વતીના સાંત્વન સારુ શિવે કુમારના ધડ ઉપર ઇન્દ્રના હાથીનું મસ્તક મૂકી તેને સજીવ કર્યો. આને લીધે કુમાર કુરૂપ થયો, પણ શિવે તેને પોતાના પ્રમથ ગણોનો અધિપતિ બનાવ્યો અને સર્વ ધર્મકાર્યોમાં તેને અગ્રપૂજાનો અધિકારી બનાવ્યો. એ રીતે તે ગણાધિપતિ અને મંગલમૂર્તિ દેવ બન્યો. આવી જ બીજી એક કથા પ્રમાણે પાર્વતીના આ સુંદર કુમારને જોવા શનૈશ્ર્ચર આવ્યા. તેમની ક્રૂર ર્દષ્ટિ પડતાં જ કુમારનું મસ્તક વિદીર્ણ થઈ ગયું. બ્રહ્માજીએ કૃપા કરી કુમારના ધડ પર ગજમસ્તક મૂકી તેને સજીવ કર્યો. આ સર્વ કથાઓમાં ગણપતિને અયોનિજન્મા બતાવ્યા છે એ હકીકત તેમના પરબ્રહ્મસ્વરૂપનો સંકેત કરતી લાગે છે.

ગણેશ, કુંભારિયા છઠ્ઠી સદી

નૃત્ય કરતા ગણેશ, કનોજ, ગુર્જર-પ્રતિહાર, નવમી સદી

ઋગ્વેદમાં ગણપતિ સ્વતંત્ર દેવ નથી. બ્રહ્મણસ્પતિને ગણપતિ કહ્યા છે. શુક્લ અને કૃષ્ણ યજુ:સંહિતાઓમાં ગણપતિ સ્વતંત્ર દેવ તરીકે સ્તવાયા છે; એટલું જ નહિ પણ રુદ્ર અને ગણપતિને એકાત્મભાવે વર્ણવ્યા છે. શતરુદ્રીય અધ્યાયમાં नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नम: અને व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नम: એ મંત્રમાં ગણપતિ અને વ્રાતપતિ એ નામો વડે શિવની સ્તુતિ કરાઈ છે.

નવીન સંશોધનો અનુસાર ગણપતિ પ્રાગ્વૈદિક સંસ્કારભ્રષ્ટ આર્યો કે આર્યેતરોના વ્રાતના એટલે કે લોકસમૂહના દેવ હતા. પુરાણોમાં ગણપતિ અને પ્રમથપતિ નામો છે તેમ વૈદિક સંહિતાઓમાં ખાસ કરી યજુ: સંહિતાઓમાં ગણપતિ અથવા રુદ્રનું વ્રાતપતિ એવું નામ છે. વ્રાતમાં રહેનારા વ્રાત્યોના તે દેવ હતા અને વ્રાત્યસંસ્કાર કરી શુદ્ધ કરાયેલા વ્રાત્યોને આર્યોમાં સમાવિષ્ટ કરી લેવાયા તેની સાથે વ્રાતપતિ દેવને વૈદિક દેવોમાં સમાવિષ્ટ કરી લેવાયા. સંભવત: રુદ્ર અને ગણપતિ એક જ હતા. રુદ્રમંત્રોમાં તેમનું અભિન્ન સ્વરૂપે વર્ણન આ વાતનો સંકેત કરે છે.

કેટલાક વિદ્વાનો પાર્વતી તે પર્વતોને ધારણ કરનારી પૃથ્વી અને ગણપતિ તે પૃથ્વીનો પુત્ર ચંદ્ર એમ ગણેશ અને ચંદ્ર એક જ છે એમ માને છે. શિવ અને ગણેશના મસ્તકે ચંદ્રલેખા હોય છે એ વાત સાથે આ માન્યતાનો સંબંધ હશે.

