ખૂન : જિંદગીને અસર કરતા ગુનામાં અંતિમ પ્રકારનો ગુનો. તેમાં ઇન્ડિયન પીનલ કોડ મુજબ ક. 299 ગુનાઇત મનુષ્ય-વધ (culpable homicide) અને ખૂન (murder) તથા ક. 300 મુજબ મૃત્યુ નિપજાવવાના ગુનાનો સમાવેશ થાય છે.
ઈ. પૂ. આશરે 880 વર્ષ પહેલાં મનુ ભગવાને ધર્મશાસ્ત્રની રચના કરી ત્યારે તેમાં પણ રાજાની ફરજોમાં ખૂનના ગુના માટે સજાનો સમાવેશ કરેલો હતો. મનુ ભગવાને હુમલો, ચોરી, લૂંટ, ખોટી સાક્ષી, બદનક્ષી, ગુનાઇત વિશ્વાસઘાત, છેતરપિંડી, વ્યભિચાર, બળાત્કાર અને ખૂનને ગુનાની કક્ષામાં ગણ્યા છે. કૌટિલ્યે સજાના પ્રકારમાં ફેરફાર કર્યો, પણ ખૂનને સજાપાત્ર ગુનો ગણવાનું ચાલુ રાખ્યું.
મુસલમાન રાજાઓની શાસનપદ્ધતિમાં મુસ્લિમ ફોજદારી કાયદો કુરાન ઉપર આધારિત હતો. ભારતની બે મુખ્ય કોમો હિંદુ અને મુસ્લિમોએ ફોજદારી કાયદાને ધર્મ ઉપરથી ઊતરી આવેલો ગણ્યો હતો. તેમના શાસનકાળમાં પંડિતો અને કાજીઓ દ્વારા ન્યાય થતો હતો.
મુંબઈ પ્રાંતમાં 1827માં ચૌદમો રેગ્યુલેશન ઍક્ટ પસાર થયો. તે આધારે ન્યાયવ્યવસ્થાની પુનર્રચના કરવામાં આવી અને ફોજદારી કાયદો અમલમાં આવ્યો. 1837માં ચાર્ટર ઍક્ટથી સમગ્ર બ્રિટિશ હિન્દ માટે એક જ વિધાનસભા કરવામાં આવી. લૉર્ડ મૅકૉલેના મત પ્રમાણે ‘ઍન ઇન્ક્રૉન્ગ્રુઅસ ઍન્ડ ઇન્ડાઇજેસ્ટેડ માસ’ જેવી કાયદાકીય પરિસ્થિતિમાંથી 1834માં પહેલું ભારતીય કાયદાપંચ રચાયું જેના પ્રમુખસ્થાને લૉર્ડ મૅકૉલે હતા. મૅક્લિઑડ; ઍન્ડરસન અને મિલેટ તેના સભ્યો હતા. ફોજદારી ધારાનો મુસદ્દો ઘડવાનું કાર્ય મુખ્યત્વે લૉર્ડ મૅકૉલેને શિરે જ આવ્યું હતું. ત્રણ વર્ષની જહેમત બાદ 1837માં 14મી ઑક્ટોબરના રોજ ભારતીય ફોજદારી ધારાનો મુસદ્દો ગવર્નર જનરલ ઇન કાઉન્સિલને સુપરત થયો. તે ઇંગ્લેન્ડના રાજા, ન્યાયાધીશો અને સલાહકારોના અભિપ્રાય માટે મુકાયો. 1860 સુધી આ મુસદ્દો એમ જ પડી રહ્યો અને છઠ્ઠી ઑક્ટોબર, 1862ના રોજ તેને અધિનિયમનું સ્વરૂપ અપાયું અને પહેલી ઑક્ટોબર, 1862ના રોજ હાલના કાયદા સ્વરૂપે સમગ્ર ભારત માટે તે અમલમાં આવ્યો.
લૉર્ડ મૅકૉલેએ પોતાના શબ્દોમાં આ કાયદાને આ રીતે મૂલવ્યો છે : ‘અમારા સિદ્ધાંત ફક્ત આ જ છે જ્યાં શક્ય હોય ત્યાં એકરૂપતા, જ્યાં અનિવાર્ય હોય ત્યાં વિવિધતા, પણ હમેશાં નિશ્ચિતતા.’
આમ, ખૂન અંગેની સજા અને તેની સાબિતી અને પ્રકારોમાં વિવિધ સજા અંગેની જોગવાઈ થઈ જે અદ્યાપિપર્યંત ચાલુ રહી છે. આઝાદ ભારતમાં પણ જરૂરી ફેરફારો સાથે આ કાયદો મૂળભૂત સ્વરૂપે ચાલુ રહ્યો છે.
ઘનશ્યામ પંડિત