ખાપરા બીટલ : ઘઉંની વાંતરી તરીકે જાણીતો ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના ડરમેસ્ટિડી કુળનો કીટક. ખાસ કરીને ઘઉંને નુકસાન કરવા ઉપરાંત આ કીટક જવ, ચોખા, જુવાર, મકાઈને પણ નુકસાન કરે છે. પુખ્ત કીટક 2.5 મિમી. જેટલો લાંબો અને લગભગ લંબગોળ આકારનો હોય છે. તે શરીરે ભૂખરા વાળ તેમજ આછા બદામી રંગના ડાઘા ધરાવે છે. માદા કરતાં નર નાનો અને રંગે ઘાટો હોય છે. આ કીટક ઇયળ અવસ્થામાં દાણાના અંકુર ખાઈને નુકસાન કરે છે. આ કીટકનાં ઈંડાં લંબગોળ આકારનાં હોય છે. તેનું 6થી 16 દિવસમાં સેવન થતાં નીકળેલ ઇયળ 50 દિવસ સુધી અનાજના દાણા ખાઈને ખૂબ નુકસાન કરે છે. કોશેટા અવસ્થા 6થી 17 દિવસની હોય છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં 4 વર્ષ સુધી કોશેટો સુપ્તાવસ્થામાં રહે છે. પુખ્ત કીટકનું આયુષ્ય 10થી 32 દિવસનું હોય છે. આ કીટકનો સામાન્ય રીતે કોઠારમાં છૂટા અનાજના ઉપલા થરમાં વધુ ઉપદ્રવ જોવા મળે છે. ગંભીર ઉપદ્રવ વખતે તે અનાજના આખા જથ્થાને નુકસાન કરતો જોવા મળેલ છે. તેનાથી અનાજની અંકુરણશક્તિ ઘટે છે. ઉપરાંત તેના વાળ અને શરીરના ભાગો અનાજમાં ભળવાના કારણે અનાજની ગુણવત્તા ઘટતી હોય છે.
પી. એ. ભલાણી
પરબતભાઈ ખી.બોરડ