ખર્ચવેરો (expenditure tax) : સામાન્ય રીતે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વપરાશી ખર્ચ પર આકારવામાં આવતો પ્રત્યક્ષ કર. તેનો મુખ્ય ઉદ્દેશ બિનજરૂરી તથા ઊડીને આંખે વળગે તેવો (conspicuous) વપરાશી ખર્ચ પર કાપ મૂકવાનો અને તે દ્વારા બચત અને ઉત્પાદકીય મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવાનો હોય છે. લગભગ ત્રણ શતક પહેલાં સર્વપ્રથમ હૉબ્ઝ નામના વિચારકે તેની ભલામણ કરી હતી. તેમની દલીલને આધારે જે. એસ. મિલે તેને પરિપૂર્ણ અને ન્યાયસંગત કર કહ્યો હતો. આલ્ફ્રેડ માર્શલ જેવા અર્થશાસ્ત્રીએ પણ તેને ટેકો આપ્યો છે. ઇંગ્લૅન્ડમાં 1978ના અરસામાં નિમાયેલી મીડ સમિતિએ પણ તેના અહેવાલમાં એવો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે પ્રત્યક્ષ કરવેરાના ક્ષેત્રમાં આવકવેરાની તુલનામાં ખર્ચવેરો વધુ ચડિયાતો વિકલ્પ છે કારણ કે આવકવેરો વ્યક્તિની કામ કરવાની, ઉત્પાદકીય પ્રવૃત્તિઓ દ્વારા આવકનું સર્જન કરવાની અને બચત કરવાની વૃત્તિ પર વિપરીત અસર કરે છે, જ્યારે ખર્ચવેરો બિનજરૂરી વપરાશી ખર્ચમાં ઘટાડો કરી બચતને પ્રોત્સાહન આપે છે અને તે ર્દષ્ટિએ તે કર આર્થિક વૃદ્ધિ માટે પ્રોત્સાહક (growth-oriented) છે. ખાસ કરીને અલ્પવિકસિત અને વિકાસશીલ દેશો કે જ્યાં ગરીબીનિવારણ માટે બચતોને ઉત્તેજન આપી મૂડીરોકાણ વધારવાની તાતી જરૂર હોય છે ત્યાં ખર્ચવેરો આર્થિક વૃદ્ધિ માટે વધુ ઉપકારક નીવડી શકે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓએ નાગરિકના વપરાશી ખર્ચની ગણતરીમાં ઊભી થાય તેવી સંભવિત મુશ્કેલીઓ અને તેને લીધે ઊભી થતી વહીવટી મુશ્કેલીઓની દલીલોને આધારે ખર્ચવેરાનો વિરોધ કર્યો હતો; પરંતુ ઇર્વિગ ફિશરે સૂચવ્યું છે તે મુજબ, કરદાતાએ કોઈ એક વર્ષ દરમિયાન કમાયેલી આવક સાથે તેની સંપત્તિમાં તે વર્ષ દરમિયાન થતા ચોખ્ખા ફેરફારનું સમાયોજન (adjustment) કરવાથી, એટલે કે કરદાતાએ વર્ષ દરમિયાન મેળવેલ આવકમાંથી તે વર્ષ દરમિયાન તેણે કરેલ ચોખ્ખી બચતની બાદબાકી કરવાથી વપરાશી ખર્ચની ગણતરી સહેલાઈથી થઈ શકે છે અને તેથી ફિશરે સૂચવેલ પદ્ધતિનો અમલ કરવાથી ખર્ચવેરો લાગુ પાડવા માટે વપરાશી ખર્ચની ગણતરીની મુશ્કેલી નિવારી શકાય છે તેવો અભિપ્રાય કેટલાક અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યો છે; તેમ છતાં ફિશરની પદ્ધતિ દ્વારા વપરાશી ખર્ચની ગણતરી કરવા માટે 1942માં અમેરિકામાં થયેલા પ્રયોગોથી સિદ્ધ થયું છે કે તેમાં આર્થિક કરતાં વહીવટી મુશ્કેલીઓ જ વધુ દુસ્તર છે. ભારત જેવા દેશમાં નાના વ્યવસાયોમાં રોકાયેલી વસ્તીનું પ્રમાણ ખૂબ મોટું છે, લોકોમાં હિસાબ રાખવાની ટેવો ઓછી છે અને હિસાબ રાખવામાં આવેલા હોય તોપણ તેમાં વિશ્વસનીયતા ઘણી ઓછી હોય છે; તેથી આવા દેશમાં વપરાશી ખર્ચની ગણતરીમાં પારાવાર મુશ્કેલીઓ ઊભી થાય તેવી સંભાવના છે. ઉપરાંત, વપરાશી ખર્ચ અને મૂડીરોકાણ માટે થયેલ ખર્ચની ભેદરેખા દોરવામાં પણ કેટલીક સૈદ્ધાંતિક મુશ્કેલીઓ રહેલી છે; દા.ત., માનવમૂડીમાં વૃદ્ધિ કરવા માટે કરવામાં આવેલો અથવા શ્રમદળની ઉત્પાદકતા વધારવા માટે થયેલો ખર્ચ વપરાશી ગણવો કે મૂડીરોકાણ માટેનો એ સમસ્યાનું સચોટ અને વિશ્વસનીય નિરાકરણ શોધવું દુષ્કર છે.
વિખ્યાત બ્રિટિશ અર્થશાસ્ત્રી નિકોલસ કાલ્ડોરના સૂચનને આધારે ભારતમાં 1957માં વ્યક્તિગત વપરાશી ખર્ચવેરો લાગુ પાડવામાં આવ્યો હતો. જોકે તેમાં વિવિધ પ્રકારની છૂટછાટો (exemptions) આપવામાં આવેલી. તેમાંથી સરકારને ચોખ્ખી આવક ખૂબ જૂજ મળેલી હોવાથી તથા બિનજરૂરી અને વૈભવ પ્રદર્શિત કરતો વપરાશી ખર્ચ ઘટાડવામાં તે નિષ્ફળ નીવડેલો હોવાથી 1962માં તે પાછો ખેંચી લેવાયો હતો. 1964માં તે ફરી દાખલ કરવામાં આવ્યો અને ફરી 1966માં લગભગ અગાઉનાં જ કારણોસર તે પાછો ખેંચાયો હતો. 1985માં ભારત સરકારે નીમેલ ‘ચેલિયા અભ્યાસજૂથે’ પણ ખર્ચવેરાનું પુનર્મૂલ્યાંકન કર્યું હતું. આ સમિતિએ સૈદ્ધાંતિક ર્દષ્ટિકોણથી તેની તરફેણ કરેલી હોવા છતાં વહીવટી અને અન્ય મુશ્કેલીઓના સંદર્ભમાં તે નામંજૂર કર્યો હતો. કેન્દ્ર સરકારના 1991–92ના અંદાજપત્રમાં આંશિક કે મર્યાદિત પ્રમાણમાં તે ફરી અમલમાં મૂકવામાં આવ્યો હતો. દા.ત., વાતાનુકૂલિત તારક હોટેલોનો અને વિમાની સેવાઓનો લાભ લેતા નાગરિકો દ્વારા થતા ખર્ચ પર તે આકારવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે