ગડકરી, રામ ગણેશ (જ. 26 મે 1885, નવસારી, ગુજરાત; અ. 23 જાન્યુઆરી 1919, સાવનેર, વિદર્ભ, મહારાષ્ટ્ર) : વિખ્યાત મરાઠી નાટ્યકાર, હાસ્યલેખક અને કવિ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના જામનગર અને કરજણ ખાતે જ્યારે પ્રથમ વર્ષ સુધીનું ઉચ્ચશિક્ષણ પુણે ખાતે. તે પહેલાં થોડાક સમય માટે કિર્લોસ્કર નાટક મંડળીમાં કલાકારોના તથા અન્ય કર્મચારીઓનાં બાળકોના શિક્ષક તરીકે કામ કરેલું. ત્યારથી ‘ગડકરી માસ્તર’ તરીકે સર્વત્ર ઓળખાતા. પુણે નગરના ‘જ્ઞાનપ્રકાશ’ દૈનિકના ઉપસંપાદક અને ત્યાંની જ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષક તરીકે થોડોક સમય કામ કર્યું. 1910માં કિર્લોસ્કર નાટક મંડળીમાં નાટ્યલેખક તરીકે જોડાયા. નાટ્યનિર્માણ-ક્ષેત્રે દિગ્દર્શકની ભૂમિકામાં તાલીમ માસ્તર તરીકે પણ તેમણે નામના મેળવી. તેમણે હાસ્યલેખક તરીકે ‘બાળકરામ’ અને કવિ તરીકે ‘ગોવિંદાગ્રજ’ તખલ્લુસનો અંગીકાર કર્યો હતો; પરંતુ નાટ્યલેખનમાં તે પોતાના સાચા નામનો જ ઉપયોગ કરતા.
ગડકરીએ તેમની સત્તર વર્ષની વયે ‘મિત્રપ્રીતિ’ નાટક (1902) લખ્યું જે ઉપલબ્ધ નથી. રંગભૂમિ પર ભજવાયેલું તેમનું પ્રથમ નાટક તે ‘સંગીત પ્રેમસંન્યાસ’ (1913). ત્યાર બાદ ‘સંગીત પુણ્યપ્રભાવ’ (1917), ‘સંગીત એકચ પ્યાલા’ (1919) – જે તેમના સૌથી વધારે લોકપ્રિય નાટકો બન્યાં હતાં. સંગીત ‘ભાવબંધન’ (1920), ‘રાજસંન્યાસ’ (1922 – અપૂર્ણ), સંગીત ‘વેડ્યાંચા બાજાર’ (અપૂર્ણ – જે તેમના મિત્ર અને મરાઠી રંગભૂમિના જાણીતા નટ ચિંતામણરાવ કોલ્હટકરે 1923માં પૂર્ણ કર્યું.) અને ‘ગર્વનિર્વાણ’ (મરણોત્તર, જન્મશતાબ્દી પ્રસંગે 1985માં પ્રકાશિત) – આ તેમનાં નાટકોનો આલેખ છે. તેમનાં બે નાટકો ‘ભાવબંધન’ અને ‘એકચ પ્યાલા’ તેમના અવસાન બાદ રંગભૂમિ પર રજૂ થયાં હતાં.
‘ગોવિંદાગ્રજ’ તખલ્લુસથી તેમનાં કાવ્યો ‘વાગ્વૈજયંતી’ ગ્રંથમાં પ્રકાશિત થયાં છે જ્યારે તેમના હાસ્યલેખો ‘સંપૂર્ણ બાળકરામ’ ગ્રંથમાં છપાયા છે. વિખ્યાત મરાઠી નાટ્યકાર આચાર્ય પ્રહલાદ કેશવ અત્રેએ ગડકરીનું અપ્રકાશિત સાહિત્ય ‘અપ્રકાશિત ગડકરી’ એ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ કર્યું છે (1962).
તેમનું સમગ્ર જીવન આર્થિક હાલાકીમાં વીત્યું હતું. તે ક્ષયના દરદી હતા. ‘ભાવબંધન’ નાટકનો છેલ્લો પ્રવેશ લખ્યા પછી તરત જ તેમનું અવસાન થયું હતું.
ગડકરીના સાહિત્યમાં અનન્ય કલ્પનાશક્તિ અને શબ્દસામર્થ્યનો પરિચય થાય છે. તેમના હાસ્યલેખનમાં ઉપહાસ કરતાં પણ શબ્દોની રમત જોવા મળે છે. મરાઠી રંગભૂમિ પરના રોમાંચક અતિનાટ્ય(romantic melodrama)ના જમાનામાં ગડકરી કલ્પનાપ્રભાવી લેખક તરીકે પ્રસ્થાપિત થયા હતા. નાટ્યલેખન અને હાસ્યલેખનમાં તેઓ શ્રીપાદ કૃષ્ણ કોલ્હટકરને અને કવિતાના ક્ષેત્રે તેઓ ‘કેશવસુત’ને ગુરુસ્થાને માનતા. અલબત્ત, ‘ગોવિંદાગ્રજ’ (ગડકરી) અને ‘કેશવસુત’ની શૈલી ઘણી ભિન્ન હતી એનો સ્વીકાર કરવો જ પડે. તેમનાં નાટકો પર તત્કાલીન પારસી-ઉર્દૂ નાટકોનો પ્રભાવ પણ ર્દષ્ટિગોચર થાય છે. ‘એકચ પ્યાલા’ જેવી અત્યંત અસરકારક શોકાંતિકા ગડકરી પહેલાં કોઈએ મરાઠી ભાષામાં લખી નથી અને તેમના અવસાન પછી પણ ઘણાં વર્ષો સુધી આવી શોકાંતિકા મરાઠી તખતા પર આવી ન હતી. આ હકીકત ગડકરીનું તે ક્ષેત્રનું શ્રેષ્ઠત્વ અને નાટ્યકૃતિનું શ્રેષ્ઠત્વ આ બંનેની સાબિતી પૂરી પાડે છે. તેમનાં સાત નાટકોમાં પાંચ નાટકો સંગીતપ્રધાન છે આ હકીકત પણ નોંધપાત્ર છે.
યશવંત કેળકર
બાળકૃષ્ણ માધવરાવ મૂળે