ગણેશ, વેલનકન્ની, ચોલા,
             દસમી સદી

ગણેશ, પૂર્વ ગંગા,
                                                      અગિયારમી સદી

સ્વરૂપે કરીને ગણપતિ લંબોદર, શૂર્પકર્ણ, ગજમુખ, એકદન્ત અને ચતુર્ભુજ છે. ગજશીર્ષના આરોપણને લીધે તે ગજાનન અને શૂર્પકર્ણ થયા. ગજદન્ત થયા અને તેમનું ઉદર મોટું થઈ ગયું. તેમનો એક દાંત પરશુરામ સાથેના સંઘર્ષમાં કપાઈ ગયો ત્યારથી તે એકદન્ત થયા. અન્ય એક કથા અનુસાર ગજાસુર સાથેના યુદ્ધમાં તેમનો એક દાંત ભાંગી ગયો. એ ભાંગેલા દાંતને આયુધ તરીકે વાપરી તેમણે ગજાસુરને હણ્યો. આ દાંત તેમના હાથમાં આયુધ તરીકે રહ્યો. કવિ માઘની કલ્પના પ્રમાણે રાવણે તેની પત્નીઓનાં કરવલય બનાવવા સારુ ગણપતિનો એક દાંત તોડી નાખેલો. જોકે આ રમણીય કવિકલ્પનાનું મૂળ જડ્યું નથી. ગજદન્ત, વરમુદ્રા, પાશ અને અંકુશ એ ગણપતિનાં આયુધો છે.

નૃત્ય કરતા ગણેશ, હૈહય, અગિયારમી સદી

શિવપાર્વતીએ તેમના પુત્રો સ્કંદ કાર્તિકેય અને ગણપતિ એ બેમાંથી જે કોઈ પૃથ્વીની પ્રદક્ષિણા કરી વહેલો આવી મળે તેને પહેલો પરણાવવાનું કહ્યું. તદનુસાર સ્કંદ તેમના વાહન મયૂર પર પૃથ્વીપ્રદક્ષિણાએ નીકળ્યા. ગણપતિએ માતાપિતાની પ્રદક્ષિણા કરી કહ્યું કે ‘મારી પૃથ્વીપરિક્રમા થઈ ગઈ.’ માતાપિતા એ દ્યાવાપૃથિવીનું સ્વરૂપ છે એ શાસ્ત્રવચન અનુસાર ગણપતિનું કહેવું યથાર્થ હતું. ગણેશની આ બુદ્ધિમત્તાથી પ્રસન્ન થયેલાં શિવપાર્વતીએ ગણેશનો વિવાહ બ્રહ્માજીની પુત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે કરી આપ્યો.

ગણપતિના મૂષકવાહન વિશે એવી પુરાણકથા છે કે ક્રૌંચ નામે એક ગંધર્વે ઋષિ વામદેવનો અપરાધ કર્યો, તેથી ઋષિના શાપે કરીને તે મૂષક રૂપે અવતર્યો. આ મૂષક પરાશર ઋષિના આશ્રમમાં ભારે ઉત્પાત કરતો હતો. આ ત્રાસમાંથી બચવા સારુ પરાશરે ગણપતિને પ્રાર્થના કરી. ગણપતિએ મૂષકને વશ કર્યો અને તેને પોતાનું વાહન બનાવ્યો. અન્ય એક મત અનુસાર મૂષક એ અંધકાર છે. રાત્રે તેનું બળ હોય છે. ઘર અને ખેતરમાં એ ઘણી હાનિ કરે છે. ગણપતિ એ સૂર્ય છે. સૂર્યોદય પછી અંધકાર ભૂગર્ભમાં જાય છે. અર્થાત્, ગણપતિ મૂષક પર સવારી કરે છે.

