ખરગાંવ : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો ખંડવા જિલ્લો અગાઉ પશ્ચિમ નિમાડ તરીકે ઓળખાતો જિલ્લો.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 20 22´ થી 22 35´ ઉ. અ. અને 74 25´ થી 76 14´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે ધાર, ઇન્દોર અને દેવાસ જિલ્લા, દક્ષિણે મહારાષ્ટ્રનો જલગાંવ જિલ્લો, પૂર્વે ખંડવા અને બુરહાનપુર જિલ્લા જ્યારે પશ્ચિમે બરવાની જિલ્લા સીમા રૂપે આવેલા છે. આ જિલ્લો સમુદ્ર સપાટીથી આશરે 300 મીટર ઊંચાઈ ધરાવે છે.
આ જિલ્લો નર્મદા નદીના ખીણવિસ્તારના મધ્ય ભાગમાં આવેલો છે. જિલ્લાની ઉત્તરે વિંધ્યાચળ પર્વતની હારમાળા અને દક્ષિણે સાતપુડાની પર્વત શૃંખલા આવેલી છે. આ જિલ્લામાં નર્મદા નદીનો વહન માર્ગ લગભગ 50 કિમી. છે. અન્ય નદીઓ પણ વહે છે જે નર્મદાની શાખાનદીઓ છે જેમાં વેદા, કુંડા વગેરે નદીઓ ગણાવી શકાય.
અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય ભેજવાળી તેમજ સૂકી અને ઉપ-ઉષ્ણકટિબંધીય ભેજવાળી એટલે કે મિશ્ર પ્રકારની અનુભવાય છે. આ જિલ્લામાં ઉનાળો અતિશય ગરમ અને સૂકો, જે મધ્ય માર્ચથી મધ્ય જૂનના સમયગાળા દરમિયાન અનુભવાય છે. એપ્રિલથી મે માસ દરમિયાન તાપમાન 40 સે.થી વધુ નોંધાયેલું છે. ગરમ પવન ફૂંકાતા રહે છે જે ‘લૂ’ તરીકે ઓળખાય છે. જેની અસર ત્યાંની પારિસ્થિતિકી ઉપર થાય છે. રાત્રિના સમયગાળામાં પણ તાપમાન ઊંચું રહે છે. જૂનના અંતભાગથી ચોમાસાનો પ્રારંભ થાય છે. હવામાં ભેજનું પ્રમાણ વધતું જાય છે. જેથી તે દરમિયાન તાપમાન 29 સે. થઈ જાય છે. અહીં સરેરાશ વરસાદ 1000 મિમી. જેટલો પડે છે. પરિણામે કુંડા અને અન્ય નદીઓના પાણીના સ્તર વધતા પૂરને કારણે લોકોને માઠી અસર થાય છે. શિયાળાનો પ્રારંભ નવેમ્બરના મધ્ય ભાગથી થાય છે. શિયાળો પ્રમાણમાં સૂકો, ઠંડી નહીંવત્ રહેતી હોવાથી વાતાવરણ ખુશનુમા રહે છે. તાપમાન 4 થી 15 સે. જેટલું રહે છે. કેટલીક વાર રાત્રિના સમયગાળામાં 2 સે. જેટલું નીચું ચાલ્યું જાય છે.
અર્થતંત્ર : આ જિલ્લાની આબોહવાને આધારે અહીં શુષ્ક પાનખર જંગલો આવેલાં છે. આ જંગલોમાં મુખ્યત્વે સાગ, સાલ, રોઝવુડ, પલાસા, ખેર, ટીમરુ, મહુડો વગેરે વૃક્ષોનો સમાવેશ થાય છે. પરિણામે અહીં વસતા આદિવાસીઓ માટે તેની જંગલપેદાશો તેમની આવકનું સાધન બની છે. જેમાં ખાસ કરીને ઇમારતી લાકડું, ટીમરુનાં પાન, લાખ, ગુંદર, ચારોળી મુખ્ય છે.
અહીંની જમીન રેગૂર, કાળી જમીન ખેતી માટે પરિપક્વ ગણાય છે. જમીનનો રંગ ઘેરાકાળાથી આછો કાળો જોવા મળે છે. તેમાં લોહ, ચૂનો, કૅલ્શિયમ, પોટાશ જેવાં તત્ત્વોનું પ્રમાણ અધિક છે. આ જમીનમાં ભેજ ધારણ કરવાની ક્ષમતા વધુ છે. આવી ફળદ્રુપ જમીનમાં ખાદ્યાન્નમાં ઘઉં, જુવાર, કઠોળ જ્યારે તેલીબિયાં, સરસવ, મગફળી, અળસી અને રોકડિયા પાકમાં કપાસ, તમાકુ અને શેરડીની ખેતી લેવાય છે. અહીં શાકભાજી, લીંબુની ખેતી કરવામાં આવે છે. ઉદ્યોગોને લક્ષમાં રાખીને કપાસ, સોયાબીન અને મરચાં, આદુની ખેતીને વધુ પ્રાધાન્ય મળ્યું છે. આ જિલ્લો સમગ્ર ભારતમાં કપાસના ઉત્પાદનમાં અગ્રેસર ગણાય છે. કપાસ ઉપર આધારિત અનેક સ્પિનિંગ મિલો આવેલી છે. ‘જવાહરલાલ નહેરુ સહકારી સૂટ મિલ’ એ સૌથી મોટું એકમ છે. આ સિવાય ‘સેંધવા કોટલ હબ’ ખૂબ જાણીતું છે. લાલ મરચાની નિકાસ જુદા જુદા દેશોમાં થાય છે. શેરડી ઉપર આધારિત નાની ખાંડની મિલો પણ આવેલી છે.
આ જિલ્લામાંથી ચિતોડગઢ–ભૂસાવળ, ખંડવા–વડોદરા, આગ્રા–મુંબઈ, ઇંદોર–ઇચ્છાપુર ધોરી માર્ગો પસાર થાય છે. આ સિવાય જિલ્લા માર્ગો અને તાલુકા માર્ગોનું ગીચ જાળું પથરાયેલું છે.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 8,030 ચો.કિમી. જ્યારે વસ્તી (2011 મુજબ ) 18,73,046 હતી. સેક્સ રેશિયો 1000 પુરુષોએ 963 મહિલાઓ છે. જ્યારે સાક્ષરતાનું પ્રમાણ 63.98% છે. તેમજ પછાત જાતિ અને આદિવાસી જાતિની ટકાવારી અનુક્રમે 11.16% અને 38.98% છે. અહીં હિન્દુઓની વસ્તી 92.12% જ્યારે મુસ્લિમોની વસ્તી 7.21% છે. અહીંની મુખ્ય ભાષા નિમાડી 51.80% છે. આ સિવાય હિન્દી 17.38%, બરેલી 11.10%, ભીલી 6.43%, ઉર્દૂ 1.81% અને બંજારી 1.81% છે.
આ જિલ્લાને મુખ્યત્વે બે ઉપ-વિભાગમાં વહેંચેલ છે. અને તેના પેટા વિભાગો તરીકે નવ તાલુકામાં વિભાજિત કરેલ છે. મુખ્ય ત્રણ તાલુકા બારવાહ, મહેશ્વર અને કસરાવાડ છે. જ્યારે છ તાલુકા નાના છે જેમાં ખટગાંવ, સેગાઓન, ગોગાવાન, ભગવાનપુરા, ભીખાનાગાઁવ અને જીરાનીયા છે.
ખરગાંવ (શહેર) : મધ્યપ્રદેશ રાજ્યના ખરગાંવ જિલ્લાનું જિલ્લામથક અને શહેર.
ભૌગોલિક સ્થાન : આ શહેર 21 52´ ઉ. અ. અને 77 01´ પૂ. રે. પર આવેલું છે. તે સમુદ્રની સપાટીથી આશરે 258 મીટરની ઊંચાઈ ધરાવે છે. જેની વસ્તી (2011 મુજબ) 1,06,459 છે. શહેરી વસ્તી 2.15,000 છે. શિયાળાનું સરેરાશ તાપમાન 21 સે., ઉનાળાનું સરેરાશ તાપમાન 45 સે. રહે છે. જ્યારે વરસાદ 914 મિમી. જેટલો પડે છે. સાક્ષરતાનું પ્રમાણ 80.63% જ્યારે સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 945 મહિલાઓ છે. અહીં હિંદુઓની વસતિ 61.50% છે જ્યારે મુસ્લિમ, જૈન, ક્રિશ્ચિયન, શીખ અને બૌદ્ધ વસ્તી અનુક્રમે 37.23%, 0.56%, 0.8%, 0.18%, 0.38% અને 0.5% છે.
ખરગાંવ જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કૉલેજો આવેલી છે. ખરગાંવ શહેરમાં CBSE બોર્ડ દ્વારા સંચાલિત અનેક શાળાઓ આવેલી છે. જેમાં દેવી રુકમણિ હાયર સેકન્ડરી સ્કૂલ, ગોકુલદાસ પબ્લિક શાળા, મહર્ષિ વિદ્યા મંદિર, સેંટ જુયડે હાયર સેકન્ડરી સ્કૂલ વગેરે આવેલી છે. બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન મધ્યપ્રદેશ સાથે સંલગ્ન શાળાઓમાં સરસ્વતી શિશુ વિદ્યામંદિર, પ્રિયદર્શિની હાયર સેકન્ડરી સ્કૂલ, ગાયત્રી શિક્ષા નિકેતન વગેરે આવેલી છે. કૉલેજોમાં ગવર્નમેન્ટ પોસ્ટ ગ્રૅજ્યુએટ ડિગ્રી કૉલેજ, અલ્મા કમ્પ્યૂટર ખરગાંવ, મોડક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી, ઍગ્રિકલ્ચર કૉલેજ પણ આવેલી છે. આ કૉલેજો દેવી અહલ્યા વિશ્વવિદ્યાલય ઇન્દોર સાથે સંકળાયેલી છે.
અહીં જોવાલાયક સ્થાપત્યોમાં પ્રાચીન નવગ્રહ મંદિર, જે કુન્ડા નદીકિનારે આવેલું છે. જેણે ‘નવગ્રહ કી નગરી’ના શહેર તરીકે ખરગાંવને એક ઓળખ આપી છે. મહાલક્ષ્મી જૈન મંદિર, 12મી સદીનાં જૈન મંદિરો ચૌબારા ડેરા–2 અને ગવલેશ્વર મંદિરનું મહત્ત્વ વધુ છે.
નિમાડ શબ્દ ‘નિમાર્ય’ ઉપરથી બન્યો હોવાનું મનાય છે. આર્ય અને બિનઆર્ય લોકો અહીં વસતા હતા. કેટલાક લોકોનું માનવું છે કે અહીં લીમડાનાં વૃક્ષો વધુ હતાં જેને હિન્દીમાં ‘नीम’ કહે છે તે ઉપરથી ‘નિમાડ’ નામ પડ્યું હશે. જુદા જુદા સમયગાળામાં મહેશ્વરનું સામ્રાજ્ય, માલવાના પરમાર, અસિરગઢથી આહીર, માંડવના મુસ્લિમો, મોગલો અને મરાઠાઓનું આધિપત્ય રહ્યું હતું. 1 નવેમ્બર, 1956ના રોજ નિમાડના બે ભાગ પડ્યા. પૂર્વ નિમાડ અને પશ્ચિમ નિમાડ. ત્યારબાદ ખંડવા અને ખરગાંવ એમ બે જિલ્લા નવા નામથી ઓળખાયા.
આ શહેર મધ્યપ્રદેશ રાજ્યમાં કપાસ અને મરચાના ઉત્પાદનમાં અગ્રેસર છે. ભારતમાં ખૂબ ઝડપથી વિકાસ કરતું આ શહેર છે. 2020માં સ્વચ્છ સર્વેક્ષણ થયું હતું, તેમાં આ શહેર ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે 10મા ક્રમે આવ્યું હતું.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી