ખર્ચનું મૂડીકરણ : મહેસૂલી ખર્ચને હિસાબી ચોપડામાં મૂડીખર્ચ તરીકે દર્શાવવાની પ્રક્રિયા. ધંધાની કમાવાની શક્તિ ટકાવી રાખવા માટે અથવા ધંધાની મિલકતને કાર્યક્ષમ સ્થિતિમાં રાખવા માટે વારંવાર કરવો પડતો ખર્ચ મહેસૂલી કે ચાલુ ખર્ચ કહેવાય છે અને હિસાબોની નોંધ રાખવામાં તેને લગતા ખાતાની બાકીને નફાનુકસાન અથવા ઊપજખર્ચ ખાતે લઈ જઈને મહેસૂલી ખર્ચખાતું બંધ કરવામાં આવે છે; પરંતુ ચાલુ ખર્ચ પૈકી કેટલાંક ખર્ચ એવા પ્રકારનાં હોય છે કે તેમની ચુકવણી એક વર્ષમાં કરવામાં આવે છે છતાં તેનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળે છે. આવા ખર્ચને કામચલાઉ મૂડીખર્ચ અથવા મોકૂફ મહેસૂલી ખર્ચ (deferred revenue expenditure) તરીકે ગણવામાં આવે છે અને હિસાબી ચોપડામાં હવાલાની નોંધ (adjustment entry) લખીને તેવા ખર્ચનું મૂડીકરણ કરવામાં આવે છે. મૂડીકૃત ખર્ચખાતાની બાકી પાકા સરવૈયામાં મિલકત તરીકે બતાવવામાં આવે છે અને તે બાકી(રકમ)માંથી થોડી થોડી રકમ દર વર્ષે મહેસૂલી ખર્ચ તરીકે નફાનુકસાન ખાતે માંડી વાળવામાં આવે છે.
મોટા પ્રમાણમાં મહેસૂલી ખર્ચ કરવામાં આવે ત્યારે તેને કામચલાઉ મૂડીખર્ચ ગણવાના બે ઉદ્દેશ હોય છે : (1) જો એક જ વર્ષમાં બધા ખર્ચને મહેસૂલી ખર્ચ ગણીને નફાનુકસાન ખાતે ઉધારવામાં આવે તો તે વર્ષનો નફો ખૂબ ઓછો જણાય અને બીજાં વર્ષોનો નફો પ્રમાણમાં વધુ જણાય. (2) આવા ખર્ચનો લાભ ભવિષ્યમાં પણ મળતો હોવાથી એક જ વર્ષ તેનો બોજો ઉઠાવે તેના કરતાં તેનો લાભ મેળવનાર બીજાં વર્ષો પણ આ બોજ ઉઠાવે તે તર્કસંગત અને ન્યાયી ગણાય. ધંધો શરૂ કરવાનો પ્રાથમિક ખર્ચ (preliminary expenditure), શૅર કે ડિબૅન્ચર બહાર પાડવાનો વટાવ સહિતનો ખર્ચ, મોટા પ્રમાણમાં કરેલો જાહેરાતનો ખર્ચ, મોટા પાયા ઉપર કરેલો સમારકામનો ખર્ચ, ધંધો કોઈ વધુ અનુકૂળ સ્થળે ખસેડવાનો ખર્ચ વગેરે ખર્ચને સામાન્ય રીતે મોકૂફ મહેસૂલી ખર્ચ ગણીને તેનું મૂડીકરણ કરવામાં આવે છે.
જયન્તિલાલ પો. જાની