ખાતરો – ખનિજ (fertilizers-minerals) : ખનિજમાંથી બનાવેલું ખાતર. ખેતીવિષયક ઉત્પાદન વધારવામાં કૃત્રિમ અથવા રાસાયણિક ખાતરોના ઉપયોગનો ફાળો ઘણો મહત્વનો છે. ખાતર બનાવવામાં જરૂરી કાચો માલ કુદરતી ખનિજો અને રાસાયણિક દ્રવ્યોમાંથી મેળવાય છે. આ માટેનાં મુખ્ય ખનિજદ્રવ્યો પૈકી ફૉસ્ફેટ, ચૂનો, ચિરોડી, ગંધક, પાયરાઇટ, પોટાશ અને નાઇટ્રેટનો તેમજ ગૌણ ખનિજદ્રવ્યો પૈકી મૅગ્નેસાઇટ, ડોલોમાઇટ, ગ્રીન સૅન્ડ, ટંકણખાર (બૉરૅક્સ) અને ઍપ્સોમાઇટનો સમાવેશ કરી શકાય. આ ખનિજદ્રવ્યોને જરૂરિયાત મુજબ સીધેસીધાં જ તેમની મૂળ સ્થિતિમાં ચૂર્ણસ્વરૂપે અથવા તેમના ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને તેમને વધુ અનુકૂળ બનાવીને જમીનમાં ભેળવવામાં આવે છે. ચિરોડી, ચૂનો, ચૂનાખડકો, પાયરાઇટ, ગંધક, મૅગ્નેસાઇટ, ડોલોમાઇટ, ઍપ્સોમાઇટ જેવાં ખનિજદ્રવ્યો સલ્ફેટ ખાતરો માટે તો ફૉસ્ફોરાઇટ ફૉસ્ફેટ ખાતરો માટે ઉપયોગમાં લેવાય છે.

ચિરોડી : ચિરોડી કૅલ્શિયમનો જલયુક્ત સલ્ફેટ છે. જથ્થામય ગઠ્ઠા સ્વરૂપે રંગવિહીન કે સફેદ અપારદર્શક ખનિજ તરીકે અથવા પારદર્શક તકતી સ્વરૂપે ચિરોડી જળકૃત રચનાઓમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ક્યારેક તે પારદર્શક સ્ફટિક-સ્વરૂપે (સૅલેનાઇટ) માટી સાથે સંકળાયેલી સ્થિતિમાં મળે છે. તેના વિશાળ સ્તરવાળા સમૂહો વિવિધ ભૂસ્તરીય રચનાઓના ખડકો સાથે સંકળાયેલી સ્થિતિમાં મળે છે. કૃત્રિમ ખાતરો તૈયાર કરવા માટે ચિરોડી ગંધકના પ્રાપ્તિદ્રવ્ય તરીકે એકલો કે કુદરતી ખાતરો મિશ્ર કરીને હવે વધુ ઉપયોગમાં લેવાવા માંડ્યો છે. ચિરોડી કૅલ્શિયમનું કુદરતી રીતે મળતું સલ્ફેટ સંયોજન હોવાથી એમોનિયમ સલ્ફેટની બનાવટમાં તેનો ઉપયોગ જાણીતો છે. ખેતીના અમુક પાકોમાં નોંધપાત્ર ફાયદો મેળવવાના હેતુથી જમીન-સુધારણા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ભારતમાં તે રાજસ્થાન, તમિળનાડુ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મેળવાય છે. ખાતરઉદ્યોગના ઉપયોગ માટે 87 % કૅલ્શિયમ સલ્ફેટ ધરાવતો ચિરોડી પસંદ કરવામાં આવે છે. યુ.એસ., યુ.કે., ફ્રાન્સ અને ભારત ચિરોડી ઉત્પન્ન કરતા મુખ્ય દેશો છે.

ગંધક : ગંધક કુદરતમાં પ્રાકૃત સ્થિતિમાં ચમકતા પીળા સ્ફટિક સ્વરૂપે મળે છે. તે સુવર્ણ જેવા પીળા લોહ-સલ્ફાઇડ (પાયરાઇટ), કાંસા જેવા પીળા કૉપર-સલ્ફાઇડ (ચાલ્કોપાયરાઇટ) અને ચાંદી જેવા સફેદ લેડ-સલ્ફાઇડ (ગૅલેના) સ્વરૂપે સંયુક્ત સ્થિતિમાં પણ મળે છે. પ્રાકૃત ગંધક-નિક્ષેપોનો જ્યાં અભાવ હોય ત્યાં અન્ય સલ્ફાઇડ ખનિજો ગંધક માટેનાં પ્રાપ્તિદ્રવ્યો બની રહે છે. કાચા ગંધકનું ચૂર્ણ અને ગંધકનો તેજાબ જમીનના આલ્કલીય ગુણને નિયંત્રણમાં રાખવા માટે તેમજ જમીનની ગંધકત્રુટિ ભરપાઈ કરવામાં વપરાય છે. ગંધક પાયરાઇટ ખનિજમાંથી મેળવી શકાય છે. તે મુખ્યત્વે યુ.એસ., ચિલી, મેક્સિકો, ફ્રાન્સ, સ્પેન, નેધરલૅન્ડ અને જાપાનમાંથી મળી રહે છે. બંગાળના ઉપસાગરમાં બેરન ટાપુના જ્વાળામુખીના મુખમાંથી તેમજ લદ્દાખની ખીણમાંથી નજીવા પ્રમાણમાં મળે છે; તેથી કૃત્રિમ ખાતરો માટે તે આયાત કરવામાં આવે છે.

પાયરાઇટ : પાયરાઇટ ભૂપૃષ્ઠની લગભગ બધા જ કાળની ખડકરચનાઓમાં બહોળા વિતરણવાળું લોહ-સલ્ફાઇડ ખનિજ છે. તેનું આર્થિક મૂલ્ય તેમાં સમાવિષ્ટ ગંધકને કારણે હોઈ તે ગંધક અને ગંધકના તેજાબનું ઉત્પાદન કરવા માટે વપરાય છે. તે યુ.એસ., કૅનેડા, સ્પેન, નૉર્વે, ઇટાલી, સાયપ્રસ, પોર્ટુગલ, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા, ગ્રીસ અને જાપાનમાંથી મળે છે. ભારતમાં તે હિમાચલપ્રદેશ, રાજસ્થાન, તમિળનાડુ, કર્ણાટક અને બિહારમાંથી મળી આવે છે.

પોટાશ : દુનિયાનો મોટા ભાગનો પોટાશ-પુરવઠો દરિયાઈ બાષ્પાયનો દ્વારા અને બાકીનો ક્ષાર સરોવરોમાંથી તો કેટલોક જથ્થો સ્વયં વનસ્પતિમાંથી મળી રહે છે. સિલ્વાઇટ (63 %-K2O), ગ્લૅસરાઇટ (37.5 % K2O), લિયૉનાઇટ (23 % K2O), લૅંગ્બિનાઇટ (23 % K2O), કેઇનાઇટ (19 % K2O) અને કાર્નેલાઇટ (17 % K2O) જેવાં ખનિજો પોટાશપ્રાપ્તિ માટે અગત્યનાં છે. પોટાશ-ખનિજો મુખ્યત્વે યુ.એસ., રશિયા, પોલૅન્ડ, જર્મની, ફ્રાન્સ, સ્પેન અને પૅલેસ્ટાઇનમાંથી મળે છે.

ખાતરો સાથે પોટાશ ભેળવવાથી વનસ્પતિના વિકાસ અને પાકની ગુણવત્તામાં વૃદ્ધિ થાય છે. પોટાશને કારણે વનસ્પતિમાં સ્ટાર્ચ અને શર્કરાનું પ્રમાણ મળી રહે છે.

નાઇટ્રેટ : વાતાવરણમાંથી વનસ્પતિ સ્વયં નાઇટ્રોજન મેળવે છે, તેમ છતાં ખાતરો માટે નાઇટ્રોજનનાં સંયોજનો જરૂરનાં બની રહે છે. પાકની ફેરબદલી કરવાથી નાઇટ્રોજનની ત્રુટિની પુરવણી થતી રહે છે. જરૂર જણાય ત્યારે ખાતર સ્વરૂપે તે જમીનમાં ભેળવવાં પડે છે. ચિલી નાઇટ્રેટપ્રાપ્તિ માટેનું મુખ્ય સ્થાન છે, જ્યાં તે સૉલ્ટપીટર અથવા નાઇટર (પોટૅશિયમ નાઇટ્રેટ) સ્વરૂપે મળે છે. સૉલ્ટપીટર એ કાંપના પ્રદેશોની જમીનમાં, તે પ્રદેશોમાં પ્રવર્તતી આબોહવાના લાક્ષણિક સંજોગો હેઠળ કુદરતી ક્રિયાઓ દ્વારા બનતી નૈસર્ગિક પેદાશ છે. ખાતરઉદ્યોગમાં તે ઉપયોગી બની રહે છે. ચિલીમાંથી કુદરતી સોડિયમ નાઇટ્રેટ પણ મળે છે. ગ્વાનો તરીકે જાણીતી પક્ષીઓની હગારમાંથી પણ તે મળી રહે છે. ભારતમાં બિહાર અને પંજાબમાંથી નાઇટર મળી રહે છે.

