ખરસાણી, પી. (જ. 19 જૂન 1926, કલોલ; અ. 20 મે 2016, અમદાવાદ) : પ્રસિદ્ધ હાસ્યનટ અને દિગ્દર્શક. મૂળ નામ પ્રાણલાલ દેવજીભાઈ. નાની વયે પિતાજીનું અવસાન થતાં, વિધિસર અભ્યાસ છોડી ’42માં સ્વાતંત્ર્ય-આંદોલનમાં ઝંપલાવ્યું. ભૂગર્ભવાસ વેઠ્યો. .

પી. ખરસાણી

કામની શરૂઆત એક ફિલ્મ-ટૉકીઝમાં બોર્ડ-પેન્ટર તરીકે કરી નાટ્યપીઠમાં અનેક નાટકોમાં અભિનય; એમાં મુખ્યત્વે ‘મળેલા જીવ’, ‘વિરાજ વહુ’, ‘જુગલ જુગારી’ અને ‘મેના ગુર્જરી’ હતાં. 1955-57 વચ્ચે શ્રેષ્ઠ અભિનયનાં ઇનામો મેળવ્યાં. ‘રંગમંડળ’ સંસ્થામાં નાટકોનું દિગ્દર્શન પણ કર્યું. 1958થી સોએક જેટલી ફિલ્મોમાં હાસ્યનટ તરીકે અભિનય કર્યો છે. ખરસાણીએ સરકારનાં લોકજાગૃતિનાં કાર્યોના પ્રચાર માટે નાટક અને ભવાઈનો વ્યાપક ઉપયોગ કર્યો છે. રેડિયો અને દૂરદર્શન પર એમનું પ્રદાન પણ પ્રશંસા પામ્યું હતું.

તેમને અનેક પુરસ્કારો અને સન્માનો મળ્યા હતાં. 1955થી 1957 સુધી સતત ત્રણ વર્ષ સુધી મુંબઈ સરકાર તરફથી શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ, 1989માં ગુજરાત રાજ્ય સરકાર તરફથી ગૌરવ પુરસ્કાર, 1996માં પંડિત ઓમકારનાથ ઠાકુર ઍવૉર્ડ, 1997માં ગુજરાત ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 2013માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. અસ્મિતા પર્વ દરમિયાન મોરારિબાપુના હસ્તે નટરાજ પુરસ્કાર એનાયત થયો હતો.

હસમુખ બારાડી