અથર્વશીર્ષ ઉપનિષદ અનુસાર ગણપતિ એ પરમ તત્વ પરબ્રહ્મ છે. તે સૃષ્ટિના કર્તા, ધર્તા અને સંહર્તા છે. સકલ જગત તેમનામાંથી ઉદભવે છે, સ્થિતિ પામે છે અને અન્તે તેમનામાં વિલીન થઈ જાય છે. તે પંચભૂતોને સ્વરૂપે છે. વાણીનાં સઘળાં રૂપો ગણપતિનાં છે. સર્વ અવસ્થાઓ અને ત્રણેય કાળથી તે અતીત છે અને તે જ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર વગેરે દેવસ્વરૂપો છે. માનવશરીરના મૂલાધારમાં તેમનું સ્થાન છે અને गँ એ તેમનો બીજમંત્ર છે. તંત્રપદ્ધતિમાં ગાણપત્ય સંપ્રદાય છે.

ગણપતિનો આવિર્ભાવ ભાદ્રપદની શુક્લ ચતુર્થીએ થયો. આમ તો પ્રત્યેક માસની શુક્લ ચતુર્થી વિનાયક ચતુર્થી અને કૃષ્ણ ચતુર્થી સંકષ્ટ ચતુર્થી ગણાય છે અને આ બે તિથિઓનાં વિશિષ્ટ ગણપતિ-વ્રતો છે.

ગણપતિના બાર કે વધારે અવતારો વર્ણવાયા છે.

ગણપતિને દૂર્વા પ્રિય છે. દૂર્વા બ્રહ્માનાં રોમમાંથી થયેલી અને ગણપતિને તે પ્રિય હતી. પાર્વતી સામે અવિનય કરવાથી એણે તૃણ થવું પડેલું, પણ તપ કરવાથી તે ફરી ગણપતિને પ્રિય થઈ. મંદાર (સફેદ આકડો) અને શમીનાં પર્ણ પણ ગણપતિને પ્રિય છે. ધૌમ્યપુત્ર મંદાર અને ઔર્વપુત્રી શમી એ પતિ-પત્નીએ ભુશુંડી મુનિના બેડોળપણાની હાંસી કરી તેથી મુનિના શાપે કરીને તેમને વનસ્પતિ તરીકે જન્મવું પડ્યું. આ સ્થિતિમાં તેમણે તપ કરી ગણપતિને પ્રસન્ન કર્યા. પ્રસન્ન ગણપતિએ મંદારના મૂળમાં વાસ કર્યો અને શમીપર્ણની પૂજા સ્વીકારી.

સિંહાસનસ્થ ગણેશ

કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે ‘જય’ કાવ્ય રચ્યું. એનું મહાભારત સ્વરૂપ ઘણું મોટું હતું. તે શતસાહસ્રી સંહિતા થયેલી. ગણપતિ સિવાય કોઈ એને લેખબદ્ધ કરી શકે તેમ ન હતું. વ્યાસજીની પ્રાર્થનાથી ગણપતિએ એ શરતે લેખનકાર્ય સ્વીકાર્યું કે તેમની કલમ અટકવી ન જોઈએ. વ્યાસે પણ વિનંતી કરી કે જે કંઈ લખો તે સમજીને લખો. વ્યાસે કાવ્યમાં વચ્ચે વચ્ચે કેટલાક કૂટ શ્લોકો મૂક્યા છે તે આ કારણે. મહાભારતના આરંભે આ કથા આવે છે. જોકે ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મહાભારતની ચિકિત્સિત આવૃત્તિમાં આ કથા ક્ષેપક હોવાથી લેવાઈ નથી.

ભારત બહાર તિબેટ, ચીન, જાપાન, કોરિયા, પૂર્વ એશિયા, પ્રાચીન ‘એસિરિયા’ વગેરે પ્રદેશોમાં એક કાળે ગણપતિપૂજા પ્રવર્તમાન હતી.

ગણપતિ અંગેના મુખ્ય સાહિત્યમાં ગણપતિ અથર્વશીર્ષ, ગણેશપુરાણ અને મુદગલપુરાણ એ બે ઉપપુરાણો તેમજ અનેક સ્તોત્રો છે. મુખ્ય પુરાણોમાં અનેક સ્થળે ગણપતિની ઉત્પત્તિ અને મહિમાનાં વિસ્તૃત વર્ણનો છે.

નટવરલાલ યાજ્ઞિક