ખડકફૉસ્ફેટફૉસ્ફૉરાઇટ : જમીનની ફળદ્રૂપતા જાળવી રાખવા માટે ફૉસ્ફરસ એક આવશ્યક ઘટક છે. આર્થિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતા જળકૃત ઉત્પત્તિજન્ય ફૉસ્ફેટનિક્ષેપો ખડક-ફૉસ્ફેટ અથવા ફૉસ્ફૉરાઇટ તરીકે જાણીતા છે. ફૉસ્ફેટ ઘણું અગત્યનું વનસ્પતિપોષક દ્રવ્ય છે. ફૉસ્ફૉરાઇટ, ફૉસ્ફેટિક માર્લ, ફૉસ્ફેટિક ચૂનાખડકો, દરિયાઈ ફૉસ્ફેટ સ્તરો, ઍપેટાઇટ, ગ્વાનો અને ધાતુમળ એ વ્યાપારી ધોરણે મળતા ફૉસ્ફેટનિક્ષેપો છે. એ તમામ સુપરફૉસ્ફેટ ખાતરો માટેનાં જરૂરી દ્રવ્યો છે. યુ.એસ., કૅનેડા, મોરોક્કો, અલ્જિરિયા, ટ્યૂનિસિયા, ઇજિપ્ત, પૅસિફિક ટાપુઓ અને રશિયા તેનાં પ્રાપ્તિસ્થાનો છે. ભારતમાં તે બિહાર, તમિળનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાંથી મેળવાય છે. ઉદેપુર પાસે હિંદુસ્તાન ઝિંક લિમિટેડ દ્વારા ફૉસ્ફૉરાઇટની ગુણવત્તા વધારવા માટે શુદ્ધીકરણ કારખાનું નાખવામાં આવેલું છે, જેમાં 25 % પ્રમાણવાળા ફૉસ્ફૉરાઇટમાંથી તેમાંના સિલિકાના પ્રમાણને ઘટાડીને 32 % પ્રમાણવાળું ફૉસ્ફૉરાઇટ બનાવાય છે.

ચૂનો અને ચૂનાખડકો : ખેતીની જમીનોમાં ઉમેરણ માટે જરૂરી ચૂનાદ્રવ્ય માટે દળેલો ચૂનો કે ચૂનાખડકો, માર્લ, ઑઇસ્ટર કવચ જેવાં પ્રાપ્તિદ્રવ્યોનો સમાવેશ કરી શકાય. જમીનોમાં રહેલ ઍસિડિટીને નિયંત્રણમાં લેવા, માટીનાં ઢેફાંવાળી જમીનોને દાણાદાર બનાવવા, તેમજ વનસ્પતિને પોષણ પૂરું પાડવા આ દ્રવ્યો ઉપયોગમાં લેવામાં આવે છે. ખાતરોનું વનસ્પતિ સારી રીતે શોષણ કરી શકે તે માટે ચૂનાદ્રવ્ય મદદરૂપ થઈ પડે છે.

ગૌણ ખનિજદ્રવ્યો : ગ્રીનસૅન્ડ : આટલાન્ટિક મહાસાગરના કિનારાનાં મેદાનોમાંની ક્રિટેશિયસ અને ટર્શિયરી રચનાઓમાંથી મેળવાય છે. ગ્લૉકોનાઇટ કે જે લોહ-પોટાશનો જલયુક્ત સિલિકેટ છે તે દરિયાઈ સ્તરોમાં રહેલું છે. તેમાં થોડા પ્રમાણમાં ફૉસ્ફોરિક ઍસિડ પણ છે. તે તેના મૂળ સ્વરૂપે જ અથવા દળીને જમીનોમાં ભેળવાય છે. મૅગ્નેસાઇટ સીધેસીધું કે દળીને જમીનમાં ઉમેરવામાં આવે છે જે જમીનની ઍસિડિટીને નિયંત્રણમાં રાખે છે. બૉરૅક્સ અથવા ટંકણખાર વનસ્પતિ-વિકાસ માટે જરૂરી હોઈ તેમજ તેમાં રોગ-પ્રતિકારશક્તિ હોઈ, ગૌણ પ્રમાણમાં ભેળવાય છે. ઍપ્સોમાઇટ ખનિજદ્રવ્ય ખાસ કરીને તમાકુની ખેતીમાં ખાતર તરીકે ઉપયોગી નીવડે છે.

ગિરીશભાઈ પંડ્યા