ખેરાળુ : મહેસાણા જિલ્લાનો તાલુકો અને તે જ નામનું તાલુકામથક અને નગર. તાલુકાની પૂર્વ સરહદે સાબરમતી નદી અને સાબરકાંઠા જિલ્લો, ઉત્તરે બનાસકાંઠા, પશ્ચિમે સિદ્ધપુર અને વિસનગર તાલુકાઓ અને દક્ષિણે વિજાપુર તાલુકો આવેલા છે. તાલુકાનું ક્ષેત્રફળ 954.8 ચોકિમી. છે અને તેમાં વડનગર અને ખેરાળુ બે શહેરો અને 167 ગામડાં છે. તાલુકાનો ઉત્તર તરફનો ગઢવાડાનો વિસ્તાર ડુંગરાળ અને જંગલોથી આચ્છાદિત છે. આ તાલુકો સમુદ્રથી દૂર હોવાથી ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી પડે છે. વરસાદ 750 મિમી. પડે છે. બાજરી, જુવાર, ઘઉં, મગફળી, એરંડા, સરસવ, રાયડો વગેરે મુખ્ય પાક છે. જીરું તથા ઇસબગોળનું થોડા પ્રમાણમાં વાવેતર થાય છે. સિંચાઈ મુખ્યત્વે પાતાળકૂવા અને પાકા કૂવા દ્વારા થાય છે. ધરોઈનો સાબરમતી ઉપરનો બંધ આ તાલુકામાં છે પણ તેનો લાભ આ તાલુકાને ઓછો મળે છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ખેતીના પાક ઉપર આધારિત ઉદ્યોગો વડનગર અને ખેરાળુમાં છે. તાલુકાની વસ્તી 1,43,277 (2022).
ખેરાળુ નગર તારંગામહેસાણા રેલવે લાઇન અને 23o-54′ ઉ. અ. અને 72o-27′ પૂ. રે. ઉપર આવેલું છે, આઝાદી બાદ પાકા રસ્તાઓ દ્વારા સિદ્ધપુર, મહેસાણા, સતલાસણા, ઈડર, વિજાપુર વગેરે સાથે અને રેલવે દ્વારા વડનગર, વિસનગર અને મહેસાણા સાથે જોડાયેલું છે. શહેરની ઉત્તરે રૂપેણ નદી આવી છે. પ્રાચીન સૂર્યમંદિર તથા વલ્લભાચાર્યની અહીં બેઠક છે. વલ્લભાચાર્યે અહીં ભાગવત પારાયણ કરી જગન્નાથ જોશીને બાલકૃષ્ણની મૂર્તિ તથા પાદુકા આપેલ જે તેના વંશજો પાસે છે એવી અનુશ્રુતિ છે. અહીં દૂધઉત્પાદન કેન્દ્ર ઉપરાંત સાબુનું એક કારખાનું તથા તેલની મિલ અને ખેતીનાં ઓજારો બનાવવાનાં બે કારખાનાં છે. તે વેપારી કેન્દ્ર છે. ધરોઈ બંધ થયા બાદ શેરડીનું વાવેતર વધ્યું છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, પુસ્તકાલય તથા આટર્સ અને કૉમર્સ કૉલેજ છે. શહેરની વસ્તી આશરે 30,700 (2024) હતી.
શિવપ્રસાદ રાજગોર