ખાદી : હાથે કાંતેલ અને હાથે વણેલ ભારતીય વસ્ત્રનો પ્રકાર અને ભારતના રાષ્ટ્રીય આંદોલનનું મુખ્ય પ્રતીક. ભારતમાં હાથકાંતણ અને હાથવણાટનો ગ્રામોદ્યોગ પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવે છે એટલું જ નહિ, પરંતુ ખેતીને પૂરક વ્યવસાય તરીકે પ્રાચીન કાળથી તેણે મહત્વની ભૂમિકા ભજવી છે. પ્રાચીન કાળથી તે ઘણી મોટી સંખ્યાના લોકો માટે પૂરક રોજગારી અને પૂરક આવકના સાધન તરીકે વિકસતો રહ્યો છે. ઇતિહાસ પર નજર નાખતાં જણાય છે કે ઈ. પૂ. 1500માં આ ગ્રામોદ્યોગ ભારતમાં પૂર્ણ વિકસિત અવસ્થામાં હતો. તેની સાથે સંકળાયેલી ઉત્પાદનની બધી જ પ્રક્રિયાઓ માનવશ્રમ વડે કરવામાં આવતી. તેમાં રોકાયેલા શ્રમિકોના હાથકાંતણ અને હાથવણાટના કૌશલની તે જમાનામાં સર્વત્ર પ્રશંસા થતી હતી; પરંતુ બ્રિટિશ શાસનકાળ દરમિયાન યંત્ર વડે ચાલતા આધુનિક ઢબના કાપડ ઉદ્યોગોના આગમન સાથે અન્ય ગ્રામોદ્યોગોની જેમ આ અત્યંત પ્રાચીન ઉદ્યોગની પણ પડતી થઈ અને પશ્ચિમની સંસ્કૃતિ અને રહેણીકરણીની અસરથી ખાદી જેવા સ્વદેશી કાપડનું સ્થાન મિલોમાં બનતા કાપડે લીધું. વીસમી સદીના બીજા દાયકા સુધી પરદેશી સંચાના કાપડનું આક્રમણ પરાકાષ્ઠાએ પહોંચી ગયું; પરંતુ ભારતીય રાજકારણના રંગમંચ પર મહાત્મા ગાંધીનું આગમન થતાં દેશમાં સ્વદેશી યુગનો પ્રારંભ થયો અને તેના ભાગ રૂપે 1918માં તેમણે ખાદીનું પુન:પ્રવર્તન કર્યું.
મહાત્મા ગાંધીના રાષ્ટ્રીય પુનર્નિર્માણના કાર્યક્રમમાં ખાદીને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું હતું. તેમાં તેમને લાખો ગામડાંના બનેલા આ દેશના માત્ર આર્થિક જ નહિ; પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાનનાં દર્શન થતાં હતાં. પ્રાથમિક ર્દષ્ટિએ મહાત્મા ગાંધીની આર્થિક વિચારસરણી અને તેને અનુરૂપ તેમણે ઘડી કાઢેલા ખાદીપ્રચાર અને પ્રસાર જેવા આર્થિક કાર્યક્રમો દેશની સ્વતંત્રતા ઝંખતી ભારતની પ્રજા માટે પરદેશી શોષણમાંથી મુક્તિ મેળવવાનો કાર્યક્રમ હતો; પરંતુ તે ઉપરાંત તેમની વિચારસરણી અને તેમના કાર્યક્રમોમાં ન્યાય અને સમાનતાનું તત્વ વિશેષ મહત્વનું હતું.
ભારતનાં ગામડાંમાં ખાદીના ઉત્પાદનની હિમાયત કરતાં ગાંધીજીએ તેના કેટલાક લાભ દર્શાવ્યા છે : (1) નવરાશવાળા અને જરૂરિયાતવાળા લોકોને તે અર્થપ્રાપ્તિ માટેનો વ્યવસાય પૂરો પાડી શકે છે; (2) હજારો લોકોને તે ગળથૂથીથી આવડે છે, કારણ કે ભારતના પ્રાચીન ગ્રામોદ્યોગોમાંનો તે એક અગત્યનો વ્યવસાય છે; એટલું જ નહિ, પરંતુ જેમને હાલ તેની આવડત નથી તેઓ તે સહેલાઈથી શીખી શકે છે; (3) ઓછા મૂડીરોકાણ દ્વારા અને સાદાં તથા સ્થાનિક સાધનો વડે તે શરૂ કરી શકાય છે; (4) દુકાળ અને અછત જેવા સંજોગોમાં તે તાત્કાલિક રાહત આપી શકે છે; (5) દેશને તે સ્વાવલંબન તરફ લઈ જઈ શકે છે અને તે દ્વારા ભારતમાંથી સંપત્તિના અપહરણ(drain)ને અટકાવશે અને એ રીતે બચેલી સંપત્તિ સુપાત્ર ગરીબોમાં આપોઆપ વહેંચાઈ જશે; (6) લોકો વચ્ચે સહકારની ભાવના કેળવવાનું એ એક પ્રબળ સાધન બની શકે છે જે દેશની ભાવિ સમૃદ્ધિ અને આર્થિક સ્વાવલંબનની બાંયધરી ગણાય; (7) વરસાદ પર આધારિત ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં વર્ષમાં ચારથી પાંચ મહિના ફરજિયાત બેકારી ભોગવતા કરોડો ખેડૂતોને અને તેમનાં કુટુંબીજનોને તે રોજગારી પૂરી પાડી શકશે. જ્યાં સુધી ભારતના દરેક ગામડામાં કામ કરવા ઇચ્છતા દરેક સ્ત્રીપુરુષને ખેતર, ઘર કે કોઈ ઉદ્યોગમાં પૂરા સમયનું સવેતન કામ મળે તેવી વ્યવસ્થા ઊભી ન થાય અથવા ગામડાંની બહાર નગરો કે શહેરોમાં ગ્રામવાસી પ્રજાને વ્યવસ્થિત જીવન જીવવા માટે જરૂરી સગવડો મળી રહે તેવા સંજોગો ઊભા ન થાય ત્યાં સુધી ભારતના કરોડો ગ્રામવાસીઓ માટે ખાદી જ એકમાત્ર આધાર છે.
