ખર્ચ : ઇચ્છિત હેતુની પરિપૂર્તિ માટે વિનિયોગ કે વ્યય દ્વારા વપરાયેલું નાણું. આવકની જેમ ખર્ચ એ પણ એક આર્થિક સંકલ્પના છે. આવક અને ખર્ચ પરસ્પરાવલંબી છે. ખાનગી અને જાહેર વિત્તવ્યવસ્થામાં મૂળભૂત તફાવત એ છે કે ખાનગી વિત્તવ્યવસ્થામાં વાસ્તવિક અથવા અપેક્ષિત આવકની મર્યાદામાં રહીને ખર્ચની જોગવાઈ કરવી પડે છે; એટલે કે, આવક એ ખર્ચનો મુખ્ય આધાર હોય છે, જ્યારે જાહેર વિત્તવ્યવસ્થામાં અનુમાનિત કે અપેક્ષિત ખર્ચને ધ્યાનમાં લઈને જરૂરી આવક ઊભી કરવાની પદ્ધતિઓ અને માર્ગો શોધવામાં આવે છે. જુદા જુદા આર્થિક ઘટકો ભિન્ન ભિન્ન હેતુઓ માટે આવકનો વિનિયોગ કે વ્યય કરતા હોય છે; દા.ત., કુટુંબનો ઘટક તેની વપરાશી જરૂરિયાતો પૂરી કરવા માટે આવકનો વિનિયોગ કરે છે. પેઢી કે ઉદ્યોગ જેવા ઉત્પાદનઘટકો ઉત્પાદનનાં સાધનો અને નિવેશ (inputs) ખરીદવા માટે આવકનો વિનિયોગ કરે છે જેને ઉત્પાદકીય ખર્ચ અથવા મૂડીરોકાણ ખર્ચ કહેવામાં આવે છે; જ્યારે પંચાયતો, નગરપાલિકાઓ, રાજ્યસરકારો, કેન્દ્ર સરકારના જુદા જુદા ઘટકો જેવી જાહેર સંસ્થાઓ તેમની ફરજિયાત તથા મરજિયાત પ્રવૃત્તિઓ માટે જાહેર આવકનો ઉપયોગ કરે છે. કૌટુંબિક ઘટક વપરાશી ખર્ચ દ્વારા મહત્તમ તુષ્ટિગુણ પ્રાપ્ત કરવાનો હેતુ ધરાવે છે, પેઢી કે ઉદ્યોગ મૂડીરોકાણરૂપી ખર્ચ દ્વારા મહત્તમ નફો મેળવવાનો હેતુ ધરાવે છે તો જાહેર સંસ્થાઓ મહત્તમ સામાજિક કલ્યાણના હેતુને સિદ્ધ કરવા માટે ખર્ચની જોગવાઈ કરે છે. આ પ્રકારના વ્યવહારો મહત્તમ હેતુસિદ્ધિના વ્યવહાર (maximising behaviour) તરીકે ઓળખાય છે.

ધંધાકીય ર્દષ્ટિએ ખર્ચની વિભાવનાનું વિશ્લેષણ કરીએ તો જે ખર્ચનો હેતુ ધંધાની કમાવાની શક્તિ ટકાવી રાખવાનો હોય અથવા જેનો ઉદ્દેશ મિલકતને કાર્યક્ષમ સ્થિતિમાં રાખવાનો હોય તેને મહેસૂલી અથવા ચાલુ ખર્ચ (revenue or current) કહેવામાં આવે છે. આવો ખર્ચ ધંધામાં રોજ-બ-રોજ કરવો પડે છે; જેમ કે, ધંધો ટકાવવા માટે દર મહિને પગાર, ભાડું, વીજળીનું બિલ, ટેલિફોન બિલ વગેરે ચૂકવવાં પડે છે અને ધંધાની મિલકતને સારી હાલતમાં ટકાવી રાખવા માટે કારખાનાનું મકાન અને યંત્રોનું જરૂરિયાત મુજબ સમારકામ કરાવવું પડે છે. તેથી આ પ્રકારનાં ખર્ચ મહેસૂલી ખર્ચ કહેવાય છે.

તેથી ઊલટું, જે ખર્ચ નિયમિત સ્વરૂપે થતું ન હોય અને જેના દ્વારા કાયમી સ્વરૂપની મિલકત પ્રાપ્ત થતી હોય તે મૂડીખર્ચ કહેવાય છે. જમીન, મકાન, યંત્રો અને ફર્નિચર ખરીદવાનું ખર્ચ વગેરે મૂડીખર્ચ (capital expenditure) કહેવાય છે. હિસાબોની નોંધ રાખવામાં મહેસૂલી ખર્ચ ખાતાની બાકી બીજા વર્ષ માટે આગળ ખેંચાતી નથી; પરંતુ તેને નફાનુકસાન અથવા ઊપજખર્ચ ખાતે લઈ જઈ બંધ કરવામાં આવે છે; પરંતુ મૂડીખર્ચ ખાતાની બાકી અવશ્ય બીજા વર્ષ માટે આગળ ખેંચી જવામાં આવે છે અને પાકા સરવૈયામાં મિલકત બાજુએ બતાવવામાં આવે છે. ઘણે ભાગે (જમીનખરીદખર્ચ જેવા ખર્ચ સિવાયના) મૂડીખર્ચમાંથી ઘસારાની રકમ બાદ કરવામાં આવે છે.

કેટલોક ખર્ચ સામાન્ય રીતે મહેસૂલી ખર્ચ ગણાય; પરંતુ અમુક સંજોગોમાં તે જ ખર્ચ મૂડીખર્ચ પણ ગણાય. કાનૂની ખર્ચ સામાન્ય રીતે મહેસૂલી ખર્ચ છે; પરંતુ જ્યારે મિલકત ખરીદવા માટે વકીલ-ફી, સ્ટૅમ્પ-ફી અને દસ્તાવેજ તૈયાર કરવાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે તેને મૂડીખર્ચ ગણીને મિલકતની કિંમતમાં ઉમેરાય છે. તેવી જ રીતે પોતાના ધંધાના કામદારોને ધંધાનાં યંત્રો ગોઠવવા માટે મજૂરી ચૂકવવામાં આવે તો તેને મહેસૂલી ખર્ચ ગણી શકાય નહિ; પરંતુ મૂડીખર્ચ ગણીને યંત્રોની કિંમતમાં ઉમેરાય છે. વળી જૂની મિલકત ખરીદી હોય અને જરૂરિયાત માટે મોટા પાયા ઉપર સમારકામ-ખર્ચ કરવામાં આવે તો તે પણ મૂડીખર્ચ ગણાય છે.

વિનિયોગ (expenditure) અને વ્યય (expense) – આ બે વિભાવનાઓ જુદી જુદી છે. જ્યારે રોકડ રકમ ચૂકવીને અથવા દેવું કરીને કોઈ મિલકત વસાવવામાં આવે અથવા માલસામાન/સેવા ખરીદવામાં આવે ત્યારે વિનિયોગ થયો કહેવાય છે. આમાં નોંધપાત્ર મુદ્દો એ છે કે વિનિયોગ કોઈ ચોક્કસ હિસાબી વર્ષ સાથે સંકળાયેલો હોતો નથી પરંતુ રોકડ ચુકવણી દ્વારા અથવા દેવું કરીને નવી મિલકત/સેવા સંપાદન કરવાની માત્ર પ્રક્રિયા જ છે; પરંતુ વ્યયની વિભાવના વિનિયોગથી તદ્દન ભિન્ન છે. ઉત્પાદન કરવા માટે હિસાબી વર્ષમાં વાપરેલી મિલકતને અથવા આપેલા ભોગને વ્યય કહેવાય છે. સંજોગો અનુસાર વિનિયોગ અને વ્યયની બાબતમાં જુદી જુદી પરિસ્થિતિ ઊભી થતી હોય છે; જેવી કે : (1) આગળના હિસાબી વર્ષમાં કરેલો વિનિયોગ ચાલુ હિસાબી વર્ષમાં વ્યય થઈ શકે છે, (2) ચાલુ હિસાબી વર્ષમાં કરેલો વિનિયોગ ચાલુ હિસાબી વર્ષમાં જ વ્યય હોઈ શકે છે, (3) એક હિસાબી વર્ષમાં કરેલો વિનિયોગ ભવિષ્યના બીજા હિસાબી વર્ષમાં વ્યય થઈ શકે છે અને (4) ચાલુ હિસાબી વર્ષમાં વ્યય થયો હોય; પરંતુ તેને સંબંધિત વિનિયોગ થયો ન હોય તેમ પણ બની શકે છે.

વિનિયોગ અને વ્યયની લાક્ષણિકતા સમજીને ચોક્કસ અને સાચો નફો અથવા નુકસાન નક્કી કરવા માટે હવાલાની નોંધો (adjustment entries) હિસાબી ચોપડામાં લખવામાં આવે છે. કેટલાક મહેસૂલી ખર્ચ અથવા ચાલુ ખર્ચનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળે છે, તેથી તેવા ખર્ચનું મૂડીકરણ કરવામાં આવે છે.

ભૂતકાળમાં જાહેર ખર્ચની વિભાવના માત્ર રાજ્યના પોતાના રોજ-બ-રોજના વ્યવહાર માટેના વિનિયોગ પૂરતી જ મર્યાદિત હતી. ક્રમશ: તેનો વ્યાપ અને વિસ્તાર વધતો ગયો અને તેમાં સમાજ અને સમગ્ર અર્થતંત્રના નિયમન અને નિયંત્રણનો તથા સામાજિક કલ્યાણની વિભાવનાનો ઉમેરો થયો. આજે તો વિશ્વના કેટલાક દેશો અન્ય દેશોને જુદા જુદા હેતુઓસર આર્થિક મદદ કરીને ‘વૈશ્વિક અર્થકારણ’-(economic globalisation)ની સંકલ્પનાને સક્રિય ટેકો આપી રહ્યા છે. છેલ્લાં લગભગ બે શતકો દરમિયાન જાહેર ખર્ચના પ્રમાણમાં સતત વધારો થતો ગયો છે. તેનાં કેટલાંક મહત્વનાં કારણોમાં અર્થતંત્રમાં રાજ્યની સક્રિય ભાગીદારી, રાજ્યનાં ફરજિયાત કાર્યો ઉપરાંત તેનાં મરજિયાત કાર્યોમાં થયેલ સતત વધારો (દા.ત., શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે), વસ્તીના વધારા સાથે જાહેર સેવાઓનું વિસ્તરણ (દા.ત., પીવાના પાણીનો પુરવઠો, વીજળીનો પુરવઠો, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારની સગવડો વગેરે), વધતા શહેરીકરણને લીધે નાગરિક સેવાઓનું વિસ્તરણ, સામાજિક સલામતીની યોજનાઓનું વિસ્તરણ, જાહેર ક્ષેત્રનું વિસ્તરણ, સંરક્ષણ તથા આંતરિક સલામતી કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનો વધતો ખર્ચ વગેરેનો ઉલ્લેખ કરી શકાય. જે વિચારકો બજાર-તંત્ર કે સ્વૈરવિહાર(laissez-faire)ની આર્થિક વ્યવસ્થાને વધુ ઇષ્ટ ગણે છે તેઓ જાહેર ખર્ચનાં હાલનાં વધતાં વલણોને અર્થતંત્રમાં રાજ્યની વધતી દખલગીરીનાં ભયજનક પરિણામોના સંદર્ભમાં મૂલવે છે. તેમના મંતવ્ય મુજબ રાજ્યની દખલગીરીના વિસ્તરણ સાથે અર્થતંત્રની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે, ઉત્પાદકતામાં ઘટાડો થતાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે અને અંતે સામાજિક કલ્યાણમાં વધારો થવાને બદલે તેમાં ઘટાડો થતો જાય છે. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીના ગાળામાં વિશ્વના જે જે દેશોના અર્થતંત્રમાં રાજ્યની સીધી કે આડકતરી દરમિયાનગીરી વધી છે તે દેશોમાં ઇચ્છિત પરિણામો હાંસલ થયાં નથી તે સ્વીકારવું પડશે. ભૂતપૂર્વ સોવિયેત સંઘનું વિઘટન, પૂર્વ યુરોપ તથા વિશ્વના અન્ય વિસ્તારોના સામ્યવાદી દેશોના અર્થકારણનો થયેલો રકાસ અને ચીન જેવા સામ્યવાદી શાસન હેઠળના દેશે 1977 પછીના ગાળામાં અપનાવેલ ‘બજાર પ્રત્યે મૈત્રીભાવની નીતિ’(market friendly)ના નામથી ઓળખાતી ઉદાર આર્થિક નીતિ – આ બધાં જાહેર ખર્ચની ઉપયોગિતા અને ઇષ્ટતાનું પુનર્મૂલ્યાંકન કરવા પ્રેરે તેવાં છે. ભારતમાં પણ અર્થતંત્રના ખાનગીકરણની તરફેણ કરતી વિચારસરણી પ્રબળ બનતી જાય છે. આ પરિપ્રેક્ષ્યમાં જાહેર ખર્ચની વિભાવનાનું પુનર્મૂલ્યાંકન જરૂરી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જયન્તિલાલ પો. જાની