ખિન્નતારોધકો (antidepressants) : ખિન્નતા(depression)ની સારવારમાં વપરાતી દવાઓ. પ્રથમ તબક્કામાં વપરાશમાં આવેલી આ પ્રકારની દવાઓનાં બે મુખ્ય જૂથો છે – ટ્રાયસાઇક્લિક એન્ટિડિપ્રેસેન્ટ્સ (TCAs) અને મૉનોઍમાઇનો ઑક્સિડેઝ ઇન્હિબિટર્સ (MAOIs). TCAs હાલ પ્રમાણિત ખિન્નતારોધક દવાઓ તરીકે વપરાય છે જ્યારે MAOIs જૂથની દવાઓની અન્ય દવાઓ કે ખોરાકના પદાર્થો સાથેની આંતરક્રિયા(interaction)ને કારણે તેમનું સ્થાન બીજી હરોળમાં આવ્યું છે. જોકે કોઈ પણ દવા આદર્શ ખિન્નતારોધક નથી. તેમાં નીચેની એક કે વધુ આડઅસરો કે મર્યાદાઓ જોવા મળે છે. તેમની અસર 7થી 28 દિવસે શરૂ થાય, ઍન્ટિકોલિનર્જિક દ્રવ્યોની અસર ઉત્પન્ન થાય, ઘેન ચઢે, હૃદય પર ઝેરી અસર થાય, વજન વધે, ક્યારેક દ્વિધ્રુવી મનોવિકાર(bipolar disorders)વાળા દર્દીમાં ઉન્માદ(mania)ના વિકારનો હુમલો થાય.
કાર્યપ્રવિધિ : TACs ચેતાગ્રથન (synapse) પર કામ કરે છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં જ્યાં બે ચેતાકોષો એકબીજા સાથે જોડાય એવા ચેતાગ્રથનમાં તેઓ મૉનોઍમાઇનલક્ષી ચેતાવાહક (neuro- transmitter) પદાર્થોનું પ્રમાણ વધારે છે. આ માટે તે, ચેતાગ્રથનપૂર્વના ચેતાકોષો દ્વારા આ ચેતાવાહકોને પાછા લઈ લેવાની જે ક્રિયા થાય છે તેને અવરોધે છે તેથી નૉર-એપિનેફ્રિન, સિરોટોનિન અને ડોપામિન જેવા મૉનોઍમાઇનલક્ષી ચેતાવાહકોનું કાર્ય વધુ બળવત્તર બને છે. તેઓ આ પ્રકારના ચેતાવાહકોના સ્વીકારકો(receptors)નું નિયંત્રણ પણ ઘટાડે છે.
સારવારલક્ષી ઉપયોગિતા : તે મહત્તમ ખિન્નતાના માનસિક વિકારથી પીડાતા દર્દીઓમાં ખૂબ જ અસરકારક હોય છે, પરંતુ તેઓ વ્યક્તિના સામાન્ય વર્તનમાં બદલાતી મનોદશા પર કોઈ ખાસ પ્રભાવ પાડતા નથી. વળી તેઓ દુ:ખી માણસોને આનંદિત પણ કરતા નથી. તેઓ મંદ તીવ્રતાવાળી ખિન્નતા, સૌમ્ય મનોવિકારી (neurotic) ખિન્નતા તથા સંજોગોને કારણે ઉદભવતી ખિન્નતાને ઘટાડતા નથી. તેઓ સૌમ્ય મનોવિકારી ચિંતા(anxiety neurosis)ની સારવારમાં ઉપયોગી છે. TCAs અને MAOIs એમ બંને જૂથની દવાઓ ખુલ્લા સ્થાનની ભીતિ (agoraphobia) માત્રભીતિ (simple phobia) અને અતિશય ભયકારી (panic) વિકારોની સારવારમાં ખૂબ ઉપયોગી હોય છે.
સાવચેતીઓ : ઉપર્યુક્ત દવાઓના તબીબી ઉપયોગ સમયે કેટલીક સાવચેતીઓ રખાય છે : (1) તેઓ એવા દર્દીઓને અપાય છે કે જે કદાચ આપઘાત કરી બેસે, તેથી તેના પ્રિસ્ક્રિપ્શનમાં થોડા સમય માટે દવા લખી અપાય છે અને દર્દીનાં સગાંને આપઘાતના જોખમ અંગે સાવચેત કરાય છે. (2) તે અનિદ્રા(insomnia)ના દર્દીને ઊંઘ લાવતી નથી; પરંતુ જો ખિન્નતાને કારણે અનિદ્રા થઈ હોય તો તે મટે છે. (3) હૃદયની નસોના રોગો, પ્રોસ્ટેટગ્રંથિનું અતિવિકસન કે ઝામર હોય તો TCAs વાપરતી વખતે સાવચેતી રાખવી પડે છે. (4) આ દવાઓ ગ્વાનેથેડિન અને ક્લોનિડિન નામની લોહીના ઊંચા દબાણની સારવારમાં વપરાતી દવાઓની અસર ઘટાડે છે. (5) ફિનોથાયેઝાઇન જૂથની દવાઓ દારૂ તથા બાર્બિચ્યુરેટની સાથે આપવાથી તેમની ઍન્ટિકોલિનર્જિક આડઅસરો વધે છે.
