ગંગાસાગર : કૉલકાતાથી 96.54 કિમી. દૂર આવેલો મુખત્રિકોણ પ્રદેશ (delta). ભૌગોલિક સ્થાન : 21° 38’ ઉ. અ. અને 88° 95’ પૂ. રે.. તેનું ક્ષેત્રફળ 388.33 ચોકિમી. છે. તેના પર ગાઢાં જંગલો આવેલાં છે. લોકોક્તિ પ્રમાણે પવિત્ર ગંગાનો આ સ્થળે સાગર સાથે સંગમ થાય છે તેથી આ સ્થળ ગંગાસાગર તરીકે ઓળખાય છે. અહીં મહર્ષિ કપિલના કોપથી બળી ગયેલા સગર રાજાના સાઠ હજાર પુત્રોનો ભગીરથે ગંગાનું અવતરણ કરાવીને ઉદ્ધાર કર્યો હતો. માટે આ સ્થળમાં ગંગાસ્નાનનું માહાત્મ્ય અનન્ય છે. મકરસંક્રાંતિ ઉપર અહીં મોટો મેળો ભરાય છે. તેમાં સમગ્ર દેશમાંથી યાત્રીઓ આવે છે. અહીં કપિલ મુનિની અને ભગીરથ રાજાની પ્રાચીન મૂર્તિઓ છે. જોકે ટાપુનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો રહે છે. આથી આ મંદિરની મૂર્તિઓ કોલકાતામાં રાખવામાં આવે છે, પણ મેળાના સમયે કોલકાતાથી લાવીને અહીં તેની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ જ રીતે કાર્તિકી પૂર્ણિમાએ પણ અસંખ્ય શ્રદ્ધાળુ યાત્રિકો ગંગાસ્નાન માટે આવે છે. અહીં આવતા યાત્રિકો મુંડન કરાવીને, સ્નાન કરીને પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરે છે. અત્યારે ગંગા આ સ્થાનથી ઘણે દૂર સાગરને મળે છે. છતાં પ્રાચીન તીર્થ તરીકે ગંગાસાગર તીર્થનો અપાર મહિમા છે.
ગિરીશ ભટ્ટ