ખલ્લિકાન (ઇબ્ન)

January, 2010

ખલ્લિકાન (ઇબ્ન) (જ. 22 સપ્ટેમ્બર 1211 ઇરબિલ; અ. 30 ઑક્ટોબર 1282, દમાસ્કસ) : અરબી જીવનચરિત્રકાર અને ઇતિહાસલેખક. તેમનું પૂરું નામ શમ્સુદ્દીન અબુલઅબ્બાસ અહમદ બિન મુહમ્મદ બિન ઇબ્રાહીમ ઇબ્નખલ્લિકાન હતું. હારૂન અર્ રશીદના નામાંકિત વજીર યહ્યા બિન ખાલિદ બર્મકીના તેઓ વંશજ હતા. તેઓ મવસલ શહેર નજીક ઇરબિલમાં જન્મ્યા હતા. એલેપ્પો અને દમાસ્કસમાં વિદ્યાપ્રાપ્તિ કર્યા પછી તેઓ 1238માં કૅરો ગયા. ત્યાં ન્યાયાધીશ નિમાયા. 1260માં મુખ્ય ન્યાયાધીશ તરીકે દમાસ્કસ ગયા અને સાત વર્ષ સુધી કૅરો શહેરના મદરેસા અલફખ્રિયામાં અધ્યાપનકાર્ય કર્યું. તેને બાદ કરતાં તેઓ છેવટ લગી મુખ્ય ન્યાયાધીશના હોદ્દા પર રહેલા.

તેમની સર્વોત્તમ કૃતિ ‘વફ્યાતુલ અઅ્યાન વ અન્બાઅ અબ્નાઇઝ ઝમાન’ છે જે 1274માં સંપૂર્ણ કરી હતી. તેમાંનાં 865 ખ્યાતનામ વિદ્વાનોનાં યથાર્થ અને ઉમદા જીવનચરિત્રોના કારણે આ પુસ્તક શ્રેષ્ઠ ચરિત્રસંગ્રહ બન્યું છે અને સાહિત્યિક ઇતિહાસ તરીકે પણ તે મહત્ત્વનું ગણાય છે.

મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