ખૂજલી : ચામડીને ખંજવાળવી (scratching) પડે કે ઘસવી પડે તેવી ચામડીમાં ઉદભવતી સંવેદના વિશેની સભાનતા. તેને કારણે શરીરની સપાટી ઉપરના નકામા પદાર્થને દૂર કરવા ખંજવાળવાની પરાવર્તી (reflex) ક્રિયા થાય છે. ખર્જનિકા (pruritus) પણ એક પ્રકારની ખૂજલી (itching) છે જેમાં ખંજવાળની સંવેદના સૌપ્રથમ અને મુખ્ય તકલીફ હોય છે અને ચામડીનો કોઈ કારણભૂત વિકાર જોવા મળતો નથી. જ્યારે ચામડીની ખંજવાળ માટેની સહ્યતા ઘટી ગઈ હોય ત્યારે તેને ખૂજલીપ્રદ ચામડી (itchy skin) કહે છે. ખૂજલી કરતી ઉત્તેજના (stimulus) ચામડીના જે ભાગ પર હોય તેની આસપાસની ચામડી ખૂજલીપ્રદ ચામડી થાય છે અને આવી ખૂજલીપ્રદ ચામડીમાં મૂળ ખૂજલીકારી ઉત્તેજના શમી જાય તે પછી પણ ખંજવાળ આવે છે.
વિવિધ કારણોસર ખૂજલી થાય છે. ખંજવાળવાથી ક્યારેક ચામડીને ઈજા પહોંચે છે અને તેથી ખૂજલીની પ્રક્રિયા ક્યારેક સતત ચાલુ રહે છે તથા તેની તીવ્રતા પણ વધે છે. ખૂજલીની ઉત્તેજનાની તીવ્રતા અને ચેતાતંત્રની ક્રિયાશીલતા પર ખૂજલીનો અનુભવ આધારિત છે. તીવ્ર ખૂજલીના સમયે મગજનું સંપૂર્ણ ધ્યાન તેના તરફ જાય છે. તે એક વ્યક્તિગત અનુભવ છે અને તેથી માત્રા નિશ્ચિત કરવી અઘરી પડે છે. ખૂજલીની તીવ્રતા જાણવા દર્દીની ફરિયાદ, ચામડી પર ખંજવાળથી પડેલા નહોર (scratch marks), ચામડીના ઉપલા પડનું ઊખડી જવું, વાળ તૂટવા તથા નખની કિનારીની સ્થિતિનું અવલોકન કરાય છે.
ખૂજલીની ઉત્તેજનાને કારણે વિવિધ રસાયણો ઉત્પન્ન થાય છે અને તે ચામડીમાંના ચેતાતંતુઓના મુક્ત છેડાઓને ઉત્તેજિત કરે છે. આવાં રાસાયણિક માધ્યમો(chemomediators)માં હિસ્ટામિન મુખ્ય ગણાય છે. ચામડીમાં હિસ્ટામિન માટે H1 અને H2 સ્વીકારકો (receptors) આવેલા છે જેમાંથી H1 સ્વીકારકો ખૂજલીની સંવેદના સાથે સંકળાયેલા છે. અન્ય રસાયણોમાં પ્રોસ્ટાગ્લેન્ડિન તથા એન્ડોર્ફિન અને એનકેફેલિન જેવા અફીણજૂથ(opioids)નાં દ્રવ્યો છે. ખૂજલીની સંવેદના અને દુખાવા(pain)ની સંવેદના વચ્ચે શો સંબંધ છે તે અંગે નિષ્ણાતોમાં વિવિધ મત પ્રવર્તે છે. તાણ, ઉશ્કેરાટ, કંટાળો, હતાશા કે ચિંતાવાળી વ્યક્તિમાં ખૂજલીની સંવેદના વધુ તીવ્ર હોય છે. જેમને અગાઉ ચામડીનો રોગ થયો હોય તેમને પણ ખૂજલીની વધુ સંવેદના થાય છે.
ખંજવાળવાની ક્રિયા અથવા ખંજવાળ (scratching) એક પરાવર્તી ક્રિયા છે. ક્યારેક (20 % વ્યક્તિઓમાં) એક સ્થળે ખંજવાળવાથી બીજા સ્થળે ખૂજલીની સંવેદના થાય છે. તેને સંદર્ભ-ખૂજલી (referred itch) કહે છે. ખંજવાળવાની પ્રક્રિયાને કારણે ઉદભવતી સંવેદના ખૂજલીની સંવેદના સાથે મગજ તરફ જવા હરીફાઈ કરે છે. કરોડરજ્જુમાં આવેલા સંવેદનાના પ્રવેશદ્વાર પર વિવિધ સંવેદનાના પ્રવેશનું નિયમન થાય છે. આમ ખંજવાળવાની ક્રિયાથી ખૂજલીની સંવેદનાનો અનુભવ મંદ થાય છે.
ખૂજલી સ્થાનિક કે વ્યાપક હોય છે તથા તેનાં કારણો ચામડીના કે શરીરના અંદરના અવયવોના વિકારો અને રોગો હોય છે. (સારણી 1).
સારણી 1 : ખૂજલીનાં પ્રકારો અને કારણો
અ. | સ્થાનિક ખૂજલી | |
1. | માથાનો કેશપ્રદેશ (scalp) : ખરજવું, ન્યૂરોડર્મેટાઇટિસ,
સોરિયાસિસ. |
|
2. | આંખની પાંપણ : ઍલર્જી કરતાં દ્રવ્યો, સૌંદર્યપ્રસાધન,
નખનો વાર્નિશ. |
|
3. | નાક : ઍલર્જિક તાવ (hayfever), બાળકોનાં કૃમિ. | |
4. | આંગળીઓ : ખરજવું, ખસ, અન્ય જંતુજન્ય રોગ. | |
5. | પગ : સર્પશિરા(varicose veins)જન્ય ખરજવું, ચકતીવત્
(discoid) ખરજવું. |
|
આ. | વ્યાપક ખૂજલી | |
(ક) | બાહ્ય કારણો | |
1. | વાતાવરણજન્ય : સૂકી અને ઠંડી આબોહવા, મકાનમાં ઉત્પન્ન
કરાતી અતિશય ગરમી, ગરમ અને સૂકી હવા, અતિશય ભેજવાળી હવા, અતિશય પરસેવો. |
|
2. | કણિકાકૃત દ્રવ્યો (particulate matter) : વાળ, કાચના જાડા
તાંતણા, થોર(cactus)ના કાંટા, ઍલ્યુમિનાનો પાઉડર, ફાયબર ગ્લાસ. |
|
3. | કપડાં કે વાસણો ધોવાનો પદાર્થ (detergent). | |
4. | જંતુજન્ય : ખસ, જંતુઓના ડંખ. | |
5. | કૌટુંબિક કારણો – ખસ, પાલતુ પ્રાણીની ચામડી પરના
જંતુઓથી થતા રોગ. |
|
(ખ) | ચામડીના રોગો | |
1. | તીવ : ખસ, જૂ, જંતુડંખ, સંસર્ગજન્ય કે ઍલર્જિક ખરજવું,
શીળસ, અળાઈ, લાયકન પ્લેનસ, વિષજન્ય સ્ફોટ (rash) વગેરે. |
|
2. | મધ્યમ તીવ્રતા : સોરિયાસિસ, તૈલી ત્વચાનું ખરજવું, પિટિરિયાસિસ
રોઝિયા, સૂર્યદાહ, ચામડીનો ફૂગજન્ય રોગ, વગેરે. |
|
(ગ) | આંતરિક રોગો | |
1. | ચેપજન્ય રોગો : શીતળા, ઓરી, સૂત્રકૃમિ, બૃહત્કોષ્ઠી
(hydatid cyst) રોગ, શિષ્ટોસોમિયાસિસ, સ્થાનિક ફૂગજન્ય રોગ વગેરે. |
|
2. | ચયાપચયી (metabolic) રોગો : મધુપ્રમેહ, થાયરૉઇડ-
અલ્પતા(myxoedema), થાયરૉઇડ-અતિકાયતા (hyperthyroidism), અલ્પપરાગલગ્રંથિતા (hypoparathyroidism). |
|
