ખૈરપુર : પાકિસ્તાનના સિંધ પ્રાન્તનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન 27o 32´ ઉ. અ. અને 68o 46´ પૂ. રે. ભૂતકાળમાં તે ખૈરપુર રાજ્યની રાજધાની હતું. કરાંચી-લાહોર રેલવે ઉપર આવેલું તે કરાંચીથી ઈશાને 448 કિમી. દૂર છે. લાહોરકરાંચી ધોરી માર્ગ ખૈરપુર થઈને જાય છે. 1783માં તાલપુરના મીરે ખૈરપુર રાજ્યની સ્થાપના કરી હતી અને તેને રાજધાનીનું શહેર બનાવ્યું હતું. આ દેશી રાજ્ય પાકિસ્તાનમાં વિલીન થવાથી તેનું મહત્ત્વ ઘટયું છે. સિંધ પ્રાંતના મહત્ત્વનાં શહેરોમાં તેની ગણના થાય છે. થરપારકરના રણનો પશ્ચિમ તરફનો થોડો ભાગ ખૈરપુર જિલ્લામાં આવેલ છે. કેટલાક ટીંબામાંથી સિંધુ સંસ્કૃતિના અવશેષો મળે છે. સિંધુની નહેરનો થોડો લાભ તેના પશ્ચિમ તરફના ભાગને મળે છે. તેની પૂર્વ સરહદે જેસલમેર અને મારવાડનો મરુપ્રદેશ આવેલો છે. ઘઉં, કપાસ, ખજૂર, તમાકુ વગેરેના વેપાર માટે ખૈરપુર શહેર જાણીતું છે. હાથસાળ કાપડ, ગાલીચા, પરચૂરણ હથિયારો તથા ઔષધિઓ બનાવવાનું પણ તે કેન્દ્ર છે. આ જિલ્લાની વસ્તી આશરે 1,93,000 (2025) જેટલી છે..
શિવપ્રસાદ રાજગોર