ખરીદ-વેચાણ ભૂગોળ : પ્રકૃતિએ બક્ષેલી તથા માનવશ્રમ દ્વારા સર્જેલી ચીજવસ્તુઓ અને સેવાઓના ખરીદ-વેચાણની પ્રક્રિયા પર પણ અસર કરતાં ભૌગોલિક પરિબળોનું વિશ્લેષણ કરતી ભૂગોળ. વસ્તુઓના ઉત્પાદનની માફક ઉત્પાદિત વસ્તુઓને ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા પર પણ ભૌગોલિક પરિબળો અસર કરતાં હોય છે.
ચીજવસ્તુઓના ઉત્પાદનની જેમ તેના ખરીદ-વેચાણની પ્રક્રિયા પર પણ ભૌગોલિક પરિબળો અસર કરતાં હોય છે; દા.ત., ત્વરિત બગડી જાય તેવી વસ્તુઓનું વેચાણ મહદંશે સ્થાનિક અથવા નજીકના બજારમાં જ કરવું પડે છે, પરંતુ અર્ધટકાઉ વસ્તુઓનું વેચાણ પ્રાદેશિક કે બહુ બહુ તો દેશભરના બજારમાં કરવામાં આવતું હોય છે જ્યારે ટકાઉ વસ્તુઓનું વેચાણ આંતરરાષ્ટ્રીય બજારમાં, કોઈ પણ પ્રકારના ભૌગોલિક અંતરાય વગર કરી શકાય છે. અલબત્ત, ખૂબ વજનદાર વસ્તુનું વેચાણ પણ સ્થાનિક કે પ્રાદેશિક બજારો પૂરતું મર્યાદિત રાખવું પડે છે; દા.ત., પથ્થર કે પથ્થરની બનાવટની વસ્તુઓ.
ઘણી વાર વસ્તીનું ભૌગોલિક કેન્દ્રીકરણ પણ ચીજવસ્તુઓના ખરીદ-વેચાણના સ્વરૂપ પર અસર કરે છે; દા. ત., જે દેશોમાં જે કોઈ એક દેશના કે નગરના અમુક વિસ્તારોમાં ગરીબ લોકોનું પ્રમાણ વધારે હોય ત્યાં જીવનજરૂરિયાતની વસ્તુઓના ખરીદ-વેચાણનું પ્રમાણ સવિશેષ હોય છે. વિશ્વના વિકસિત અને તેથી સમૃદ્ધ ગણાતા દેશોમાં રાષ્ટ્રની કુલ આવકનું નોંધપાત્ર પ્રમાણ સુખાકારીની અને મોજશોખની વસ્તુઓના ખરીદ-વેચાણ માટે ફાળવવામાં આવે છે તો અલ્પવિકસિત કે વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો ખોરાક જેવી જીવનરક્ષક ચીજવસ્તુઓ પર ખર્ચાતો હોય છે. આમ, વસ્તીનું ભૌગોલિક વિભાગીકરણ ખરીદ-વેચાણની પ્રક્રિયાનું કદ અને તેનું સ્વરૂપ નિર્ધારિત કરે છે. જુદા જુદા પ્રદેશોની આબોહવા પણ જે તે પ્રદેશોમાં થતી ખરીદ-વેચાણની પ્રક્રિયા પર અસર કરે છે; દા.ત., ઠંડા પ્રદેશના લોકોની જરૂરિયાતો ગરમ પ્રદેશોના લોકોની જરૂરિયાતો કરતાં ઘણી બાબતોમાં ભિન્ન હોય છે.
ઉપરની આકૃતિમાં ઉત્પાદન-સ્થળેથી ગ્રાહક સુધી થતી વસ્તુની હેરફેરની પ્રક્રિયા સમજાવવામાં આવી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે