ખૈરાબાદી, ફઝલેહક (મૌલાના) (જ. 1797, ખૈરાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 19 ઑગસ્ટ 1861, આંદામાન) : અરબી, ફારસી ભાષાના શાયર અને સ્વાતંત્ર્યપ્રિય ઉલેમા. તેમના પિતાનું નામ ફઝલ ઇમામ હતું. તેમણે આરંભિક શિક્ષણ પિતા પાસેથી મેળવ્યું. તે પછી ‘હદીસ’નું શિક્ષણ કુરાને શરીફના અનુવાદક જનાબ શાહ અબ્દુલ કાદિર પાસેથી મેળવી, લગભગ 14 વર્ષની ઉંમરે મદરેસામાં પાઠ આપતા હતા. તેઓ દેખાવડા હતા તથા સ્વચ્છતા અને સૌંદર્યના ઉપાસક હતા. તેઓ ‘ફુરકત’ તખલ્લુસથી શાયરી કરતા હતા. તેમને દિલ્હીના મુઘલ બાદશાહ અને શાહજાદા સાથે અંગત સંબંધ હતો. ગાલિબ, મોમિન, શાહનુસેર, ઝૌક, આગા જાન ઐશ જેવા કવિઓ તથા ઇમામબખ્શ, અલ્લામા અબ્દુલ્લાખાં અલ્વી જેવા ઉલેમાઓ ફઝલેહકના મિત્રો હતા. તે સમયના જાણીતા વિદ્વાનો, ઉલેમાઓ અને સાહિત્યકારો સાથે તેમને ઘનિષ્ઠ સંબંધો હતા. મિર્ઝા ગાલિબ સાથેના ઘનિષ્ઠ સંબંધને કારણે ખૈરાબાદી તથા બીજા મિત્રોના સૂચનથી પોતાના કાવ્યસંગ્રહમાંથી કેટલાક શેર કાઢી નાખવા ગાલિબ તૈયાર થયા હતા. ખૈરાબાદી ફારસી ઉપરાંત અરબી ભાષામાં પણ ગઝલો અને પ્રશસ્તિ-કાવ્યો રચતા હતા. દિલ્હીના અંગ્રેજ રેસિડન્ટની કચેરીમાં શિરસ્તેદારના હોદ્દા પર તેઓ કામ કરતા હતા; પરંતુ અંગ્રેજો દ્વારા પોતાની માનહાનિ સહન ન થવાથી તે છોડી દઈને ઝજ્જર, ટોંક (રાજસ્થાન) અને રામપુરના નવાબોના દરબારમાં પણ ઉચ્ચ હોદ્દા ઉપર સેવાઓ આપી હતી. તેઓ અંગ્રેજ શાસનના વિરોધી હતા અને તેમની વિરુદ્ધમાં જેહાદ કરવાની તેમણે હાકલ કરી હતી. 1857ના વિપ્લવમાં તેમણે ખુલ્લેઆમ મુઘલ સલ્તનતની હિમાયત કરી હતી. તેથી તેમની સામે બગાવતના ગુના માટે મુકદ્દમો દાખલ કરી કાર્યવહી કરવામાં આવી હતી. મૌલાનાએ પોતાનો વકીલ ન રાખતાં જાતે બચાવ માટેની દલીલો કરી; પરંતુ એક ધર્મચુસ્ત મુસ્લિમ હોવાથી તેમણે એ હકીકતનો સ્વીકાર કર્યો કે અંગ્રેજોની વિરુદ્ધ પ્રગટ કરેલ ફતવો તેમણે લખ્યો હતો અને જેહાદની ઘોષણા કરી હતી. પરિણામે તેમને કાળાં પાણીની સજા ફરમાવવામાં આવી અને તે માટે તેમને આંદામાન મોકલવામાં આવ્યા હતા.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા