ખેરી (લખીમપુર ખેરી) : ઉત્તરપ્રદેશમાં આવેલો જિલ્લો તથા જિલ્લામથક. ભૌ. સ્થાન : તે 28o 10′ ઉ. અ. અને 80o 40′ પૂ. રે. 7,680 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે નેપાળની સીમા, પૂર્વ તરફ ઘાઘરા નદીથી અલગ પડતો બહરાઈચ જિલ્લો, દક્ષિણ તરફ સીતાપુર અને હરદોઈ જિલ્લા તથા પશ્ચિમ તરફ શાહજહાનપુર અને પીલીભીત જિલ્લા આવેલા છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનું મોટા ભાગનું ભૂપૃષ્ઠ કાંપના મેદાનથી બનેલું છે. સમતળ પ્રદેશ નદીઓથી છેદાયેલા છે. જિલ્લાના સમગ્ર ભાગનો ઢોળાવ વાયવ્યથી અગ્નિ તરફનો છે તથા તે છેક ઉત્તર ભાગમાં સમુદ્રસપાટીથી 182 મીટર અને અગ્નિભાગમાં 114 મીટરની ઊંચાઈ ધરાવે છે. નદીઓને કારણે જિલ્લાના ચાર વિભાગો પાડી શકાય છે : નૈર્ઋત્યમાં આવેલો ગોમતી આરપારનો પ્રદેશ. પશ્ચિમમાં ધાકનાં જંગલો અને ઘાસનો પ્રદેશ. મધ્યમાં ફળદ્રૂપ ગોરાડુ જમીનનો પટ્ટો તથા પૂર્વમાં ગોમતીની ધારે ધારે આવેલા રેતાળ ભૂમિ. સાલ, અસના, હલ્દુ, ફલ્દુ, અસિધ, તેન્દુ, મહુડો, સીમડો, સીસમ, લીમડો, અમલતાસ, આમલી અને સાગ અહીંનાં મુખ્ય વૃક્ષો છે. ભૂસ્તરીય ર્દષ્ટિએ જોતાં, ઉત્તર તરફ તરાઈનો, જ્યારે દક્ષિણ તરફ કાંપનો પ્રદેશ છે. તરાઈ પ્રદેશની ભૂમિ નદીજન્ય કાંપથી બનેલી છે. અહીં કુદરતી વનસ્પતિ, જંગલ અને ઊંચું ઘાસ જોવા મળે છે. દક્ષિણમાં નદીઓએ ઘસડી લાવેલા નિક્ષેપો પથરાયેલા છે.
જળપરિવાહ : શારદા, ગોમતી અને ઘાઘરા (અથવા કૌરિયાલા) અહીંની મુખ્ય નદીઓ છે. બીજી ઘણી નાની નદીઓ ગોમતી અને ઘાઘરાને મળે છે. રમિયન વિહાર અને માતેરા નજીક બે સરોવરો આવેલાં છે. અહીંની ખડકરચના ચૂનાખડકોથી બનેલી છે. ખડકોના ખવાણમાંથી સ્થળાંતરિત જમીનો બનેલી છે. ભેજવાળા અર્ધપહાડી વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં વનરાજી મળે છે; આથી વન્ય પશુપંખી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
જિલ્લાનું વાર્ષિક સરેરાશ તાપમાન 26o સે. અને વાર્ષિક સરેરાશ વરસાદ 110 મિમી. જેટલો પડે છે ઈશાનથી નૈર્ઋત્ય તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે.
ખેતી–પશુપાલન : જિલ્લાનો 95 % ભૌગોલિક વિસ્તાર ખેડાણને લાયક છે, તે પૈકી 25 % ને સિંચાઈની સુવિધા મળે છે. શેરડી, ડાંગર, તુવેર, બાજરી, મકાઈ અહીંના મહત્વના પાક છે. અડદ, મગ, મઠ, મસૂર, ઘઉં, ચણા, જવ, રાઈ, મગફળી, બટાટા, શણ અને મસાલાનું વાવેતર પણ થાય છે. કુદરતી તેમજ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. પાકને થતા રોગ નિવારવા જંતુનાશકો છંટાય છે.
ગાયો અને બળદ અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. તેમની સારી ઓલાદ પશુઉછેર-કેન્દ્રોમાં તૈયાર કરીને નજીકના જિલ્લાઓમાં મોકલવામાં આવે છે. ઘેટાં-બકરાં, ડુક્કર અને મરઘાં-બતકાં પણ પાળવામાં આવે છે પશુદવાખાનાં અને ચિકિત્સાલયોની સુવિધા વિકસાવવામાં આવેલી છે.
ગોમતી નદી પાસેનો રેતાળ ભૂમિપટ્ટો ચરાણ માટે આદર્શરૂપ છે. ત્યાંની સ્થાનિક ગાય-બળદની ઓલાદ ‘પરેહર’ તરીકે ઓળખાય છે. અહીં પશુસંવર્ધન-કેન્દ્રો વિકસાવવામાં આવેલાં છે.
ઉદ્યોગ–વેપાર : કંકર, ચૂનો અને ઈંટ-માટી અહીં સારા પ્રમાણમાં મળે છે. જિલ્લામાં નાના-મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. અહીં તેલમિલો, ખાંડની અને ડાંગર છડવાની મિલો; ખાંડસરી, ઇજનેરી અને ધાતુકામના એકમો; ખેતીનાં ઓજારો, મીણબત્તી, લોખંડનું રાચરચીલું, કાથો, હોઝિયરી તથા હાડકાંનો ભૂકો બનાવવાના એકમો આવેલા છે. ગામડાંઓમાં ચામડાના, તેલના અને ગોળ બનાવવાના ગૃહઉદ્યોગો ચાલે છે. અને તેનો વેપાર પણ થાય છે.
પરિવહન : જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગો, રાજ્ય ધોરી માર્ગોની સારી સગવડ છે. કુલ 1,000 કિમીના પાકા રસ્તા છે. જિલ્લામથક ખેરી અન્ય શહેરો તથા તાલુકામથકો સાથે રસ્તાઓથી સંકળાયેલું છે. જિલ્લામાંથી બ્રૉડગેજ રેલમાર્ગ તથા મીટરગેજ રેલમાર્ગ પસાર થાય છે.
પ્રવાસન : દૂધવા રાષ્ટ્રીય ઉદ્યાન, ગોલા અને ખૈરીગઢ અહીંનાં મહત્ત્વનાં પ્રવાસન-મથકો છે.
વાર-તહેવારે જિલ્લામાં જુદાં જુદાં સ્થળો પર મેળા ભરાય છે તથા ઉત્સવો ઊજવાય છે. ખેરીનું મેડક મંદિર જોવાલાયક છે.
વસ્તી : 2022 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 45,37,214 જેટલી હતી. જિલ્લામાં હિન્દુ અને મુસ્લિમ વસ્તી વિશેષ છે. હિન્દી, પંજાબી અને ઉર્દૂ ભાષાઓનો ઉપયોગ થાય છે. વસ્તીના 40% લોકો શિક્ષિત છે. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમસરનું છે.
નિયતિ મિસ્ત્રી
ગિરીશભાઈ પંડ્યા