ખાદિમ હુસેન ખાં (જ. 1908; અ. ?) : આગ્રા ઘરાનાના વિખ્યાત ગાયક અને સંગીતજ્ઞ. સાત વર્ષની ઉંમરથી તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરેલી. ઉસ્તાદ કલ્લનખાં પાસેથી દસ વર્ષ સુધી (1915-25) તાલીમ લીધી. સત્તર વર્ષની ઉંમરે તેઓ મુંબઈ આવ્યા, જ્યાં વિખ્યાત સંગીતજ્ઞ ઉસ્તાદ વિલાયતખાંસાહેબ પાસેથી અને તે પછી વડોદરામાં ઉસ્તાદ ફૈયાઝખાંસાહેબ પાસેથી સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ 1925માં લખનૌ ખાતે આયોજિત અખિલ ભારતીય સંગીત સંમેલનમાં થયો હતો જ્યાં તેમણે દેશના શાસ્ત્રીય સંગીતના દિગ્ગજો પાસેથી પ્રશંસા મેળવી હતી.

તે જૂની બંદિશોના વિશેષજ્ઞ અને આગ્રા ઘરાનાની પરંપરાગત ગાયકીના નિષ્ણાત હતા. આકાશવાણી પરથી તેમનું શાસ્ત્રીય ગાયન અવારનવાર વર્ષો સુધી રજૂ થતું હતું. આકાશવાણીની સ્વર-પરીક્ષણ સમિતિ(Audition Test Committee)માં પાંચ વર્ષ સુધી તેમણે સેવા આપેલી. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરાની લલિતકલા વિદ્યાશાખાના ઉપક્રમે તેમણે વ્યાખ્યાન-સહ-નિદર્શનના લોકપ્રિય કાર્યક્રમો રજૂ કર્યા હતા.

આગ્રા ઘરાનાની ગાયકીના ઉત્તમ પ્રતિનિધિ ગણાતા આ સંગીતજ્ઞે શાસ્ત્રીય સંગીતના ઘણા નામવંત શિષ્યો તૈયાર કર્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે