ગંગોત્રી : ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લામાં આવેલું પવિત્ર નદી ગંગાનું ઉદ્ગમસ્થાન. તે 31° ઉ. અ. તથા 78° 57’ પૂ. રે. પર આવેલું છે. ત્યાં દર વર્ષે સમગ્ર ભારતમાંથી હજારો યાત્રાળુઓ આવે છે. ગંગોત્રી 4,062 મીટરની ઊંચાઈએ આવેલું છે. ઉત્તરકાશી પહોંચીને ગંગોત્રી જવાય છે. હવે ઉત્તરકાશીથી ઠેઠ ગંગોત્રી સુધી બસમાં જઈ શકાય છે. ઉત્તરકાશીથી મનેરી, ભટવાડી, ગંગનાણી (અહીં ગરમ પાણીના કુંડ છે.), હરસીલ (અહીં સફરજનની વાડીઓ આવેલી છે.), ધરાલી, લંકા, ભૈરવઘાટી થઈને ગંગોત્રી પહોંચાય છે. ભૈરવઘાટી પાસે કેદારગંગા ભાગીરથીને મળે છે. ઉત્તરકાશીથી ગંગોત્રીનું અંતર લગભગ 100 કિમી.નું છે.
ગંગોત્રી ક્ષેત્રમાં ભાગીરથી ગંગાને જમણે કાંઠે ગંગોત્રી ગામ વસેલું છે. આજુબાજુ દેવદારનાં મહાકાય વૃક્ષો છવાયેલાં છે. અહીં શિયાળામાં બધે જ બરફ છવાયેલો રહે છે. એપ્રિલથી નવેમ્બર સુધી ગરમી હોય છે. શિયાળામાં લોકો ઉત્તરકાશી રહેવા માટે ચાલ્યા જતા હોય છે.
લોકમાન્યતા પ્રમાણે ભાગીરથી ગંગાનું આ ઉદગમસ્થાન મનાય છે, પણ અત્યારે ખરેખરું ઉદગમસ્થાન આ ગંગોત્રીસ્થાને નથી. પ્રાચીન કાળમાં બરફનો હિમપ્રવાહ કદાચ અહીં સુધી હશે અને ભાગીરથી અહીં જ ઉદભવી હશે; પરંતુ કાળાંતરે હિમપ્રવાહ (સંસ્કૃતમાં તેને વામક કહે છે.) પીગળતો પીગળતો ગંગોત્રીથી ખસ્યો લાગે છે અને અત્યારે છે ત્યાં 22 કિમી. દૂર ગોમુખ નામના સ્થાને ભાગીરથી ગંગાનો ઉદગમ એક 91.4થી 121.5 મીટર જાડા બરફના પડની તળેટીએ (નીચેની બાજુએ) એક બોગદું (snout) છે, તેમાંથી થાય છે. શરૂઆતમાં તે વાયવ્ય દિશામાં વહીને ગંગોત્રી સુધી પહોંચે છે. ગંગોત્રીમાં ગંગાજીનું પ્રાચીન મંદિર છે. તે નેપાલના અમરસિંહ થાપાએ બંધાવ્યું હતું. આ મંદિર તૂટી પડતાં જયપુરનાં મહારાણીએ 100 વર્ષ પૂર્વે હાલનું નવું મંદિર બંધાવ્યું છે. મંદિરને ત્રણ નાનાં શિખર છે. તેના ગર્ભગૃહમાં ગંગા, યમુના, સરસ્વતીની મૂર્તિઓ છે. મંદિરમાં રાજા ભગીરથ, આદિ શંકરાચાર્યની મૂર્તિઓ પણ છે. દરરોજ સાયંકાળે સહસ્ર દિવેટની આરતી ઉતારાય છે. ગંગામંદિર પાસે જ ભૈરવનાથનું મંદિર આવેલું છે. અહીં ઘણી મોટી ભગીરથશિલા છે, ત્યાં યાત્રીઓ પિંડદાન કરે છે.
ગંગોત્રીમાં ગંગાનો પટ 9.14 મીટર પહોળો છે. અહીં થોડે દૂર ગંગાનો પ્રવાહ ત્રણ-ચાર ધારામાં શિલા પરથી લગભગ 12.18 મીટર નીચે ધોધરૂપે પડે છે. આ સ્થાન બ્રહ્મકુંડ નામથી ઓળખાય છે.
અહીંથી ગોમુખનો રસ્તો અતિવિકટ છે. રસ્તામાં 12 કિમી.એ ચીડબાસા અને પછી 4 કિમી.એ ભોજબાસા આવે છે. ભોજબાસામાં ભૂર્જપત્રનાં વૃક્ષો આવેલાં છે. ભારતના પ્રાચીન ગ્રંથો આ ભૂર્જપત્રો પર લખાયેલા છે. ભોજબાસાથી ગોમુખ પહોંચાય છે.
ગિરીશ ભટ્ટ