ગજ્જર, ત્રિભુવનદાસ કલ્યાણદાસ (જ. 3 ઑગસ્ટ 1863, સૂરત; અ. 16 જુલાઈ 1920) : ગુજરાતના કેળવણીકાર, સુપ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી, ઉચ્ચ કોટિના શિક્ષક તથા ભારતીય રસાયણ-ઉદ્યોગના આદ્ય પ્રવર્તક. સૂરતમાં વૈશ્ય સુથાર જ્ઞાતિના અગ્રેસર ગણાતા કુટુંબમાં તેમનો જન્મ થયેલો. માતા ફૂલકોરબહેન. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર સાથે બી.એ. તથા એમ.એ. થયા બાદ તેઓ થોડો સમય કરાંચીમાં તથા ત્યાર બાદ વડોદરાની કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. વડોદરામાં તેમણે છાપકામ તથા રંગાટીકામની પ્રયોગશાળા શરૂ કરી. રંગવિદ્યા અંગે ‘રંગરહસ્ય’ નામનું ત્રિમાસિક શરૂ કર્યું હતું.

ત્રિભુવનદાસ ગજ્જર
વડોદરાના રાજવી શ્રીમંત સયાજીરાવે ગજ્જરની સલાહથી 1890માં કલાભવનની સ્થાપના કરી. ત્યાં ગજ્જર આચાર્યપદે નિમાયા. છ વર્ષ સુધી કલાભવનમાં રહીને તેમણે ગુજરાતી ભાષામાં વિજ્ઞાનને લગતું સાહિત્ય ‘જ્ઞાનમંજૂષા’ અને ‘લઘુમંજૂષા’ શ્રેણીમાં તૈયાર કરવા માંડ્યું. આ કાર્ય માટે મહારાજાએ તેમને રૂ. 50,000નું અનુદાન પણ આપેલું. કલાભવનને ઔદ્યોગિક યુનિવર્સિટીમાં ફેરવવાની તેમની મહેચ્છા બર ન આવતાં વડોદરા છોડી તે 1896માં મુંબઈની વિલ્સન કૉલેજમાં રસાયણવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે જોડાયા. દરમિયાન મુંબઈમાં મરકી ફાટી નીકળતાં તેમણે આયોડિન ટરક્લોરાઇડ નામની ઔષધિ શોધી કાઢી. આ દવાના હક માટેની પરદેશી કંપનીઓની મોટી રકમની ઑફરો તેમણે નકારી કાઢી અને આ ઔષધનું રહસ્ય આમજનતા માટે ખુલ્લું કર્યું. 1900માં મુંબઈમાં ગિરગામ ખાતે એક ટૅક્નિકલ પ્રયોગશાળા સ્થાપી, જે ભારતની રાષ્ટ્રીય પ્રયોગશાળાઓની પુરોગામી ગણાય. જૂનાં નિસ્તેજ થઈ ગયેલાં મોતીને પુન: ચકચકિત કરવા માટેની રાસાયણિક પ્રક્રિયા પણ તેમણે શોધી કાઢી. આ શોધ દ્વારા તેઓ ઘણું કમાયા અને આ બધી કમાણી તેમણે રસાયણવિજ્ઞાનના પ્રચારમાં ખર્ચી. હસ્તાક્ષર-નિષ્ણાત તરીકે મેળવેલી આવક ત્રિભુવનદાસ પ્રયોગશાળાને ખીલવવામાં વાપરતા.
ગોવર્ધનરામ ત્રિપાઠી, કાન્ત, બળવંતરાય ક. ઠાકોર વગેરે સાહિત્યકારો સાથે તેમને ઘનિષ્ઠ મૈત્રી હતી. સર આશુતોષ મુકરજી અને પંડિત મદનમોહન માલવિયાએ ગજ્જરને ગુજરાત બહાર જવા નિમંત્રણો મોકલ્યાં હતાં; પરંતુ સૂરતનો તેમનો કારભાર સંભાળવાની જવાબદારી છોડી જઈ શક્યા નહોતા.
ઇન્ફ્લુએન્ઝા અને પ્લેગ માટે તેમણે પેટન્ટ દવાઓ બજારમાં મૂકી હતી.
અનેક ભાષાવાળા પારિભાષિક કોશનું તેમનું સ્વપ્ન અધૂરું રહ્યું હતું. દરમિયાન 1897માં મુંબઈમાં રાણી વિક્ટોરિયાનું બાવલું દામોદર ચાફેકરે ડામર લગાડીને વિકૃત બનાવ્યું હતું અને તે સાફ કરવાના ઘણા રસાયણવિજ્ઞાનીઓએ પ્રયત્ન કર્યા હતા, પણ કોઈને સફળતા મળી ન હતી. પ્રો. ગજ્જરે ગ્લેશિયલ એસેટિક ઍસિડ, આયોડિન ક્લોરાઇડ, ક્લોરોનાઇટ્રસ ગૅસ વગેરે વાપરીને આ બાવલું 1898માં સાફ કરી પહેલાં જેવું જ કરી આપ્યું. આને કારણે તેમને ખૂબ કીર્તિ પ્રાપ્ત થઈ. મુંબઈ પ્રાંતના ઔદ્યોગિક વિકાસમાં ગજ્જરનો ફાળો મહત્ત્વનો હતો. તેમની પ્રેરણાથી જ 1902ના અરસામાં ભારતનું પ્રથમ રાસાયણિક કારખાનું ઍલેમ્બિક કેમિકલ વર્કસ વડોદરામાં શરૂ થયું, જે ઔષધનિર્માણક્ષેત્રે આજે પણ ચાલુ છે.
જ. પો. ત્રિવેદી