ગંગેટી (જીતેલી)
January, 2010
ગંગેટી (જીતેલી) : આયુર્વેદિક ઔષધિ. સં. नागबला, गांगेरुकी; હિ. गुलसकरी, कुकरविचा, कुकरांड; મ. गोवाली, गांगी, गांगेरुकी; ગુ. ગંગેટી, ગંજેટી, જીતેલી, બાજોલિયું, ઊંધી ખાટલી; લૅ. Grewia tenax (Forsk).
ગુલ્મ પ્રકારની વનસ્પતિના વર્ગમાં ગંગેટીના મધ્યમ ઊંચાઈના છોડ-ઝાડ 3થી 10 ફૂટનાં થાય છે. તેમાં અનેક શાખા-પ્રશાખાઓ હોય છે, જે એકબીજીમાં ગૂંચવાયેલી હોય છે. તેનાં પાન 1.27 સેમી.થી 3.81 સેમી. લાંબાં અને 3.2 સેમી. પહોળાં, ચામડા જેવા, અનેક આકારનાં, દરેક પાન બે ખાંચાવાળું અને સહદેવીનાં પાનને મળતું હોય છે. પાન કાતરાદાર હોય છે. પુષ્પ સફેદ રંગનાં, જરાક સુગંધિત, ઉનાળામાં આવે છે. ફળ શિયાળામાં આવે છે. જે પાકે ત્યારે નારંગી લાલ રંગનાં, અંદરથી બે ખંડવાળા અને ખાવાલાયક હોય છે. ફળ ગોળાકાર, સ્વાદે જરા તૂરાં, મધુર, ધાતુશુદ્ધિકર અને મુખરોગનાશક છે. ફળો પાક્યાં પછી નાનાં (ઝીણાં) રુદ્રાક્ષ જેવાં દેખાય છે. તેનાં ફળનાં બિયાંને ‘ગંગેટી’ કહે છે. આ ગંગેટી અને તેના જ વર્ગની અન્ય ખપાટ (બલા), સહદેવી (મહાબલા) અને કાંસકી (ડાબલી) આ ચારના સમૂહને આયુર્વેદમાં ‘બલા ચતુષ્ટ્ય’ કહે છે.
ગંગેટી લઘુ, રુક્ષ; રસમાં તૂરી, મધુર; વિપાકે કટુ અને શીતવીર્ય છે. તે કફ-પિત્તદોષશામક, વ્રણશોધક, રોપક, રક્તસ્તંભક તથા રક્તપિત્તશામક છે. ગંગેટી વ્રણ – વિદ્રધિ (ભરનિંગળ), બદ, ગૂમડાં, પાઠું, ગરમીનાં ચાંદાં, તાવ, મૂત્રદોષ, વીર્યદોષ, અંડવૃદ્ધિ તથા વીંછીના ડંખની પીડા મટાડે છે.
(1) ગડ–ગૂમડાં, બદ–પાઠાં–ચાંદાં માટે : ગંગેટીનાં રાતાં કુમળાં પાન વાટીને તેની થેપલી ગડ-ગૂમડ, બદ-ગાંઠ ઉપર રોજ મૂકીને પાટો બાંધવો. ચાંદાં-જખમને ધોવા માટે ગંગેટીનાં પાકાં-જૂનાં પાનનો ઉકાળો કરી વાપરવો. જેથી તે જલદી રુઝાય છે. (2) તાવ : ગંગેટીનાં મૂળ અને સૂંઠનો ઉકાળો કરી દિનમાં બે વાર પીવાથી ઠંડી, કંપ અને દાહયુક્ત તાવ 2-3 દિનમાં નાશ પામે છે. (3) મૂત્રદોષ તથા વીર્ય–દોષ : ગંગેટીનાં પાન તથા ગોખરુનો ઉકાળો કરી, તેમાં દૂધ તથા ઘી તથા સાકર મેળવી રોજ બે વાર પીવાથી લાભ થાય છે. (4) અંડકોષ વધવાની પીડા : ગંગેટી તથા સૂંઠના ઉકાળામાં એરંડિયું તેલ 1-2 ચમચી મેળવી રોજ પીવાથી પીડા શમે છે. (5) વીંછીના ડંખની પીડા : ગંગેટીનું મૂળ પાણી સાથે ઘસીને ડંખ ઉપર ચોપડવાથી વીંછીનું ઝેર ઊતરી, પીડા શમે છે. (6) ઈજાથી થતા રક્તસ્રાવ ઉપર : ગંગેટીનાં પાનનો રસ રક્તસ્રાવ ઉપર રૂમાં લઈને લગાવવો તેમજ તે રસમાં સાકર મેળવી પાવાથી રક્તસ્રાવ મટે છે. (7) રક્તપિત્ત રોગથી (ઉપરથી કે નીચેથી) થતા રક્તસ્રાવમાં : ગંગેટીનાં પાનના 40 ગ્રામ રસમાં લીલી ધરો કે કોથમરીનો રસ 40 ગ્રામ તથા સાકર 10 ગ્રામ મેળવી રોજ સવાર-સાંજ પીવાથી, દરેક જાતનો રક્તસ્રાવ મટે છે.
બળદેવપ્રસાદ પનારા