ખ્યાતિ : ખ્યાતિ એટલે જ્ઞાન. તેના પ્રસિદ્ધિ, પ્રશંસા, કથન, અભિવ્યક્તિ આદિ અન્ય અર્થો છે. તેમાંના પ્રશંસા આદિ અર્થો વ્યવહારમાં પ્રસિદ્ધ છે. દર્શનોમાં ખ્યાતિ શબ્દ જ્ઞાનના અર્થમાં પ્રસિદ્ધ છે. દર્શનોમાં આ શબ્દની જે વિવિધ અર્થચ્છાયાઓ છે તેમાં સૂક્ષ્મ તર્ક દ્વારા વિવિધ પાસાંઓનું દર્શન સૂચવાયું છે.
દર્શનોમાં મુખ્યત્વે પાંચ પ્રકારની ખ્યાતિઓ ગણાવી છે : (1) આત્મખ્યાતિ જે વિજ્ઞાનવાદી બૌદ્ધો(યોગાચારો)નો મત છે; (2) અસત્ખ્યાતિ જે શૂન્યવાદી (માધ્યમિક) બૌદ્ધોનો મત છે; (3) અખ્યાતિ જે મીમાંસકોનો મત છે; (4) અન્યથા ખ્યાતિ જે નૈયાયિકોનો મત છે અને (5) અનિર્વચનીય ખ્યાતિ, જે માયાવાદી વેદાન્તીઓનો મત છે. ઉપરાન્ત યોગદર્શન વિવેકખ્યાતિ માને છે અને રામાનુજવાદીઓ સત્ખ્યાતિ માને છે.
આત્મખ્યાતિ : આત્માની અર્થાત્ બુદ્ધિની ખ્યાતિ, બુદ્ધિનો વિષય રૂપે પ્રતિભાસ. ‘આ રજત છે’ એ પ્રકારની બુદ્ધિ જ રજતરૂપ વિષયના રૂપમાં ભાસે છે. ભાસવામાં અન્ય કોઈ વિષયની અપેક્ષા હોતી નથી. ‘આ ઘટ છે’ વગેરે જ્ઞાનોમાં સર્વત્ર બુદ્ધિ જ વિષયના આકારે ભાસે છે તેથી ‘આ રજત છે’ એ જ્ઞાનમાં પણ બુદ્ધિ જ રજતાકારે ભાસે છે એમ સમજાય. વિજ્ઞાનવાદી બૌદ્ધો આત્મખ્યાતિને આ રીતે સમજાવે છે – સંદેહાસ્પદ રજત ચક્ષુરિન્દ્રિયના સંપ્રયોગ વિના ભાસ્યું છે અને બુદ્ધિ રૂપે છે તેથી તે બુદ્ધિસમ્મત છે. પ્રત્યક્ષ જ્ઞાન માટે જરૂરી એવા ઇન્દ્રિય અને વિષયના સંયોગની અપેક્ષા તેમણે ટાળી.
અસત્ખ્યાતિ : એટલે જે અસત્ છે, જેનો અભાવ છે એવા રજતની પ્રતીતિ. આ શૂન્યવાદી (માધ્યમિક) બૌદ્ધોનો મત છે. વેદાન્તી વાચસ્પતિમિશ્ર પણ અસત્ખ્યાતિ માને છે; જેમ કે, શુક્તિમાં ‘આ રજત છે’ એવું જે ભાન થાય છે તેમાં શુક્તિ અને રજતનો ખોટો સમવાય સંબંધ માની લેવાથી અસત્ રજતની પ્રતીતિ થાય છે.
અખ્યાતિ : ખ્યાતિ નહિ તે. અર્થાત્ અપ્રતીતિ તે અખ્યાતિ એમ મીમાંસકો માને છે. શુક્તિમાં જે ‘આ રજત છે’ એવું ભાન થાય છે તેમાં ‘इदम् – આ’ એટલા અંશની જ પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે. ‘રજત’ એ અંશ પ્રત્યક્ષ પ્રતીતિનો વિષય થતો નથી; કેમ કે તેની સાથે ચક્ષુનો સંબંધ થતો નથી. આ રજત છે એ જ્ઞાન અન્ય સ્થળે અને સમયે જોયેલા રજતની સ્મૃતિ માત્ર છે.
અન્યથા ખ્યાતિ : અન્ય પદાર્થની અન્ય રૂપે પ્રતીતિ થવી તે. અન્ય સ્થળ અને સમયમાં રહેલા રજતનો દોષોપહત ચક્ષુરિન્દ્રિય સાથે સંપ્રયોગ થવાથી અહીં શુક્તિમાં તેનું ગ્રહણ થાય છે. જેનો અનુભવ ન થયો હોય તેનું ગ્રહણ ન થાય એમ કહી શકાતું નથી. શુક્તિમાં રજતનું ભાન થવામાં સાર્દશ્ય વગેરે ધર્મો નિયામક હોવાથી એવું ભાન થાય છે. તેનો તર્ક આમ છે – વિવાદાધીન શુક્તિ રજતજ્ઞાનનો વિષય છે, કેમ કે જેમ સાચા રજતના વિષયમાં બને છે તેમ રજત-ઉપાય (રજતની ખાણ) વગેરે કરતાં અન્ય હોવા છતાં તે રજતાર્થીની પ્રવૃત્તિનો વિષય બને છે : રજત એ રજતાર્થીની પ્રવૃત્તિનો વિષય છે પણ તેને રજત વિષેનું યથાર્થ જ્ઞાન ન હોવાથી નિયમના ઉલ્લંઘનનો દોષ આવે છે.
અનિર્વચનીય ખ્યાતિ : વસ્તુની સત્ રૂપે (ભાવ કે અસ્તિત્વ રૂપે) અથવા અસત્ (અભાવ) રૂપે સ્પષ્ટપણે ન કહી શકાય એવી પ્રતીતિ. જેમ કે શુક્તિમાં રજતની પ્રતીતિ. અહીં શુક્તિમાં થતી રજતની પ્રતીતિમાં રજતનો અભાવ છે (न सत्). છતાં અહીં ભ્રાન્તિ સંભવતી નથી કે ભ્રાન્તિનો બાધ સંભવતો નથી. રજત નથી એમ કહી શકાતું નથી કે રજત છે એમ પણ કહી શકાતું નથી. બાધ કરવામાં તેનો પ્રતિયોગી જોઈએ પણ અહીં असत् પ્રતિયોગી થઈ શકતું નથી. શુક્તિના અજ્ઞાનના પરિણામે સત્ કે અસત્ બેમાંથી એકેય નિશ્ચિત ન કહી શકાય એવું અપૂર્વ રજત અહીં ઉત્પન્ન થાય છે અને તે જ શુક્તિને સ્થળે રજતજ્ઞાનનો વિષય બને છે. જગત્પ્રપંચ પણ અનાદિ અવિદ્યાના પરિણામરૂપ છે તેથી તે અનિર્વચનીય છે.
વિવેકખ્યાતિ : યોગદર્શનમાં તેનો ઉલ્લેખ છે. સત્વ, રજસ્, તમસ્ એ ગુણો અને પુરુષ (શરીરધારી જીવ) એમનો વિવેકપૂર્વક ભેદ કરવો તે વિવેકખ્યાતિ. રજસ્-તમસ્ના મલથી પ્રતિહત ન થયેલી બુદ્ધિ અન્તર્મુખ થઈ ચિચ્છાયા(સૂક્ષ્મતમ મનની ભૂમિ)માં સંક્રાન્ત થાય તે વિવેકખ્યાતિ એમ ભોજરાજે તેમના યોગસૂત્ર 2-26ના ભાષ્યમાં કહ્યું છે.
સત્ખ્યાતિ : રામાનુજ સત્ખ્યાતિ માને છે. સત્ખ્યાતિ એટલે જ્ઞાનનો વિષય (પદાર્થ) સત્ય હોવો તે. શુક્તિમાં રજતનું સત્વ (અસ્તિત્વ) છે; તેથી તેનું ભાન થાય છે. તો પછી એને ભ્રમ કઈ રીતે કહી શકાય ? એનો ઉત્તર છે – વ્યવહારનો બાધ થવાથી ભ્રમ થાય છે. શુક્તિનો રજત તરીકે ઉપયોગ કરી શકાતો નથી તે વ્યવહારબાધ કહેવાય. પંચીકરણની પ્રક્રિયા અનુસાર પૃથ્વી વગેરે ભૂતોમાં સર્વત્ર પાંચેય ભૂતોના અંશો છે, તેથી શુક્તિમાં રજતનો અંશ છે. તેથી શુક્તિમાં રજતનું ભાન પણ સત્ છે. પણ શુક્તિમાં રજતનો અંશ અત્યલ્પ હોવાથી તેમાં રજત્વનો વ્યવહાર થઈ શકતો નથી, માટે તે ભ્રમ કહેવાય છે.
દ્વૈતવાદી મધ્વાચાર્યના મતે ‘શુક્તિમાં પ્રતીત રજત અસત જ હતું છતાં તેમ ભાસ્યું’ એ રીતે રજત નથી એવું જાણ્યા પછીના કાલે તેના અસત્વનો અનુભવ થાય છે. જે અસત્ હોય તેનો ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ (ઇન્દ્રિય અને વિષયનો સંબંધ) થતો નથી પણ શુક્તિના સંબંધમાં રહેલા ચક્ષુરિન્દ્રિય દોષને કારણે અત્યન્ત અસત્ રજતના રૂપે શુક્તિનો સન્નિકર્ષ કરે છે.
નટવરલાલ યાજ્ઞિક