મહત્વની આડઅસરો : ઍન્ટિકોલિનર્જિક આડઅસરો રૂપે મોઢું સૂકું થાય, ઊબકા અને ઊલટી થાય, કબજિયાત થાય, પેશાબમાં અટકાવ થાય તથા ઝાંખું દેખાય. આ ઉપરાંત તે હૃદય તથા રુધિરાભિસરણ પર અસર કરીને સૂવામાંથી બેસતાં કે ઊભા થતાં લોહીનું દબાણ ઘટી જવાનો વિકાર કરે, હૃદયના ધબકારાની ગતિ વધારે કે તેમને અનિયમિત કરે છે. અન્ય આડઅસરો રૂપે અવરોધજન્ય કમળો, ઘેન અને વધુ ઊંઘ આવવી, હાથની આંગળીઓનું ઝડપી પરંતુ સૂક્ષ્મ (fine) કંપન, અંધારાં આવવાં (dizziness), અસંતુલન (ataxia) તથા લોહીના શ્વેતકોષો ઘટવા વગેરે વિકારો પણ થાય છે.
કેટલીક સામાન્ય રીતે વપરાતી દવાઓ : એમિટ્રિપ્ટીલિન, નોરટ્રિપ્ટીલિન, ઇમિપ્રેમિન, ડેઝીપ્રેમિન, ડૉક્ઝેપિન વગેરે લાંબા સમયથી વપરાતી TCAs જૂથની દવાઓ છે. એમિટ્રિપ્ટીલિનથી ઘેન વધુ આવે છે. નોરટ્રિપ્ટીલિનની માત્રા અને અસર વચ્ચેનો સંબંધ વક્રરૈખિક (curvilinear) છે અને તેથી કેટલીક ચોક્કસ માત્રાએ તેની અસર જણાતી નથી. તેને વિન્ડો ઇફેક્ટ કહે છે. ઇમિપ્રેમિનથી ઉત્સાહ વધુ રહે છે. ડેઝીપ્રેમિનની બધી જ આડઅસરો ઓછી છે અને તેવી રીતે ડોક્ઝેપિન પણ હૃદય પર ઓછી આડ અસરો કરે છે.
હાલ ટ્રાઇમિપ્રેમિન, એમોક્ઝેપિન, અને ક્લોમિપ્રેમિન નવી ઉમેરાયેલી TCAs જૂથની દવાઓ છે. ટ્રાઇમિપ્રેમિનની એન્ટિકોલિનર્જિક અસરો ઓછી છે, એમોક્ઝેપિન ઝડપથી અસર કરતી (પ્રથમ 7 દિવસમાં) અને હૃદય પર ઓછી આડઅસર કરતી દવા છે. ક્લોમિપ્રેમિન ખિન્નતા તથા મનોવિકારી દાબજન્ય પુનરાવર્તિતા(obsersive compulsive disorder)ની સારવારમાં ઉપયોગી છે.
મહત્વનાં MAOIs ઔષધોમાં ફેનેલ્ઝિન, ટ્રાનિલેયપ્રેમિન તથા આઇસોકાર્બોક્ઝિડ છે. પનીર, રેડવાઇન, બિયર, રાંધેલું માંસ, ચૉકલેટ, યીસ્ટ, મરઘીનું કલેજું, મોટા વાલ, ડબ્બામાં પૅક કરેલાં અંજીર વગેરે સાથે તે આંતરક્રિયા કરે છે અને તેથી દર્દીને આ પ્રકારના ખોરાક ન લેવાનું સૂચવાય છે. કેટલીક ‘શરદી’ માટે વપરાતી દવાઓ, ભૂખ ઓછી લાગે એવી દવાઓ, મિથાઇલડોપા તથા લીવોડોપા સાથે આ પ્રકારની દવાઓ લેવાથી લોહીનું દબાણ જોખમી રીતે વધી જાય છે.
મિનાસેરિન અને મેપ્રોટિલિન નામની દવાઓ ટેટ્રાસાઇક્લિક ડેરિવેટિવ્સ ગણાય છે. તેમની ઍન્ટિકોલિનર્જિક આડ અસરો ભાગ્યે જ જોવા મળે છે. મિનાસેરિનની કોઈ ખરાબ અસર હૃદય પર થતી નથી; પરંતુ તેનાથી ઘેન ચઢે છે. મેપ્રોટિલિનથી લોહીના કોષો ઘટે છે અને ક્યારેક ખેંચ અથવા સંગ્રહણ (convulsions) આવે છે.
અન્ય જૂથની દવાઓ પણ ખિન્નતાના દર્દીમાં ઉપયોગી છે, જેમ કે ટ્રેઝોડૉન, આલ્પ્રેઝોલામ ફ્લ્યૂઓક્ઝેટિન તથા લિથિયમ. ટ્રેઝોડૉનથી ઍન્ટિકોલિનર્જિક આડઅસરો ઓછી છે; પરંતુ તેનું ખૂબ ઘેન રહે છે અને ક્યારેક પુરુષોની જનનેન્દ્રિય સતત મોટી રહે છે. તેને સતત શિશ્નોત્થાન (pripism) કહે છે. આલ્પ્રેઝોલામ બેન્ઝેડાયાઝેપિન જૂથની દવા છે અને તે મનોવિકારી ચિંતા અને ખિન્નતા બંને પર વપરાય છે. તે ઝડપથી અસર કરે છે અને તેથી ઍન્ટિકોલિનર્જિક આડ અસરો થતી નથી. તે ઘેન કરે છે અને તેનાથી થાકની લાગણી ઉદભવે છે. લિથિયમની ખિન્નતાવિરોધી અસર હોવા છતાં તેને ખિન્નતારોધક ઔષધ તરીકે ઓળખવામાં આવતું નથી. મૂત્રપિંડનો વિકાર હોય તો લિથિયમનું લોહીમાંનું પ્રમાણ ઝેરી રીતે વધી જાય છે. તે ક્યારે ગલગંડ (goitre), મૂત્રપિંડી ડાયાબિટીસ ઇન્સીપિડ્સ તથા લોહીના શ્વેતકોષોની સંખ્યાવૃદ્ધિ વધારે છે.
સંજીવ આનંદ
શિલીન નં. શુક્લ