3. | યકૃત(liver)ના રોગો : પિત્તનલિકાઓમાં અવરોધથી થતો કમળો. | |
4. | મૂત્રપિંડ(kidney)ના રોગો : દીર્ઘકાલી મૂત્રપિંડી નિષ્ફળતા. | |
5. | લોહીના રોગો : પાંડુતા (anaemia), બહુરુધિરકોષિતા
(polycythaemia), લિમ્ફેટિક લ્યુકિમિયા, હૉજકિનનો રોગ, માયકોસિસ ફંગોઇડિસ, માસ્ટ સેલ રોગ. |
|
6. | અંદરના અવયવોનું કૅન્સર. | |
7. | સ્વકોષઘ્ની પ્રતિરક્ષાલક્ષી (autoimmune) રોગો : સિસ્ટેમિક
લૂખસ એરિથેમેટોસસ. |
|
8. | ચેતાતંત્રીય વિકારો : ઉપદંશ(syphilis)નો ત્રીજો તબક્કો,
મલ્ટિપલ સ્કેરોસિસ, મગજની ગાંઠ. |
|
9. | મનોલક્ષી વિકારો : મનોવિકારી ચિંતા (anxiety), મનોવિકારી
ટેવકારી પુનરાવર્તિતા(obsessional neurosis). |
|
10. | સગર્ભાવસ્થા. | |
11. | ઍલર્જિક : શીળસ. | |
12 | દવાઓ : કોકેઇન, મૉર્ફિન, ક્લોરોક્વિન, બેનાડોના આલ્કેલૉઇડ,
નાયાસિનેમાઇડ, સિમેટિડિન વગેરે. |
ગુદાની આસપાસ આવી ખૂજલીનું મુખ્ય કારણ તે વિસ્તારના શોથજન્ય (inflammatory) કે ખરજવાકારી વિકારો છે; જેમ કે, ગુદામાર્ગના ચીરા (anal fissures) અથવા કૅન્સરની ગાંઠ. મધુપ્રમેહના દર્દીમાં ત્યાં ફૂગનો ચેપ લાગે છે.
સૂત્રકૃમિ(thread worm)ના દર્દીમાં પણ ગુદામાર્ગના છિદ્ર પાસે ખંજવાળ આવે છે. વધુ પડતી મેદસ્વિતા (obesity), વારંવાર થતા ઝાડા, ગુદામાર્ગના છેડાની વિષમ રચના કે અન્ય કારણસર જો તે ભાગ બરાબર સાફ ન થતો હોય તોપણ ખૂજલી થાય છે.
સ્ત્રીઓના ભગપ્રદેશ(vulva)ની ખૂજલીનાં અનેક કારણો હોય છે; જેમ કે, ચિંતિત (anxious) કે ખિન્ન (depressed) દર્દી; ખસ, જૂ, ફૂગનો ચેપ, સંસર્ગજન્ય ત્વચાશોથ (contact dermatitis), ચામડી તથા યોનિ કે મળ-મૂત્રમાર્ગના શોથકારી રોગો, સ્થાનિક કૅન્સર, મધુપ્રમેહ તથા ઋતુસ્રાવ બંધ થાય ત્યારે થતી અંત:સ્રાવી વિષમતાઓ વગેરે.
દમના હુમલા પહેલાં ચહેરાના નીચલા ભાગ અને ડોક પર ખૂજલી આવે છે. મધુપ્રમેહના દર્દીમાં વ્યાપક અથવા ગુદા કે ભગોષ્ઠની આસપાસ ખૂજલી થાય છે. ગલગ્રંથિ(thyroid gland)ની અલ્પતાથી મિક્સિડિમા નામનો રોગ થાય છે તેમાં ચામડી પર સૂકી ફોતરીઓ વળે છે અને ખૂજલી આવે છે. સગર્ભાવસ્થાના ત્રીજા અને છેલ્લા ત્રિમાસિક-પર્વ(trimester)માં ક્યારેક ખૂજલી આવે છે જે શિશુજન્મ સાથે મટે છે. અવરોધજન્ય કમળો થાય ત્યારે પિત્તક્ષારોનો ભરાવો થાય છે. તેને કારણે ખૂજલી થાય છે. મૂત્રપિંડની નિષ્ફળતા તથા તેની સારવારમાં કરાતા પારગલન(dialysis)થી ખૂજલી થાય છે.
