ખલીફ-અલ્-મામુન

January, 2010

ખલીફ-અલ્-મામુન (જ. 14 સપ્ટેમ્બર 786, બગદાદ; અ. 7 ઑગસ્ટ 833, તાર્સસ, તુર્કી) : અરબ સામ્રાજ્યના અબ્બાસી વંશના ખલીફાઓ પૈકીના સાતમા ખલીફ. તેમના પિતા હારૂન-અલ્-રશીદ મહાપરાક્રમી સમ્રાટ હતા; અને તેમનાં પરાક્રમો અને કીર્તિ લોકસાહિત્ય અને દંતકથાઓમાં અમર બન્યાં છે. મામુને બગદાદમાં રહીને ઈ. સ. 786થી મૃત્યુપર્યંત એટલે કે 809 સુધી શાસન કર્યું હતું. બગદાદના આ ખલીફ પોતાના ન્યાય તથા કાવ્યપ્રેમ માટે જાણીતા હતા. હારૂનને સાત રાણીઓ અને સંખ્યાબંધ ઉપપત્નીઓ હતી. ગુલામ બાંદીઓથી તેમને સાત પુત્રો અને ચૌદ પુત્રીઓ થયાં હતાં. સમગ્ર અબ્બાસી વંશના 37 ખલીફાઓમાં માત્ર ત્રણ (અબ્બાસ, મહદી અને અલ્-અમીન)ને બાદ કરતાં બાકીના સઘળા ઉપપત્નીઓ બનેલી ગુલામ માતાઓનાં ફરજંદ હતા. અલ્-મામુનની માતા પણ મૂળે તો પર્શિયાની ગુલામ બાંદી જ હતી. એ બિન-આરબ બાંદીનું નામ મારાજીલ હતું.

મામુનનો અલ્-અમીન નામે એમનાથી સહેજ નાનો ઓરમાન ભાઈ હતો. તેની માતા રાણી ઝુબેદા આરબ વંશની હતી.

હારૂન 42 વર્ષના થયા ત્યાં તો અમીન અને મામુન નામના તેમના બંને શાહજાદાઓ બગદાદની ગાદીએ બેસવા ઉતાવળા થવા માંડ્યા. બંને ભાઈઓ વચ્ચેની શક્ય સ્પર્ધા અને સંઘર્ષ ટાળવા હારૂને ટાઇગ્રિસની પૂર્વેનો મુલક મામુનને અને બાકીનો પશ્ચિમ તરફનો અમીનને મળે અને તે બંનેમાંથી જેનું મૃત્યુ વહેલું થાય, તેનો સઘળો મુલક જીવતા કુંવરને મળે તેવી વ્યવસ્થા કરી.

ખોરાસાનમાં જાગેલા બળવાને શમાવવા, બંને શાહજાદાઓ સાથે ઘટનાસ્થળે જતાં હારૂન, તુર્સ નગરીમાં માર્ચ, 809માં અવસાન પામ્યા. પિતાનો પૂરેપૂરો વારસો મેળવવા માટે આ બંને ઓરમાન ભાઈઓ વચ્ચે સત્તાસંઘર્ષ ચાલ્યો જે 811માં રીતસરના યુદ્ધમાં પરિણમ્યો અને સપ્ટેમ્બર, 813માં બગદાદની શરણાગતિ અને અમીનના મૃત્યુ સાથે વિરમ્યો. આમ અમીન અને મામુન વચ્ચેના સંઘર્ષમાં ચાર વર્ષે મામુન વિજયી બનતાં તે બગદાદની રાજગાદીના વારસદાર એટલે કે ‘ખલીફ’ બન્યા.

પિતા હારૂનના શાસનકાળ દરમિયાન મામુનને પૂર્વ તરફના પ્રાંત એટલે કે પર્શિયા, પશ્ચિમી ભારત અને મધ્ય એશિયાના હાકેમ નીમવામાં આવ્યા હતા. કદાચ આ જ કારણે તે ‘ખલીફા’ જાહેર થયા બાદ પણ બગદાદ ન જતાં, મધ્ય એશિયાના મેર્વ નામના સ્થળે જ પાંચ-છ વર્ષ સુધી રહ્યા. એમનું ચાલત તો એ ત્યાં જ રહેત, પરંતુ 817માં મામુને પોતાનો અનુગામી નીમ્યો જેની સામે વિરોધ જાગ્યો અને બગદાદમાં આંતરિક બળવો ફાટી નીકળ્યો. આ પરિસ્થિતિનો લાભ લઈ મામુનના કાકા ઇબ્રાહીમે પોતાને ‘ખલીફ’ જાહેર કર્યા. મામુને આ પરિસ્થિતિ સંભાળી તો લીધી; પરંતુ 819થી તેમણે બગદાદમાં કાયમી વાસ સ્વીકાર્યો. રાજ્ય-અમલ દરમિયાન વારેવારે ઊઠતા અનેક સંઘર્ષો અને ઉપદ્રવો વચ્ચે પણ ખેતી-વેપાર-વણજ અને આર્થિક વ્યવસ્થાને મામુન જાળવી શક્યા હતા. વળી, કૉન્સ્ટૅન્ટિનોપલના હરીફ એવા બાઇઝેન્ટાઇન સમ્રાટોની સામે એમને દર વર્ષે લશ્કરી કૂચ પણ લઈ જવી પડતી હતી. આવા જ એક અભિયાન દરમિયાન તાર્સસ ખાતે ઑગસ્ટ, 833માં તેમનું અવસાન થયું.

આમ, 47 વર્ષના જીવનકાળ દરમિયાન અલ્-મામુને 813થી 833 એટલે કે કુલ 20 વર્ષ રાજગાદી ભોગવી. સન 762માં બગદાદ નગરી વસાવનાર અબ્બાસી વંશના ખલીફ અલ્-મનસૂર, હારૂન-અલ-રશીદ અને અલ્-મામુનનો શાસનકાળ ઇસ્લામનો સુવર્ણકાળ માનવામાં આવે છે.

મામુને રાજકક્ષાની સમિતિમાં મુસ્લિમો ઉપરાંત ખ્રિસ્તી, યહૂદી, સેબિયન અને જરથોસ્તી સંપ્રદાયના પ્રતિનિધિઓને સ્થાન આપ્યું હતું; એટલું જ નહિ, પરંતુ સૌ સંપ્રદાયના લોકોને ધર્મપાલન અને પૂજા-બંદગીની સંપૂર્ણ સ્વતંત્રતા પણ આપવામાં આવી હતી. પિતા હારૂન કરતાં પણ મામુનના શાસનમાં વિદ્યા, કલા, વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનને વધારે પ્રોત્સાહન મળ્યું. એમણે બગદાદમાં એક જ્ઞાનગૃહ(બૈત અલ્-હિકમત)ની સ્થાપના કરી હતી, જેની સરખામણી ઍલેક્ઝાંડ્રિયાનાં પ્રખ્યાત સંગ્રહસ્થાન અને પુસ્તકાલય સાથે કરી શકાય. આ જ્ઞાનગૃહ શિક્ષણ માટેની સંસ્થા, પુસ્તકાલય અને અનુવાદ માટેની સુવિધા આપતી એક વિશાળ વ્યવસ્થા હતી. મામુને કૉન્સ્ટેન્ટિનોપલ, ઍલેક્ઝાંડ્રિયા, ઍન્ટિઑક વગેરે સ્થળોએથી ગ્રીક વિદ્વાનોને બોલાવી ગ્રીક પ્રાચીન ગ્રંથોના અરબી ભાષામાં અનુવાદ કરાવ્યા. આ કામ માટે તેમણે પગારદાર ભાષાન્તરકારોને રોક્યા હતા. આવા એક જાણીતા બિન-આરબ અનુવાદક હુનાયેન(કે હુનૈન)-ઇબ્ન-ઇશાક હતા. તેઓ મામુનના તબીબ હતા અને જ્ઞાનગૃહના અનુવાદવિભાગના વડા પણ હતા. સામાન્ય રીતે, અનુવાદકોને મહિનાના 500 દીનાર આપવામાં આવતા, પરંતુ હુનાયેન અને તેમના પુત્ર ઇશાક તથા એમના સાથીદારોને એમણે અનૂદિત કરેલા પુસ્તકના વજન જેટલું સોનું આપવામાં આવતું ! ઇબ્ન ઇશાકે અને તેના શિષ્યોએ ટૉલેમીના ગ્રંથ ‘સિન્ટેક્સિસ’નું ભાષાંતર કર્યું, જે 827માં ‘અલમાજેસ્ટ’ નામે પ્રસિદ્ધ થયું. આ ઉપરાંત, ઍરિસ્ટોટલના ગ્રંથ તથા અન્ય સંખ્યાબંધ ગ્રીક ગ્રંથોના અનુવાદો પણ કર્યા.

મામુન જ્યારે મેર્વમાં રહેતા હતા ત્યારે અલ્-ખ્વારિજમી (જ. 783; અ. 850)નો એમને પરિચય થયો હતો, જેના ગણિત અને ખગોળના જ્ઞાનથી પ્રભાવિત થઈ 819માં જ્યારે મામુન બગદાદ ગયા ત્યારે તેમને પોતાની સાથે લઈ ગયા. એ સમયે ખ્વારિજમીનું વય 36 વર્ષનું હતું. બગદાદના જ્ઞાનગૃહમાં એક પુસ્તકાલયની સ્થાપના કરી અને અલ્-ખ્વારિજમીને તેના ગ્રંથપાલ નીમ્યા. 819માં મામુને બગદાદમાં એક વેધશાળા પણ ઊભી કરી જ્યાં અલ્-ખ્વારિજમીએ વર્ષો સુધી વેધકાર્ય કર્યું હતું. તેમણે પોતાના ગ્રંથોની રચના બગદાદમાં રહીને જ કરી હતી. 825ની આસપાસ રચેલું બીજગણિતનું એક પુસ્તક પણ એમણે પોતાના આશ્રયદાતા ખલીફા અલ્-મામુનને અર્પણ કર્યું હતું.

મામુને ઉદાર હાથે વૈદ-હકીમો, કાયદાશાસ્ત્રીઓ, સંગીતજ્ઞો, કવિઓ તથા વૈજ્ઞાનિકોને નવાજ્યા હતા. એમણે અલ્-ખ્વારિજમી જેવા પ્રખર ગણિતશાસ્ત્રીને રાજ્યાશ્રય આપવા ઉપરાંત, દેશવિદેશના સંખ્યાબંધ ગણિતશાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓને તથા વિજ્ઞાનની અન્ય શાખાના પંડિતોને આશરો આપ્યો, જેમાં ‘આરબોમાં પ્રથમ તત્ત્વજ્ઞાની’ હોવાનું બિરુદ ધરાવતા અને વિજ્ઞાનની અનેક શાખાઓમાં સિદ્ધહસ્ત એવા અબૂ-યુસુફ અલ્-કિન્દીનો તથા ખગોળવેત્તા અબૂ-અલ્-અબ્બાસ મુહમ્મદ ઇબ્ન અલ્-ફરઘાની જેવાઓનો પણ સમાવેશ થાય છે.

મામુને, પાટનગર બગદાદ ઉપરાંત, ટેડમૉરમાં, દમાસ્કસમાં તથા અન્ય કેટલાંક સ્થળોએ પણ ખગોળીય વેધશાળાઓની સ્થાપના કરી હતી. સૂર્ય પરનાં કાળાં ધાબાં(સૂર્યકલંકો)નો અભ્યાસ કરવા માટે મામુને નિષ્ણાતોની નિમણૂક કરી તો પૃથ્વીના પરિઘની જાણકારી માટે નિષ્ણાતોની બે ટુકડીઓ નીમી હતી. આ નિષ્ણાતોએ એકીસાથે ટેડમૉર (પુરાણું પલ્મેરા) અને પર્શિયાના સંજાર ખાતે જઈને સૂર્યના વેધો લીધા હતા તથા તેના ઉન્નતાંશો માપીને કે સૂર્યના ચોક્કસ સ્થાનની ગણતરી કરીને પૃથ્વી પરના અંશ નક્કી કર્યા હતા. પ્રત્યેક અંશના 56⅔ અરબ માઈલ ગણીને તેના આધારે પૃથ્વીના પરિઘની ગણતરી કરી હતી, જે 32,823.6 કિમી. (વ્યાસ 10,458 કિમી.) જેટલી મળતાં, ટૉલેમીએ માનેલા માપની નજીક હતી. પૃથ્વીના પરિઘનો આધુનિક આંકડો જોકે આનાથી વધુ છે, તેમ છતાંય, આથી મામુનના ખગોળપ્રેમનું મૂલ્ય ઓછું નથી થતું. એમની વેધશાળાઓમાં ઉન્નતાંશ-માપી કે ભગોલયંત્રો (ઍસ્ટ્રોલેબ) જેવાં વેધયંત્રો ઉપરાંત અન્ય અનેક પ્રકારનાં યંત્રો હતાં. આ યંત્રોની મદદથી, તે કાળના ખગોળશાસ્ત્રીઓએ સૂર્યની પરમ ક્રાંતિ માપી અને તેનું માપ 23o 34´ હોવાનું જાહેર કર્યું હતું. આ માપ એમના તે સમયના સૂક્ષ્મ માપના હિસાબે માત્ર દોઢ કળા જેટલું ઓછું હતું.

મામુને ‘મુતાઝિબાહ’ નામના બુદ્ધિ પર આધારિત ઉદારમતવાદને, રાજ્યમાન્યતા આપી અને અરબી ભાષામાં લખાયેલું કુરાન, દૈવી એટલે અપૌરુષેય કુરાનની પ્રતિકૃતિ છે તેવા રૂઢિચુસ્ત મતની વિરુદ્ધ, કુરાન માનવીએ લખેલો ગ્રંથ છે તેવા મતને અનુમોદન આપ્યું હતું. એમણે જાહેર કર્યું કે કુરાન માનવીલિખિત કૃતિ છે તેવું ન માનનાર કાજી કે ન્યાયાધીશ, પોતાના પદે ચાલુ રહી શકે નહિ તેમજ ન્યાયાધીશ તરીકેની ઉમેદવારી પણ કરી શકે નહિ. આમ, ધર્મની બાબતમાં ઉદારમતવાદી અલ્-મામુને કાયદો ઘડીને, ઉદારમતવાદી હોય તેની જ ન્યાયતંત્રમાં નિમણૂક કરવાની પ્રથા પાડી; એટલું જ નહિ, પરંતુ આ સિદ્ધાંતનો ઇનકાર કરનાર સામે કામ ચલાવવા માટે એમણે ધર્મ અદાલતો કે રોમન કૅથલિક ધર્મતંત્રની ન્યાયસભા(inquisition)ની માફક ખટલા ચલાવવા માટે ‘મિહના’ નામના ખાસ ન્યાયપંચની નિમણૂક કરી. એ પ્રથા છેક 850 સુધી ચાલુ રહી હતી. અહમદ ઇબ્ન હનબાલ જેવા પ્રખર કાજીએ આનો વિરોધ કરતાં મિહનાએ તેમને પણ શિક્ષા ફરમાવી હતી. આમ, મામુન જેવા ઉદારમતવાદીએ રૂઢિચુસ્તો પર દમન કર્યું એવા અપવાદને બાદ કરતાં, આ વિદ્યાવ્યાસંગી અને ખગોળપ્રેમી ખલીફનો શાસનકાળ આરબ ઇતિહાસમાં ઘણો ઉજ્જ્વળ રહ્યો છે.

સુશ્રુત પટેલ