ખુરાસાની (અબૂ મુસ્લિમ) (જ ?; અ. 755) : પૂર્વ ઈરાનના ખુરાસાન પ્રાંતમાં અબ્બાસીઓની રાજકીય ક્રાંતિની ચળવળના આગેવાન સેનાની. તે વંશે ઈરાની અને પંથે શિયા હતા. ઇમામ ઇબ્રાહીમ બિન મુહમ્મદે ઈ. સ. 746માં તેમને અબ્બાસીઓના શાસનપ્રાપ્તિ આંદોલનના સૂત્રધાર બનાવી ખુરાસાન પ્રાંતમાં મોકલ્યા હતા. તેમણે ઈ. સ. 747માં મર્વ શહેર પર કબજો કરી લીધો તેની સાથે ઉમય્યા વંશનો અંત આવ્યો. અબ્બાસી રાજવંશની સફળતા તેને લીધે બની. પ્રથમ અબ્બાસી ખલીફા અર-સફ્ફાહે અબૂ મુસ્લિમ ખુરાસાનીને દેશની આંતરિક બાબતોની સર્વોપરી સત્તા સોંપી હતી. તેમણે ઈ.સ. 751માં બુખારામાં શિયા બળવાખોરોને સજા કરી હતી. તેમની સત્તા વધી જતાં અબ્બાસી કુટુંબના લોકો તેમનાથી ડરવા લાગ્યા. ઈ. સ. 753માં અલ્ મનસૂર ખલીફા થયા ત્યારે પરિસ્થિતિ વધુ વીફરી. અલ્ મનસૂરે પ્રથમ તો પોતાના કાકા અબ્દુલ્લા બિન અલીની વિરુદ્ધમાં અબૂ મુસ્લિમ ખુરાસાની પાસેથી કામ કઢાવી લીધું અને પછી તેમને રાજદરબારમાં હાજર થવા બોલાવ્યા. અબૂ મુસ્લિમના હૃદયમાં શંકાકુશંકાઓ તો હતી; પરંતુ છેવટે તેમણે ખલીફાની આજ્ઞાનું પાલન કરવાનો નિર્ણય લીધો. પરિણામે ઈ. સ. 755માં છળકપટથી તેમની કતલ કરી દેવામાં આવી. મુસ્લિમ સામ્રાજ્યના પૂર્વના પ્રાંતોમાં અબૂ મુસ્લિમ ખુરાસાનીને લાંબા સમય સુધી યાદ કરવામાં આવતા. અલ્ મુકન્નઅની ચળવળથી જે રાજકીય અને ધાર્મિક અજંપાનો આરંભ થયો તે વર્ષો સુધી ચાલુ રહ્યો.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