ખૂજલીની તીવ્રતા, પ્રકાર, ઉદભવનો સમય, તેનો વારંવાર થવાનો દર, વાતાવરણના તાપમાનની અસર, શરીર પરનું સ્થાન, ઋતુ પ્રમાણે તીવ્રતામાં ફેરફાર, ખંજવાળવાની અસરો, તેની તરફનો માનસિક પ્રતિભાવ, તબીબ દ્વારા કરાતી નિદાનલક્ષી તપાસ, જરૂરી પ્રયોગશાળાકીય નિદાન કસોટીઓ અને એક્સ-રે-ચિત્રણ કરવાથી ખૂજલીના કારણનું નિદાન કરાય છે. જરૂર પડ્યે ચામડીમાં ખોતરણ કરીને તેનું જીવપેશીપરીક્ષણ (biopsy) કરાય છે.
સારવાર : ખૂજલી કરતા મૂળવિકારની સારવાર કરાય છે.; જેમ કે, મધુપ્રમેહના રોગને નિયંત્રણમાં લેવો, મિક્સિડિમાના રોગમાં થાયરૉક્સિનની દવા આપવી તથા અવરોધજન્ય કમળાના દર્દીમાં કોલિસ્ટીરેમાઇનનો ઔષધીય ઉપયોગ કરવો. ખૂજલીપ્રેરક પરિબળો જેવાં કે ખરબચડાં કપડાં, વધુ પડતી ગરમી તથા ચામડીમાંની નસો પહોળી કરતાં દ્રવ્યો, જેવાં કે દારૂ તથા ગરમ પીણાંથી દૂર રહેવાનું સૂચવાય છે. ચામડી પર પાઉડર છાંટવાથી, ટૂંકા નખ રાખવાથી અને હાથમોજાં પહેરવાથી ખંજવાળવાથી થતી ઈજા ઘટાડી શકાય છે. તેવી જ રીતે ખૂજલી આવતી હોય તે ભાગને પાટાથી ઢાંકી શકાય છે. ખૂજલી આવતી હોય તે ચામડી પર કેલેમાઇન લોશન કે મેન્થોલ જેવા શામકો (soothing agents) ચોપડાય છે. હિસ્ટામિનિરોધકો તથા બેન્ઝોડેઇન અને એમિથોકેઈન જેવાં ચામડી બહેરી કરતાં ઔષધો ચામડીની સંવેદનશીલતા વધારે છે અને તેથી તેમને ચામડી પર ચોપડીને ખૂજલી શમાવવા માટે વપરાતાં નથી. કૉર્ટિકોસ્ટિરોઇડનો મલમ ઉપયોગી હોય છે. સૂકી ચામડીની સાચવણી માટે સાબુના ઉપયોગનો નિષેધ તથા અસરગ્રસ્ત ભાગ પર ઇંમલ્ઝિફાઇંગ બાથ અને ચીકાશગ્રાહી પદાર્થો (emollients) વપરાય છે. ક્રોટામિટોનનો મલમ ખસ તથા ખૂજલી સામે ઉપયોગી છે. ચેપ લાગ્યો હોય તો ઍન્ટિબાયૉટિકનો ઉપયોગ કરાય છે. વિવિધ પ્રકારની હિસ્ટામિનરોધક દવાઓ તથા જરૂર પડ્યે કૉર્ટિકોસ્ટિરોઇડનો મુખમાર્ગી કે ઇન્જેક્શન દ્વારા ઉપયોગ કરાય છે. ક્યારેક જ H2 સ્વીકારક-રોધકો (દા.ત. સિમેટિડિન) ઉપયોગી નીવડે છે.
દીપા ભટ્ટ
શિલીન નં. શુક્લ