ખાધપુરવણી : જાહેર આવક કરતાં જાહેર ખર્ચ વધારે હોય ત્યારે જાહેર ઋણ દ્વારા વધારાના ખર્ચને પહોંચી વળવા માટે અખત્યાર કરવામાં આવતી રાજકોષીય નીતિ. આ ખ્યાલ રાજકોષીય અર્થશાસ્ત્રની વિચારણામાં વિભિન્ન અર્થચ્છાયાઓ સાથે ઉપયોગમાં લેવાયો છે. સરકારની આવક કરતાં જાવક વધારે હોય અને તે સ્થિતિને પહોંચી વળવા સરકાર જે પગલાં લે તેને ખાધપુરવણી કહી શકાય; પરંતુ સરકારનું અંદાજપત્ર અને તેના હિસાબ મહેસૂલી ખાતું ને મૂડી-ખાતું – એમ બે વિભાગમાં વહેંચાયેલાં હોય છે. મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચનો મહેસૂલી ખાતામાં, જ્યારે મૂડીરૂપ આવક અને મૂડીરૂપ ખર્ચનો મૂડીખાતામાં સમાવેશ થાય છે. આમ સરકારના અંદાજપત્રના ને તેના હિસાબના ચાર ઘટક મળે છે : (1) મહેસૂલી આવક, (2) મહેસૂલી ખર્ચ, (3) મૂડીરૂપ આવક અને (4) મૂડીરૂપ ખર્ચ. ખાધની ગણતરી કરતી વખતે કઈ આવકનો કયા ખર્ચના સંદર્ભમાં વિચાર કરવામાં આવે છે તે વાત મહત્વની છે. અર્થશાસ્ત્રીઓ પોતાની આર્થિક વિચારણામાં પ્રસ્તુત ને ઉપયોગી લાગે તેવી રાજ્યની આવક-જાવકને લક્ષમાં લઈ તે બે વચ્ચેની ખાધની વાત કરે છે.
રાજકોષીય અર્થશાસ્ત્રના રૂઢિચુસ્ત સિદ્ધાંતો પ્રમાણે જેમ વ્યક્તિએ પોતાની આવકની મર્યાદામાં ખર્ચ કરવો જોઈએ અને તેણે દેવું ન કરવું જોઈએ તેમ રાજ્યે પણ પોતાની મહેસૂલી આવકના પ્રમાણમાં જ ખર્ચ કરવો જોઈએ. દેવું કરવું તેને માટેય ઇચ્છવાજોગ નથી. આ વિચારને સમતોલ અંદાજપત્રનો સિદ્ધાંત કહેવામાં આવે છે.
આ વિચારણા પાછળ અર્થતંત્રના સ્વરૂપ વિશેની ને રાજ્યનાં કર્તવ્યો વિશેની એક ધારણા રહેલી છે. એમાં માની લેવામાં આવ્યું છે કે અર્થતંત્રને દરમિયાનગીરી વિના, દખલ વિના કામ કરવા દેવામાં આવશે તો દેશનાં સાધનોને પૂર્ણ રોજગારી પણ આપોઆપ મળી રહેશે અને સાધનોની જુદા જુદા હેતુઓ માટે યોગ્ય ફાળવણી પણ ગ્રાહકની ઇચ્છાનુસાર થશે. બહારના આક્રમણથી રાજ્ય દેશની રક્ષા કરે, આંતરિક કાયદો ને વ્યવસ્થાની જાળવણી પર ધ્યાન આપે અને વધુમાં ખાનગી ક્ષેત્રની પેઢીઓ જે કાર્ય ન કરે તેવાં કાર્ય ઉપાડી લે; આનાથી વધુ પ્રવૃત્તિ રાજ્ય કરે તે જરૂરી નથી; ઊલટું તે, હાનિકારક થઈ પડે. આ ન્યૂનતમ પ્રવૃત્તિ માટેના ખર્ચની જોગવાઈ રાજ્યે મહેસૂલી આવક મેળવીને કરવી જોઈએ, દેવું તેણે ન કરવું જોઈએ. સરકારની મહેસૂલી આવક અને તેના ખર્ચ વચ્ચે ખાધ રહે એ ઇષ્ટ નથી એમ આ વૈચારિક પરિપાટીના અર્થશાસ્ત્રીઓ કહે છે.
