ખોખો : મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં અત્યંત પ્રચલિત જૂની રાષ્ટ્રીય રમત. ચપળતા અને ઝડપી દોડ પર રચાયેલી આ પીછો પકડવાની (chasing) રમત આરોગ્ય અને સહનશક્તિવર્ધક તથા બિનખર્ચાળ હોવા ઉપરાંત ઓછી જગામાં રમી શકાય તેવી છે.
ખોખોનું મેદાન 34 મીટર લાંબું અને 16 મીટર પહોળું હોય છે અને તેમાં બંને છેડે અંતરેખાથી 4.80 મીટર અંદર આડી રેખા (ખૂંટ રેખા) દોરી તેની મધ્યમાં 30થી 40 સેમી. ઘેરાવાનો લાકડાનો ખૂંટ જમીનની બહાર 1.20 મીટર રહે તે પ્રમાણે દાટવામાં આવે છે; તથા બંને ખૂંટને 30 સેમી. પહોળા પાટા (મધ્ય પાટા) દોરી જોડવામાં આવે છે; તેમજ આ મધ્ય પાટાને સરખા અંતરે છેદીને આરપાર પસાર થાય તેવા દરેક 30 સેમી. પહોળા એવા આઠ પાટા બંને બાજુ રેખાને જોડતા દોરવામાં આવે છે.
ખોખોની રમત બે પક્ષો વચ્ચે રમાય છે અને દરેક પક્ષમાં નવ ખેલાડીઓ હોય છે. સિક્કા-ઉછાળથી દાવ આપનાર અને દાવ લેનાર પક્ષ નક્કી થાય એટલે દાવ આપનાર પક્ષના આઠ ખેલાડી આડા અને મધ્ય પાટાના છેદથી થતા આઠ ચોરસ પર ઊલટાસૂલટી દિશામાં મોં રાખી બેસે છે અને એક ખેલાડી પકડનાર તરીકે ખૂંટ પાસે ઊભો રહે છે. દાવ લેનાર પક્ષના ખેલાડીઓ પૈકી પ્રથમ ત્રણ ખેલાડીઓ મેદાનમાં ગમે ત્યાં ઊભા રહે છે. રમત શરૂ થતાં ખૂંટ પરનો પકડનાર ખેલાડી આ ત્રણ દાવ લેનાર પૈકી કોઈને પકડવા માટે પીછો કરે છે. દાવ લેનાર ખેલાડી મેદાનમાં ગમે ત્યાં દોડી શકે છે, જ્યારે પકડનાર ખેલાડી એક ખૂંટથી બીજા ખૂંટ તરફ જાય છે. પકડનાર ખેલાડી ખૂંટરેખા છોડ્યા પછી અધવચ્ચેથી પાછો ફરી શકતો નથી કે મોં ઘુમાવી (સ્કંધરેખા કાટખૂણથી વધારે ફરે તે) શકતો નથી અને એ દાવ લેનારને અડકે અથવા દાવ લેનાર મેદાનની હદ બહાર જાય તો તે આઉટ ગણાય છે. પકડનાર ખેલાડી ખૂંટરેખા અને અંતરેખા વચ્ચેના પ્રદેશ(ચોક)માં ગમે તેમ આગળ કે પાછળ દોડી શકે છે. દાવ લેનાર ખેલાડીઓ બેઠેલા ખેલાડીઓના પાટા વચ્ચેના ગાળામાંથી નીકળી સામેની બાજુએ જઈ શકે પરંતુ પકડનાર ખેલાડી તેમ કરી શકે નહિ. પકડનાર ખેલાડી બેઠેલા ખેલાડીની પીઠ પાછળ આવી ‘ખો’ બોલી સાચી રીતે ખો આપે એટલે તે બેઠેલો ખેલાડી તરત ઊભો થઈ પકડનાર બને છે અને ખો આપનાર ખેલાડી તેની જગાએ બેસી
જાય છે. પકડનાર પક્ષની ભૂલ થતાં નિર્ણાયક સિસોટી વગાડી ભૂલ સુધરાવીને રમત આગળ ચાલુ કરાવે છે. દાવ લેનાર પક્ષના ત્રણ ખેલાડી આઉટ થતાં બીજા ત્રણ ખેલાડી તરત જ મેદાનમાં આવે છે; અને એમ રમત ચાલુ રહે છે. આ રમતમાં દરેક દાવ સાત મિનિટની સમયમર્યાદાનો હોય છે અને તે દરમિયાન દાવ લેનાર પક્ષ પોતાના પક્ષના ક્રમસર ત્રણ ત્રણ ખેલાડીઓને મેદાનમાં રમવા મોકલે છે. બધા આઉટ થઈ જાય તો પકડનાર ખેલાડીને ગુણ મળે છે અને સમય બાકી રહે તો દાવ લેનાર પક્ષના ખેલાડીઓ ક્રમ મુજબ ફરી મેદાનમાં ત્રણ ત્રણના જૂથમાં રમવા આવે છે. આમ સમય પૂરો થાય ત્યાં સુધી રમત ચાલુ રહે છે. એક દાવ દરમિયાન દાવ આપનાર પક્ષે જેટલા દાવ લેનારને આઉટ કર્યા હોય તે દરેક દીઠ 10 ગુણ દાવ આપનાર પક્ષને મળે છે.
દરેક પક્ષ બબ્બે દાવ રમે છે અને બે દાવ વચ્ચે પાંચ મિનિટ વિશ્રાંતિ હોય છે. રમતને અંતે સૌથી વધુ ગુણ મેળવનાર પક્ષ વિજયી ગણાય છે.
ખોખોની રમત વિવિધ કૌશલ્યોથી ભરપૂર છે. પકડનાર માટે : સીધા ઊઠવું, ખૂંટમાં હાથ, જજમેન્ટ ખો, ધક્કા ખો, વૉલી, ટેપ, ડાઇવ વગેરે તેમજ દાવ લેનાર માટે : સિંગલ ચેઇન, ડબલ ચેઇન, પલટીઓ, ગોળ રમત, પગ ઘસડવો વગેરે પ્રચલિત કૌશલ્યો છે. વડોદરાની રમત-સંસ્થાઓએ આ રમત માટે ઉચ્ચ કક્ષાના ખેલાડીઓ આપ્યા છે. અચલા દેવળેએ 1973માં તથા ભાવના પરીખ તથા સુધીર પરબે 1974માં અર્જુન ઍવૉર્ડ જીતી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ખોખો ફેડરેશન ઑવ્ ઇન્ડિયા દર વર્ષે ખોખોની રમતમાં ઉચ્ચ સિદ્ધિ દાખવનાર ખેલાડીને એકલવ્ય ઍવૉર્ડ અર્પણ કરે છે. વડોદરાના સુધીર પરબે 1965 તથા 1968માં તથા પ્રકાશ શેઠે 1972માં આ ઍવૉર્ડ જીત્યા હતા.
ચિનુભાઈ શાહ