ખવાણ : ભૌતિક તેમજ રાસાયણિક ફેરફારોને કારણે પૃથ્વીની સપાટી પરના ખડકજથ્થાની નરમ થવાની, ભાંગી જવાની અને ખવાઈ જવાની ક્રિયા. પૃથ્વીની સપાટી પર જોવા મળતાં જુદાં જુદાં લક્ષણો વિવિધ પ્રાકૃતિક બળોની ક્રિયાઓને કારણે ઉદભવે છે. પ્રાકૃતિક બળોની સતત અસરથી ભૂપૃષ્ઠમાં મુખ્યત્વે ખવાણ, ઘસારો અને નિક્ષેપક્રિયા દ્વારા ફેરફારો થતા હોય છે. આ પૈકી ખવાણ અને ઘસારો એ વિનાશાત્મક પ્રકારની ક્રિયાઓ છે, જ્યારે નિક્ષેપક્રિયા એ રચનાત્મક પ્રકારની ક્રિયા છે. ભૌતિક ફેરફારોથી ખડકજથ્થો નરમ થાય કે ભાંગી જાય તે ક્રિયા ભૌતિક ખવાણ કે વિભંજન તરીકે ઓળખાય છે, જ્યારે રાસાયણિક ફેરફારોથી થતી આ પ્રકારની ક્રિયા રાસાયણિક ખવાણ કે વિઘટન તરીકે ઓળખાય છે. આ ખવાણ એ વિભંજન અને વિઘટનની સંયુક્ત ક્રિયા ગણાય છે. આ ઉપરાંત વિભંજન-વિઘટનની ક્રિયાઓ પ્રાણી-વનસ્પતિનાં કાર્યો દ્વારા પણ બને છે, જે જૈવિક ખવાણ તરીકે ઓળખાય છે. સૂર્યની ગરમી, હિમક્રિયા, વરસાદનું પાણી તેમજ વાતાવરણમાં રહેલા વાયુઓ ખવાણની ક્રિયા માટેનાં પરિબળો છે.
વિભંજન, વિઘટન, પડખવાણ, ગોળાશ્મખવાણ તથા જૈવિક ખવાણ તેના પ્રકારો ગણાય. (પ્રકારો માટે જુઓ જે તે અધિકરણ.)
વ્રિજવિહારી દીનાનાથ દવે