ખાટસૂરિયા, હિંમત (જ. 10 જાન્યુઆરી 1933; અ. 20 જૂન 1991) : માનવતાવાદી સર્જક અને શિક્ષક.
સામ્યવાદી વિચારસરણીમાં અતૂટ શ્રદ્ધા સાથે જેમણે કવિતાઓ લખી એવા બિરાદર હિંમત ખાટસૂરિયા. તેઓ ભાવનગરમાં પ્રાથમિક શિક્ષક હતા. એમને બાળકો ખૂબ ગમતાં. પોતે પડછંદ કાયા, ટટ્ટાર સીનો અને મુક્ત હાસ્ય ધરાવતા હતા અને બાળકો સાથે બાળક, કામદારો સાથે એક સાથી બની જતા.
ગુજરાતી ભાષામાં કવિતાના તદ્દન નાના નાના કાવ્યસંગ્રહો વિશ્વક્રાંતિ પ્રકાશન નામે પ્રગટ કરતા. એમના કાવ્યસંગ્રહોના નામ છે ‘ઝંઝા’, ‘કાલગીત’ અને ‘રક્તકણ’ વગેરે. આ સંગ્રહોનાં મુખપૃષ્ઠ પર બોલિવિયાના ક્રાંતિકારી ચે ગુવેરાનું અને બંદૂકનું ચિત્ર અચૂક જોવા મળતું. ‘લારીવાળો લહેરી’ નામનું એમનું કાવ્ય કોઈક લારીવાળા ચાહકે ફ્રેમમાં મઢાવીને લારી પર લટકાવેલું.
ગરીબો પ્રત્યે અપાર મમતા, અતિ સંવેદનશીલતા એમના વ્યક્તિત્વમાં જોવા મળતાં. ક્રાંતિ માટેની એમની ધખના જબરદસ્ત હતી. ક્રાંતિવીર ભગતસિંહ નામનું નાનકડું જીવનચરિત્ર લખેલું અને છપાયેલું જેની કિંમત ત્યારે 25 પૈસા રાખેલી. એમની કવિતામાં ઇન્સાનિયત છે, બિનસાંપ્રદાયિકતા છે, ગરીબી છે, ભૂખમરો છે અને સામાજિક સંઘર્ષો છે. કોઈને પણ એમના દોસ્ત થવું ગમે એવું એમનું પ્રેમાળ વ્યક્તિત્વ હતું.
પ્રાથમિક શિક્ષક તરીકે કામ કરતાં પહેલાં તેમણે સ્નાતક થઈને ખડસલી લોકશાળામાં અને ઘરશાળા બુનિયાદી અધ્યાપન મંદિરમાં પણ કામ કર્યું હતું. થોડો સમય પંચાયત મંત્રી તરીકે પણ કામ કરેલું. અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ તેમનું અવસાન થયું.
ડંકેશ ઓઝા
