ખાડીપ્રદેશ (estuary) : ભૂમિ પરથી દરિયા તરફ વહેતું પાણી અને દરિયાનું પાણી જ્યાં મુક્તપણે એકબીજામાં ભળતાં હોય તેવા સમુદ્રકિનારે આવેલા અને અંશત: બંધિયાર એવા પાણીના વિસ્તારો. મોટા ભાગના આ વિસ્તારો નદીના મુખપ્રદેશ રૂપે હોય છે. તે વિસ્તાર નદીનાળ તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં વહીને ખંભાતના અખાતમાં અરબી સમુદ્ર સાથે જોડાતા તાપી અને નર્મદા નદીના ખાડીપ્રદેશો અનુક્રમે સૂરત અને ભરૂચ સુધી પ્રસરેલા છે. ઓડિસામાં આવેલું ચિલ્કા સરોવર પણ એક ખાડીસરોવર છે. ખાડીસરોવર તરીકે આવેલાં અન્ય સરોવરોમાં અડ્યાર (ચેન્નાઈ) અને પુલિકટ(તમિળનાડુ)નો સમાવેશ થાય છે. ખાડીમાં હંમેશાં નદી અને દરિયાઈ પાણી વચ્ચે આંતરપ્રક્રિયા (interaction) થતી હોય છે. ભરતી વખતે આ પ્રદેશમાં ખારા પાણીનું પ્રમાણ વધારે હોય છે જ્યારે ઓટ વખતે તેનું પ્રમાણ ઘણું ઓછું થાય છે.
ખાડીપ્રદેશનાં પર્યાવરણનાં પરિબળો સંકીર્ણ સ્વરૂપનાં હોય છે, આ પરિબળો અતિશય પરિવર્તનશીલ (variable) હોવાથી તેમાં કાયમી વસવાટ કરનાર પ્રાણીઓની જાતો (species) ઘણી ઓછી હોય છે. નદીઓમાંથી વહેતાં પાણીમાં ભૂતલ વનસ્પતિજન્ય નાઇટ્રેટ કે ફૉસ્ફેટ જેવાં પોષક તત્વોનું પ્રમાણ વિપુલ હોય છે. જોકે પાણીમાં નિક્ષેપો(sediments)નું પ્રમાણ વિશેષ હોવાથી પ્રકાશનાં કિરણો નીચે સુધી પ્રસરી શકતાં નથી; આમ છતાં પ્રવાહ અને ભરતી જેવાં પરિબળોની અસર હેઠળ પોષક તત્વોનું જલદ મિશ્રણ થાય છે. પરિણામે પ્રકાશ-સંશ્લેષક સૂક્ષ્મજીવો (plankton) સારી સંખ્યામાં ઉદભવતા હોય છે. આ સૂક્ષ્મજીવો મૃદુકાય (mollusca), સ્તરકવચી (crustacea) અને કેટલીક માછલીઓ જેવાં ગાળણ-ભક્ષકો (filter- feeder)નો આહાર બને છે.
વનસ્પતિ સૂક્ષ્મજીવોમાં ડાયઍટમ, સિરેશિયમ, બિડુલ્ડિયા, હેમિડિસ્કસ, વૉલ્વોકેલ્સ, ક્લોરેલા, પૅન્ડોરિના જેવાનો સમાવેશ થાય છે; જ્યારે પ્રાણિજ સૂક્ષ્મજીવો તરીકે ઍમ્ફિપોડા, કોપિપોડા, મૃદુકાય, સ્તરકવચી અને માછલીઓનાં ઈંડાં, ડિમ્ભો અને બચ્ચાં આવેલાં હોય છે. ખાડીપ્રદેશના પાણીમાં તેમજ કિનારે વસતાં પ્રાણીઓમાં વામ (eels), કાદવમચ્છી (mud skippers), છીપ, છીપલાં, કરચલા જેવાં પ્રાણીઓ અગત્યનાં છે.
સુંદરી વૃક્ષોની કળણભૂમિ (mangrove swamp) : ઉષ્ણ કટિબંધના ખાડીપ્રદેશના કિનારે વિવિધ જાતનાં સુંદરી વૃક્ષો જોવા મળે છે. કચ્છના અખાતમાં આવેલાં કેટલાંક કળણોમાં ઍવિસિનિયા, સોનરેશિયા, એજીસીરસ જાતનાં સુંદરી વૃક્ષો સારી સંખ્યામાં પ્રસરેલાં જોવા મળે છે. આ વૃક્ષો અવલંબન (prop) મૂળની મદદથી કાદવમાં ટટ્ટાર રહેતાં હોય છે. તેની મૂળની શાખાઓ જમીનમાંથી બહાર આવેલી હોય છે. તે શ્વસનછિદ્રો ધરાવતી હોય છે અને શ્વસનક્રિયામાં મદદરૂપ બને છે. કળણોમાં પોષક તત્વો વિપુલ પ્રમાણમાં હોવાથી તેઓ પ્રાણીઓના વસવાટ માટે આદર્શ સ્થાન પૂરું પાડે છે. તેના કાદવમાં કાયમ માટે ખૂંપીને રહેલાં પ્રાણીઓમાં સોલેન, છીપલાં, વિંડોપેન ઑઇસ્ટર, માઇટિલસ જેવા સજીવોનો સમાવેશ થાય છે. ભાગ્યે જ પ્રચલન કરતાં કોડી, શંખ જેવાં પ્રાણીઓ પણ ત્યાં જોઈ શકાય. જ્યારે ઉકા, હર્મિટ-કરચલાં અને કાદવમચ્છી જેવાં પ્રાણીઓને મુક્તપણે હરતાંફરતાં જોઈ શકાય. આર્થિક ર્દષ્ટિએ અગત્યની એવી જિંગા, બેક્ટી (lates) , સલી (milk fish) , બોઈ (mullets) અને કાલુદેર (pearl spot) જેવી માછલીઓની જળખેતીનો આવા કળણમાં સારી રીતે વિકાસ કરી શકાય છે.
કુસુમ વ્યાસ