ભારતની આઝાદીની ચળવળમાં ગાંધીયુગની શરૂઆત થઈ તેની સાથોસાથ સ્વદેશી ચળવળ પર પણ ભાર મૂકવામાં આવ્યો. 1918માં ગાંધીજીએ ખાદીનું પુન: પ્રવર્તન કર્યા પછી સ્વદેશી ચળવળ વધુ વેગવંતી બની. 1921માં અસહકારની ચળવળે સ્વદેશીને ખાસ પ્રોત્સાહન આપ્યું અને ખાદીના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. 1922માં અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીએ હાથકંતાઈને ઉત્તેજન આપવાનો ઠરાવ કર્યો અને તે માટે વીસ લાખ ચરખાનો લક્ષ્યાંક નક્કી કર્યો. સાથોસાથ કૉંગ્રેસના બધા જ કાર્યકરો માટે ખાદી વસ્ત્ર પરિધાન ફરજિયાત બનાવ્યું. 1923માં અખિલ ભારતીય ખાદી મંડળની સ્થાપના કરવામાં આવી તથા ખાદી ઉત્પાદનક્ષેત્રે રૂ. 23 લાખનું મૂડીરોકાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું. 1925માં અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાને પ્રાંતીય ખાદી-મંડળોની આર્થિક સમસ્યાઓના નિરાકરણની તથા ગામડાંમાં તૈયાર થયેલ ખાદીનું શહેરોમાં વેચાણ કરવાની જવાબદારી સોંપવામાં આવી. 1935-45ના દાયકામાં હાથકંતાઈ કરનારાઓને સુધારેલા ચરખા તથા પૂરતી મજૂરી ઉપલબ્ધ કરાવવા માટે દેશવ્યાપી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. 1950-51ના અરસામાં અંબર ચરખાની શોધ કરવામાં આવી. 1955-56ના અરસામાં અંબર ચરખા પર તૈયાર થયેલ ખાદીનું વેચાણ શરૂ થયું. દરમિયાન 1953માં ભારત સરકારે અખિલ ભારતીય ખાદી અને ગ્રામોદ્યોગ મંડળની સ્થાપનાની જાહેરાત કરી. આ મંડળને ખાદી અને ગ્રામોદ્યોગના વિકાસની તથા તે દ્વારા દેશનાં ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારીની તકોનું વિસ્તરણ કરવાની જવાબદારી સોંપવામાં આવી. ખાદીને પ્રોત્સાહન આપવા માટે મિલોમાં બનતા 0.9 મીટરદીઠ કાપડ પર 3 પૈસાનો વિશેષ કર (levy) દાખલ કરવામાં આવ્યો. 1957માં અખિલ ભારતીય ખાદી અને ગ્રામોદ્યોગ મંડળને આયોગનો દરજ્જો આપવામાં આવ્યો તથા તેને સલાહ આપવા માટે એક સલાહકાર-સમિતિની રચના કરવામાં આવી. 1957 પછીના ગાળામાં સુતરાઉ ખાદીના ઉત્પાદનની સાથોસાથ રેશમી તથા ઊની ખાદીના ઉત્પાદનને વેગ મળ્યો. 1965 પછીના ગાળામાં ખાદીક્ષેત્રે બુટ્ટાદાર કાપડ (tapestry) અને સુંદર ડિઝાઇનવાળા કાપડના ઉત્પાદનનો તેમાં સમાવેશ થયો. સુતરાઉ ખાદી દેશમાં સર્વત્ર તૈયાર થાય છે; પરંતુ રેશમી તથા ઊની ખાદીનું ઉત્પાદન અમુક જ રાજ્યોમાં કરવામાં આવે છે. ખાદીના તૈયાર પોશાક બનાવવા માટે શરૂઆતમાં દેશનાં સાત મુખ્ય શહેરોમાં ખાસ કારખાનાં ઊભાં કરવામાં આવ્યાં. દેશનાં લગભગ બધાં જ શહેરો અને નગરોમાં ખાદીનાં વેચાણકેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે. ખાદીને વિશેષ પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા તેના ઉત્પાદકોને અનુદાન આપવામાં આવે છે. લગભગ 97 % અનુદાન ચાલુ મૂડી (running capital) રૂપે લોન તરીકે અપાય છે. ઉપરાંત, બજાર-સંશોધન, પ્રદર્શનો, તાલીમ વગેરે દ્વારા પણ ખાદી ઉત્પાદન અને ખાદીવેચાણને પ્રોત્સાહન આપવામાં આવે છે.
દેશમાં વિવિધ પ્રોત્સાહક પગલાંને પરિણામે ખાદીના ઉત્પાદન તેમજ તે માટેની રોજગારીમાં વધારો થવા પામ્યો છે; દા.ત., દેશમાં 1950-51માં 64.61 લાખ ચો.મી. કાપડનું ઉત્પાદન થયું હતું જે વધીને 1990-91માં 10,888 લાખ ચોમી. થયું હતું. ખાદી-ઉદ્યોગમાં રોકાયેલા કામદારોની સંખ્યા 1990-91માં 14.15 લાખ હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે