ખોસા કે. (જ. 1 ફેબ્રુઆરી 1940, ભારત) : હિમાલયનાં નિસર્ગર્દશ્યો આલેખવા માટે જાણીતા આધુનિક ભારતીય ચિત્રકાર. તેમનાં ચિત્રોમાં હિમાલયની કાળમીંઢ શિલાઓ અને ખળખળ વહેતાં ઝરણાં વારંવાર નજરે પડે છે.
1972થી 1982 સુધી તેમને ભારતની કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑવ્ કલ્ચરની સિનિયર ફૅલોશિપ પ્રાપ્ત થઈ હતી. તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો મુંબઈ, દિલ્હી, લખનૌ, કૉલકાતા, વૉશિગ્ટન ડી.સી., ટોકિયો, ઢાકા, બૅંગાલુરુ, હૉંગકૉંગ, દુબઈ, બુડાપેસ્ટ, શ્રીનગર, લંડન, સેઉલ, પૅરિસ વગેરે શહેરોમાં યોજાયાં છે. 1981માં દિલ્હીની કેન્દ્રીય લલિતકલા અકાદમીનો રાષ્ટ્રીય ઍવૉર્ડ તેમને મળ્યો હતો. દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ તથા ઇંદિરા ગાંધી નૅશનલ સૅન્ટર ફૉર આટર્સમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે પ્રદર્શિત છે. હાલમાં તેઓ દિલ્હીમાં રહી કલાસર્જન કરે છે.
અમિતાભ મડિયા