વીસમી સદીના મહાન અર્થશાસ્ત્રી જે. એમ. કેઇન્સે અર્થતંત્ર આપોઆપ પૂર્ણ રોજગારીની કક્ષાએ સ્થિર રહે છે એ ધારણાનો અસ્વીકાર કર્યો. એમણે દર્શાવ્યું કે ખાનગી વપરાશ અને ખાનગી મૂડીરોકાણને કારણે જે માગ ઉદભવે છે તે કેટલીક વાર સાધનોને – ખાસ તો શ્રમિકોને – પૂર્ણ રોજગારી આપવાને માટે પર્યાપ્ત હોતી નથી. માંગ ન હોવાને કારણે પેઢીઓ સાધનોને – મજૂરોને – છૂટાં કરે છે ને ઉત્પાદન ઘટાડે છે કે બંધ કરે છે. આગળ વધેલા ઔદ્યોગિક દેશોમાં સંગઠન ધરાવતા મજૂરો નાણાકીય વેતનમાં કાપ સ્વીકારવા તૈયાર હોતા નથી એટલે આ વલણ બળવત્તર બને છે. પોતાના અંદાજપત્રને સમતોલ બનાવવાની ચિંતા છોડી સરકારે સમગ્ર અર્થતંત્ર પૂર્ણ રોજગારીની કક્ષાએ સ્થિર બને એની ચિંતા કરવી જોઈએ. આ ર્દષ્ટિએ અર્થતંત્રમાં માગ વધે તેવી નીતિ તેણે અપનાવવી જોઈએ. રાજ્યનાં કર્તવ્યોની યાદીમાં કેઇન્સ પૂર્ણ રોજગારીની સ્થિતિએ અર્થતંત્રને સ્થિર રાખવાના કામને ઉમેરે છે.
માગ વધારવાના એક માર્ગ તરીકે કેઇન્સે રાજકોષીય નીતિનો વિચાર કર્યો છે. આ માટે મંદીને કારણે બેકાર બનેલા શ્રમિકોને જાહેર બાંધકામનાં અનેકવિધ કાર્યોમાં સરકારે રોકવા જોઈએ. આ જાહેર બાંધકામ પરના ખર્ચને કારણે સરકારનો કુલ ખર્ચ મહેસૂલી આવક કરતાં વધી જતો હોય તો રાજ્યે લોન મેળવીને પણ રોજગારી વધારવા પાછળ ખર્ચ કરવો જોઈએ; કારણ કે બેકારના હાથમાં આ રીતે આવક મુકાશે તો અંતે અનેકગણી આવક, વપરાશ ખર્ચ ને રોજગારી વધશે.
કેઇન્સની વિચારણામાં ખાધ એટલે સરકારના કુલ ખર્ચ અને તેની મહેસૂલી આવક વચ્ચેનો તફાવત. તેની પૂર્તિ રાજ્ય લોન મેળવીને કરે. રાજ્યનું જાહેર દેવું આ નીતિના પરિણામ રૂપે વધતું રહે.
આજે હવે સરકારના અંદાજપત્ર પરની ખાદ્યને જુદી જુદી ર્દષ્ટિએ જોઈને વિવિધ નામો આપવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે :
1. મહેસૂલી ખાધ : અંદાજપત્રના મહેસૂલ વિભાગ પરની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત.
2. મુદ્રીકૃત ખાધ : દેશની મધ્યસ્થ બૅંક દ્વારા કેન્દ્ર સરકારને અપાતા ધિરાણમાં થતો ચોખ્ખો વધારો. તેમાં મધ્યસ્થ બક પાસે રહેલાં સરકારનાં તિજોરીપત્રોમાં થયેલા ચોખ્ખા વધારાનો અને સરકાર દ્વારા બજારમાંથી મેળવવામાં આવેલી લોનોમાં મધ્યસ્થ બૅંકે આપેલા ફાળાનો સમાવેશ થાય છે. અંદાજપત્ર પરની આ ખાધથી અર્થતંત્રમાં નાણાના પુરવઠામાં વધારો થાય છે.
3. રાજકોષીય ખાધ : મહેસૂલી આવકો અને અંદાજપત્ર પરના કુલ ખર્ચ વચ્ચેનો તફાવત. કુલ ખર્ચમાં મહેસૂલી અને મૂડીખર્ચ એ બંનેનો સમાવેશ થાય છે. આજે આર્થિક વિશ્લેષણમાં રાજકોષીય ખાધના ખ્યાલનો મોટે ભાગે ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં છેલ્લા દોઢેક દસકા દરમિયાન (1990 થી) કેન્દ્રસરકારની રાજકોષીય ખાધ રાષ્ટ્રીય આવકના પાંચથી દસ ટકા જેટલી રહેવા પામી છે. આ ખાદ્ય રાષ્ટ્રીય આવકના ત્રણ ટકા જેટલી હોય તેને ઇચ્છનીય લેખવામાં આવે છે. રાજકોષીય ખાધથી અર્થતંત્રમાં તત્કાળ નાણાના પુરવઠામાં વધારો થશે એમ કહી શકાતું નથી; પરંતુ લાંબા ગાળામાં એ વધારો થાય પણ ખરો.
4. પ્રાથમિક ખાધ : રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચુકવણીને બાદ કર્યા પછી રહેતી ખાધ. અંદાજપત્ર પરની ખાધનું એક મોટું કારણ સરકાર દ્વારા થતી વ્યાજની ચુકવણી હોય છે, જેમાં લાંબા ગાળા માટે ઘટાડો કરવાનું સરકાર માટે શક્ય બનતું નથી. તેથી એને બાદ કરીને ખાધ ઘટાડવામાં સરકારને કેટલી સફળતા કે નિષ્ફળતા મળી છે તે તપાસવા માટે આ ખ્યાલ ઉપયોગી છે.
બદરીપ્રસાદ મ. ભટ્ટ